ઉત્સવ

પ્રવાસી સાથે આવી ‘ધોધમાર’ ચીટિંગ?

વ્યંગ -ભરત વૈષ્ણવ

પ્રવાસ એટલે શું?
રૂટિન લાઇફથી કામચલાઉ છુટકારો મેળવવો?સ્ટ્રેસમાંથી રાહત મેળવવી ?પ્રવાસમાં હોટલ, ફૂડ બરાબર મળશે કે કેમ? તબિયત બગડશે તો નહીં? જેવી બાબતો અંગે નવો ગમતો તનાવ ઊભો કરવો.?કેટલાકને મુસાફરીના નામથી મોતિયા મરી જાય છે. કેટલાકને કબજિયાત કે કોઈને પેટ છૂટી થઇ જાય છે.? ભૂલથી ક્રેબ નાખેલ ઢોંસો ખાઇ જવાથી ધર્મભ્રષ્ટ થઇ જવાશે તો? પાસપોર્ટ કે ટિકિટ આડા હાથે મુકાઈ જશે તો?સવારની ફલાઇટ ચૂકી જઇશું?વગેરે પ્રકારની ભીતિ રહેતી હોય છે. અર્ધાનાવૃત વિદેશી બાળાઓને જોઇ બીપી વધી જશે તો ?આવી બધી પ્રવાસને લગતી સમસ્યા છે..
કેટલાક લોકો ઘરકૂકડા કે ઘરકૂકડી હોય છે. એમને ઘરેથી ઓફિસ જવું એ પણ કંટાળાજનક પ્રવાસ લાગે છે. કેટલાકને ઘરે ફાવતું નથી. એકાદ રજા મળે કે બેગ બિસ્તરા બાંધી ફરવા નીકળી પડે.તેમને પ્રવાસની હાલાકી નડતી નથી.એ લોકો પર્વતો સર કરે છે. એ લોકો ખીણો ખૂંદે છે. ‘હર ફિક્ર કો ઘૂંએં મેં ઉડાતા ચલા ગયા’ .રિવર રાફટિંગ, સ્નોરલકિંગ, બોટિંગ, પેરાગ્લાઇડિંગ, પેરાસેઇલિંગ , સર્ફિંગ, સ્કિઇંગ વગેરે મારફત આનંદનો ખજાનો લૂંટે છે. કેટલાક ઝાંઝરીના ઝરણા જોઇને નાયગ્રા ફોલ જોઇ આવ્યા હોય તેવા ફોટા અપલોડ કરે છે. આ ફોટા જોઇને ઘરવાળીઓ ગોરધનના ચીરહરણ કરે છે. લોકો કેવી મજા કરે છે અને અમારે તમારા રોટલા ઘડવા, કપડાં ધોવા, ઠામડાં ઘસવાના? બળી અમારી જિંદગી.પરિણામે વગર તલવાર-ઢાલે ધીંગાણા ખેલી લોહીલુહાણ થવાનું બાકી રહે છે.

પ્રવાસ એટલે મોજમજા? પ્રવાસ એટલે બેટરી ચાર્જિંગ? પ્રવાસ એટલે પૈસાનું પાણી? શહેરની હોટલમાં પાંત્રીસ રૂપિયે મળતા પાપડના બાલીમાં ત્રીસ હજાર ઇન્ડોનેશિયન રૂપિયા ચૂકવવાના. હાય હાય! મારા બેટા લૂંટે છે. ઇન્ડિયન કરન્સી અને ઇન્ડોનેશિયન કરન્સી વચ્ચે જબરું જલીકટુ જામતું રહે છે. ક્ધવર્ઝન થતું રહે છે. એક પાપડના ત્રીસ હજાર રૂપિયા એટલે ભારતના બસો રૂપિયા . ખલાસ પાપડનો ઓર્ડર ન કરાય. ભારત જઇ પાપડનું આખું પેકેટ ઝાપટી લેશું. વોટર બોટલના છ હજાર ઇન્ડોનેશિયન રૂપિયા . ભારતના કેટલા રૂપિયા ? અડતાળીસ રૂપિયા. ઓકે લઇ લો. હોટલ કે રેસ્ટોરેન્ટ ફ્રી ડ્રિન્કિંગ વોટર આપે નહીં.‘નો લંચ ઇઝ ફ્રી સાંભળેલ. પરંતુ નો વોટર ફ્રી ’ એવું સાંભળેલ નહીં.!અમેરિકામાં એક કોફીના કપના દસ ડોલર. દસ ડૉલર એટલે આપણા ૮૪૦ રૂપિયા. અમેરિકામાં એકવાર કોફી પીવો એના કરતાં ભારતમાં પંદર રૂપિયા લેખે છપ્પનવાર કોફીના સિપ લઇ શકાય.

અમારા એક સ્નેહી ઇંગ્લેન્ડ ગયેલા. ત્યાં તેમની દીકરી-જમાઇ સિટિઝન. સ્નેહીના વાળ વધી ગયેલ. હેર ડ્રેસરની દુકાને વાળ કાપવાનો ભાવ પૂછ્યો. વાળ કાપવાના પંદર પાઉન્ડ . ભારતીય ચલણ મુજબ પંદરસો રૂપિયા . એ કાકાએ વિચારું કે આટલા રૂપિયામાં ભારતમાં આખું વરસ વાળ કપાવી શકાય. આમ, વિદેશી અને દેશી ચલણની ક્શ્મકશ ચાલતી જ રહે છે.

આપણે ગુજરાતી લોકો ફરવાના શોખીન છીએ. સોરી સોરી પતાવવાના શોખીન છીએ. રોમ પતાવ્યું, ઇટલી પતાવ્યું, નાયગ્રા પતાવ્યો . હવે ઓસ્ટ્રેલિયા, ઓસ્ટ્રિયા, પેરૂ, લીમા પતાવવાનું છે. આપણને પતાવવાનો સોરી ફરવાનો બહુ શોખ છે! બેગ હાંકી જાય તેટલા કપડા, થેપલા, ખાખરા, છુંદા વગેરે લઇને નીકળી પડે. જે દેશમાં ફરવા જાય ત્યાંની સંસ્કૃતિ, ખાણીપીણી ( અરે, ગુજરાતમાં જે ડરતાં ડરતાં પાણી કરવાની તે ખુલ્લેખુલ્લા પ્યારની જેમ ગટગટાવી આંય સુધી લાંબા થાય સી ભાયા!)

આપણને પેરીસમાં પાત્રા અને રોમમાં રસપુરી ટાઇપના પ્રવાસમાં જયુસ આઇ મિન રસ છે. મ્યુઝિયમ બ્યુઝિયમ માર્યા ફરે . આપણે અર્ધદગ્ધ વિશ્ર્વ પ્રવાસી છીએ.

ઘણા દેશોનું અર્થતંત્ર પ્રવાસ પર નિર્ભર હોય છે. કેટલાયે લોકોના ચૂલા પ્રવાસનને લીધે સળગતા હોય છે. પ્રવાસીઓની સુવિધા વધારવા પાર્ક, પૂતળા , બગીચા, અભયારણ, મ્યુઝિયમ, થીમપાર્ક બનાવે છે. માત્ર દોકડાના હીંચકાથી માય સ્વિંગ બાલી’ ધૂમ પર ટુરિઝમ એકિટવિટી વિકસાવે છે. મહત્તમ સંખ્યામાં તેમના દેશમાં પ્રવાસીઓ પ્રવાસ કરે તે માટે નીતિઓ ઘડે છે.

આપણે સ્ટેચ્યૂ ઓફ યુનિટી નામનું પ્રવાસન સ્થળ વિકસાવ્યું છે. દરિયા કિનારે વોટર સ્પોર્ટસ એકટિવિટી ડેવલપ કરે છે. સામા પક્ષે પ્રવાસીના અપ્રતિમ ધસારાને લીધે જે તે શહેરોના લોકો ત્રાહિમામ પોકારી ઉઠે છે અને પ્રવાસી પર ઊંચી ફી,નિયંત્રણો લાદીને ખમૈયા કરાવે છે!

પ્રવાસીને આકર્ષવા આપણે નકલી લાલ કિલ્લો, તાજમહેલ બનાવવાનું સપનામાં પણ વિચારી શકીએ ? ફ્રાન્સ કોઇ ટેલિકોમ્યુનિકેશન ટાવરને એફિલનો ટાવર જાહેર કરે ખરૂં? ઇંગ્લેન્ડ કોઇ લોકલ કલોકટાવરને બિગબેન તરીકે ખપાવી શકે ખરૂં? તમે વિચારશો કે અમે સોમરસનું પાન કરીને અનાપશનાપ લવારા કરીએ છીએ.

વેઇટ એ મિનિટ, સર.
આ વાત ચીનની છે. ચીન એ ખંધુ ડ્રેગન છે. જયાં માહિતીના દરવાજા સજજડ બંધ છે. ચીન તેમના પડોશીને કોબ્રાની માફક ગળી જાય છે. એ પણ ઓડકાર ખાધા વગર.ચીનનો યુન્તાઇ ધોધ અમેરિકાના નાયગ્રા ફોલ્સની માફક આકર્ષે છે. આ ધોધ ઉન્તાઇ માઉન્ટેઇન પાર્કનો હિસ્સો છે. જેને યુનેસ્કોએ ગ્લોબલ જીયોપાર્ક તરીકે જાહેર કરેલ છે. આ ધોધની દર વરસે લાખો સહેલાણીઓ મુલાકાત લે છે. આ ધોધ એશિયાનો ઊંચો ધોધ છે.ઊંચેથી પડતા પાણીના ધોધ સોંદર્યથી પ્રવાસીઓ મંત્રમુગ્ધ કે હિપ્નોટાઇઝ થઇ જાય છે. ઊંચાઈથી પડતા પાણીનો ધબાક અવાજનું આગવું માધુર્ય છે. ડિટરજન્ટ પાવડર નાખ્યા વગર પાણીમાં ફીણના ફીંડલા વળે છે!

ઉન્તાઇ ધોધમાં શું ક્ષતિ છે? કેટલાક ખણખોદિયાઓએ ખાંખાંખોળા કરી ધોધની ખામી શોધી કાઢી. પ્રાકૃતિક જળ પ્રવાહને બદલે ઇદમ તૃતીયમ એટલે કે ગરબડપ્રવાહ જણાયો. લોકો ગુસ્સાબબુલી થઇ ગયા.હાઇલા, ઉન્તાઇ ધોધ અસલી નથી. ! ફેઇક ઓફિસ, ફેઇક રેશનકાર્ડ, ફેઇક પ્રોડકટ , ફેઇક પીએમઓ/ સીએમઓ ઓફિસરની ધોધની ઉપર પાઇપ ગોઠવેલો છે.પાઇપ કોઇને ન દેખાય તેમ ફીટ કરવામાં આવ્યો છે.ધોધનું પાણી વાસ્તવમાં પાઇપમાંથી છોડવામાં આવે છે.અધિકારીઓ પાઇપ ધોધની હકીકત કબૂલી પણ ખરી! ઉનાળામાં પાણીનો પ્રવાહ અને ફોર્સ ઘટી જવાથી પ્રવાસીઓ આવતા બંધ ન થાય તેટલા માટે આ ગિમિકસ કરવામાં આવ્યું .

ટૂંકમાં ઉન્તાઇ ધોધ કોમેડિયન મહેમૂદની જેમ ગાય છે, ‘હમ ફેઇક હૈ તો કયા હુઆ હમ ધોધવાલે હૈ, લોગ મેરે મેરે ચાહનેવાલે હૈ!’

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button