ઉત્સવ

નાના વેપારીઓ માટે સહયોગથી સફળતા

બ્રાન્ડ બનશે બિઝનેશ વધશે – સમીર જોશી

ગયા અઠવાડિયે અચાનક લેપટોપ બગડ્યું અને નવું ખરીદવાની ફરજ પડી. ઓનલાઇનના અને મેગા રિટેલ સ્ટોર્સ કે સુપર માર્કેટ્સના જમાનામાં સ્વાભાવિક છે અલગ અલગ જગ્યાઓથી જોઈતા લેપટોપના ભાવ આપણે કઢાવીએ અને જ્યાં સારી ડીલ મળે ત્યાંથી માલ ખરીદાય. ઘણીવાર એમ પણ થાય કે તમે મોટા સ્ટોરમાં જોઈતી ચીજ લેવા જાવ અને તેમને ઓનલાઇન ભાવ તેજ પ્રોડક્ટનો બતાવી તે ભાવમાં માલ આપવાની વાત કરો. કદાચ તમને તે ભાવમાં જોઈતી ચીજ મળી પણ જાય. કહેવાનું તાત્પર્ય તે છે કે આજની તારીખે MRP જે ઓનલાઇનમાં હશે તે ગણાશે અને નહિ કે બોક્સ પર લખી હશે તે. બધી કેટેગરી માટે આ કદાચ સાચું નહિ હોય, પણ મોટા ભાગે આજે આ થવા લાગ્યું છે. ઘણીવાર જે ડીલ તમને આવા સ્ટોરમાં કે ઓનલાઇન મળે તે બ્રાન્ડના પોતાના એક્સકલુઝિવ સ્ટોરમાં પણ ના મળે. આ ઉપરાંત વધારાના લાભો અલગ જે લોકલ કે નાના સ્ટોર ના આપી શકે. ઓનલાઇન અને મોટા સ્ટોરમાંથી મોટી વસ્તુઓની ખરીદી થાય છે તેના કારણો આપણે જાણીએ છીએ, વિવિધ બ્રાન્ડ એક જગ્યા પર મળી જાય, તમારા સમયે ખરીદી થાય, ના ગમે તો પાછું આપી દેવાય, વધારાના ફાયદાઓ, કિંમતમાં ફાયદો, સર્વિસ સારી, પેમેન્ટના વિવિધ વિકલ્પો વગેરે.

આની સામે વચ્ચે વચ્ચે અને ખાસ કરીને તહેવારોના સમયે નાના સ્ટોરને મદદ કરો, તેઓને ત્યાંથી માલ ખરીદો તેઓ આપણા અર્થતંત્રની કરોડરજ્જુ છે વગેરે જેવી વાતો સાંભળવા મળે. વિચાર આવે કે આવા વેપારીઓએ શું કરવું જોઈએ જેથી તેઓ આવી સ્પર્ધામાં ઊભા રહી શકે. આવા સમયે અમુક પ્રશ્ર્નો આપણે પોતાને પૂછવાના છે. શું ઓનલાઇન કંપનીઓ આજે શરૂ થઈ છે? અમુક વર્ષોથી તેઓ આ ધંધામાં છે તો શું એરિયાની બધી દુકાનો બંધ થઈ ગઈ? શું આપણે આપણા એરિયામાં કરિયાણાની કે દૂધની કે બીજા અમુક ધંધાઓની બે કરતા વધારે દુકાનો નથી જોતા? આટલાં વર્ષોથી તમારા એરિયામાં રહેતો તમારો ઘરાક શા માટે ઓનલાઇન ખરીદવા લાગ્યો? સૌથી મોટો પ્રશ્ર્ન શું આપણે આપણા આજના ક્ધઝ્યુમરને સમજવાનો પ્રયત્ન કર્યો છે?
આજનો ઘરાક વેરાઈટીમાં માને છે, એક્સપેરિમેંટમાં માને છે, તે નવા વિકલ્પો ગોતશે. આજનો ઘરાક, પતિ-પત્ની બન્ને પ્રોફેશનલ છે અને ખરીદી માટે સમય નથી તેથી તેઓ એવી જગ્યાએ જશે જ્યાં તેઓના સમયે તેઓ ખરીદી કરી શકે અને હોમ ડિલિવરીને પ્રાધાન્ય આપશે. આજનો ઘરાક જો માલ નહીં ગમે તો તરત પાછો આપતા ખચકાશે નહીં. તેને પેમેંટની ફ્લેક્સિબિલિટી જોઈએ છે. જે ઓનલાઇન સાઇટ તેને બેસ્ટ રેટ, વેલ્યૂ એડિશન, ફ્રી ડિલિવરી આપશે ત્યાંથી તે ખરીદશે. આથી સ્પર્ધા ફક્ત તમારી સાથે નથી પણ ઓનલાઇન પ્લેયરો વચ્ચે પણ છે.

આનો ઉપાય કોલેબોરેશનમાં છે અર્થાત એકબીજાના સહયોગથી તમે આનો સામનો કરી શકો. આજે કોર્પોરેટની દુનિયા પણ આ તરફ જઈ રહી છે. જરૂર હોય તેટલો સ્ટાફ અને તેટલી વસ્તુઓ બનાવો બાકીનું એકબીજાના સહયોગથી ચલાવો. કદાચ નીચેની વાતો આપણને અશક્ય લાગે અથવા આપણી માનસિક્તાને રુચિકર ન પણ હોય, પણ તેને વિચારવામાં ખોટું નથી.

ઓનલાઇનમાં ઘરાકને એક જ જગ્યાએ બધી ચીજો મળી જાય છે. અલગ અલગ જગ્યાએ નથી જવું પડતું તો તમે પણ કેમ એક મિની પ્લેટફોર્મ તમારા એરિયાનું ન બનાવો! સૌથી પહેલા તમારા એરિયામાં જેટલી પણ જીવન જરૂરિયાતની દુકાનો અને બીજી દુકાનો છે તે બધા એક થાવ. તમે બધા મળી તમારુ એક ઓનલાઇન એપ તૈયાર કરો જેના થકી તમારો ઘરાક તમને ઓનલાઇન ઓર્ડર આપી શકે. આનાથી ઘરાકને જીવન જરૂરિયાતની બધી ચીજો એક જ જગ્યાએ મળી જશે બીજું, તેને વેરાઇટી જોઈયે છે. તમે જો ઓનલાઇન હશો તો તમારે જરૂરિયાત પ્રમાણે અમુક માલ મગાવવામાં વાંધો નહીં આવે. નાના-મોટા ટાઇ-અપ દ્વારા ઘરાકને જોઇતી વસ્તુઓ પૂરી પાડો.

જો એરિયાને થોડો બહોળો કરી એક સાથે ઓર્ડર આપવામાં આવે તો કદાચ તમે પણ તમારા વેપારીઓ પાસે પ્રાઇઝ કમાંડ કરી શકો જેથી તમારી બાઈંગ કોસ્ટ પણ નીચી જાય અને જેનો ફાયદો તમે ઘરાકને આપી શકશો. પેમેંટ મેથડ જે ઘણી નાની વાત છે તે તમે આજની તારીખે પણ અપનાવી હશે. એપ હશે તેથી ઘરાક જે સમયે ચાહે તે સમયે ઓર્ડર આપી શકશે પછી તે દિવસ હોય કે રાત. બીજે દિવસે દુકાન ખૂલતાની સાથે તમે તે માલ પહોંચાડી શકો. હોમ ડિલિવરી તમે આજે પણ કરો છો તો તે પ્રશ્ર્ન પણ સારી રીતે હલ થઈ જશે. પેમેંટ માટે ક્રેડિટ પણ નહીં આપવી પડે કારણ પેમેંટ ઓનલાઇન પર પહેલાજ થઈ જશે. જો બધા દુકાનદારો મળી તમારા એરિયામાં એક લોજિસ્ટિક્સ ચેઇન વ્યવસ્થિત બનાવો તો મોટો ગોડાઉન લઈ શકો, ડિલિવરી માટે માણસો વધારી શકો જેથી ઘરાકનો સમય અને માગ સાચવી શકાય.

અને સૌથી અગત્યનું જે ઓનલાઇન નથી કરી શકતું અને તમારો હાથ તેમાં ઉપર છે તે એટલે તમે તેનાથી નજીક છો જ્યારે ઓનલાઇન તેનાથી દૂર છે. તમારો ચહેરો તેણે જોયો છે, તમને ઓળખે છે જ્યારે ઓનલાઇન પર કોણ વેચે છે તેની તેને જાણ નથી. જો તેને કોઈ વસ્તુ પ્રત્યક્ષ રીતે જોવી હશે તો બેજીજક અનુભવી શકશે જે ઓનલાઇનમાં શક્ય નથી. આ મુદ્દાઓને હાઇલાઇટ કરી તમારુ ઈમોશનલ પાસું ઘરાકને સમજાવી તમારી તરફ લાવો.
તમારા એપની માહિતી તેને આપો. તમારી આજુબાજુની સોસાઇટીના સભ્યોની એક મીટિંગ બોલાવો, તેમના પ્રોબ્લમ્સ જાણો અને તેને સોલ્વ કરી દેશો તેનું આશ્ર્વાશન આપો. તેમને તમારા એપના મેમ્બર બનવા કહી તેના પર ઓર્ડર આપવા પ્રેરિત કરો. તમારી સર્વિસથી અને એપના
ફાયદાથી તેને અવગત કરો. તમે તેના માટે તેની મનગમતી ઓનલાઇન પ્રક્રિયા અપનાવી છે તેનાથી માહિતગાર કરો અને તેવા જ ફાયદાઓ તેને મળશે તેની ખાતરી આપો.
દર અઠવાડિયે કે મહિને વિવિધ સ્કીમ ચલાવો. જેવી રીતે ઓનલાઇન વાળા ફ્લેશ સેલ, એક પર એક ફ્રી, હેપી અવર્સ, મિડ વીક ડે વગેરે તરીકાઓથી તેમને ઍંગેજ કરો. ઈમેલ, વ્હોટસએપ દ્વારા તેમના સંપર્કમાં રહો. તમારો કસ્ટમર વર્ગ જો બહોળો હશે તો સામેથી બીજી કંપનીઓ તમારી પાસે ડીલ્સ લઈને આવશે. તમે એક નવી રેવન્યૂ સ્ટ્રીમ ઊભી કરી શકો.

આ બધી વાતો કદાચ આપણને હાસ્યાસ્પદ લાગે, અશક્ય લાગે પણ જ્યારે ઈ-કોમ કંપનીઓ આવી હતી ત્યારે કદાચ આપણે તેમને આમ જ અવગણ્યા હશે અને આજે દૃશ્ય અલગ જ છે. આવી ઘણી વાતો વિચારી ઓનલાઇનના પાસાને ધ્યાનથી સમજો અને એકબીજાના સહયોગથી તેના પર કામ કરવાની શરૂઆત કરો. જો ૧૦માંથી ૬ ચીજો પણ તમે આપી શકશો તો ઘરાક બીજી ૪ ચીજોને અવગણી અને તમારી સફળતામાં સહયોગી થશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સારા તેંડુલકરનો આ અનોખો અંદાજ જોઈને કહી ઉઠશો… આ વિટામિનની ઉણપ છે અનિંદ્રાનું સૌથી મોટું કારણ, તમે પણ એનો શિકાર નથીને? કૉન્ટેક્ટ લેન્સ પહેરતા પહેલા આ જાણી લો સાવધાન, તમે પણ આ રીતે પાણી પીવો છો? આજે જ કરો બંધ નહીંતર…