કડવી
ટૂંકી વાર્તા -પ્રો. વલ્લભદાસ દલસાણિયા
શહેરની બારોબારનો વિસ્તાર.
ખરાબાની જમીન.
પાસેથી પસાર થતો વાંકો-ચૂંકો ધૂળિયો માગર. કોળી-દંગો. છૂટાછવાયા કૂબા.
…છેવાડેના એક કૂબાની બહાર ‘માંચી’ પર કડવી બેઠી હતી. સવારની ઠંડી સપાટો બોલાવી રહી હતી…
સપાટ ગાલ. મોટી મોટી આંખો. ભગવાને ભૂલથી આપી દીધેલ સહેજ ઉજળી વાન.
ત્રીસ વરસની જુવાની.
કડવી હજી જોવી ગમે એવી હતી.
એ બીડી ચૂસી રહી હતી… એણ એકવડિયા શરીરે બજરિયા રંગની શાલ લપેટી હતી. શાલ ઠેકઠેકાણે ફાટી ગઈ હતી. આંગળી પેસી જાય એવડાં કાણાં હતા. કડવીને યાદ આવ્યું: રામદાસ (રામા) સાથે એણે જીવતરનો છેડો જોડેલો, ત્યારે આ શાલ ખુશાલીમાં રામાએ દીધી હતી. એને પાંચ વરસ થવા આવ્યા હતા. બજરિયા રંગની શાલ બેઉને ગમતી. પાંચ વરસ પછી એમાં ઘણી જગ્યાએ કાણાં પડી ગયાં હતાં.
એના કામમાં ઝપટ મારતી. આ સાલ એ સાવ ઢીલી થઈ ગઈ હતી! દુકાળે માણસોની કેડ ભાંગી નાખી હતી…
બીડી બૂઝાઈ ગઈ હતી, છતાં અંદરની ખીજને કારણે કડવીએ એને માંચીના પાયા સાથે ઘસી અને દૂર ફેંકી, પરંતુ ઈકુ અંગેના વિચારો ફેંકાયા નહીં. શરમ વગરના માણસની જેમ વિચારો તો મનનું બારણું ઉઘાડીને…
… રહી રહીને કડવીના કાનમાં ઈકુ બોલતો હતો. ‘કડવી! તું હજીયે જોવી ગમે એવી છો! તારી જુવાની સચવાઈ રહી છે! જુવાન બાયડીએ સમજવું જોઈએ! તું આંખો વિનાના ધણીને પકડીને બેઠી છો! તું મુરખ સ્ત્રી છો! મારી વાત તું જો સ્વીકારી લે તો…’
…કાલે સાંજે ઈકુએ જે કહેવાનું હતું તે કહી દીધું હતું!
હવે વિચાર કડવીએ કરવાનો હતો! કાલની સાંજ કડવીથી ભૂલાતી ન હતી. બ્રાસ પાર્ટસના એક કારખાનામાં મજૂરીના પૈસા ધાર્યા કરતાં અડધા આવ્યા હતા. દુકાળના વિચારે એણે મન મનાવ્યું હતું. એણે નવું કામ શોધ્યું હતું. થોડા દિવસોથી એ એક કારખાનામાં કામે જવા લાગી હતી. નવું કામ બહુ ફાવતું ન હતું, પણ શું કરે?
ઈકુ હતો ય ફાંફડો! લોંઠકી કાયા અને મૂછોના આંકડા! બારણામાં જ ખાટલો ઢાળીને બેઠો હોય અને ‘ધોળી બીડી’ પીતો હોય. એ જાતનો સગર હતો, પણ ‘ફૂલફટાકિયો’ થઈને ફરતો. એ શું કામ કરતો હતો, એની ખબર કડવીને ન હતી. બાકી ઈકુ પાંચ પૈસે સુખી હતો. છેલ્લા થોડા દિવસોથી એની નજર કડવી પર હતી. … કાલે સાંજે ઈકુએ એને રોકી હતી અને પૂછયું હતું: ‘તારો ધણી શું કરે છે?’
‘કામ વિનાનો.’
‘એમ કેમ?’
કડવીએ એનું કારણ જણાવ્યું હતું. ‘કઠણ સમો!’
‘હોવે!’
‘તારું નામ કડવી છે, પણ તારી બોલી તો મીઠી છે!’
‘એમ?’
‘હોવે! તું જરી સમજ.’
‘સમજીશ.’ કહેવા ખાતર કહ્યું હતું.
‘મારી બંગલીમાં આવી જા! ઓલા નકામાને મેલ પડતો! દુકાળનો વિચાર કર! આંહીં તો તારે લીલાલહેર હશે! મને તો નવાઈ લાગે છે કે તને તારા લાભની વાત કેમ સમજાતી નથી?’
ઈકુની વાત સાંભળીને, ધીંગા પગરખાનો એને સ્વાદ ચખાડવાની ઈચ્છા થઈ આવી હતી, પણ વેળા વરતીને, એ મૂંગી રહી હતી! માથું ધમધમવા લાગ્યું હતું, પણ ધોળી બીડીને એક બાજુ ફેંકતા એ પરાણે મલકી હતી અને માંડ માંડ બોલી હતી: ‘કાલે જવાબ દઈશ.’
‘કાલ અને આજમાં શું ફેર પડવાનો?’
‘તોય… કાલ ઉપર રાખ.’
‘ભલે. હું વાટ જોઈશ. જો સાંભળ, કાલે તારે કામ આવી જાય, તો એક દા’ડો વધુ.’
… ઈકુના વિચારો કરતાં કરતાં એ કૂબે આવી હતી અને રોટલો ટીપતાં – ટીપતાં, રોઈ પડી હતી. વહી ગયેલાં થોડાં વરસો તાજાં થયાં હતા. રામદાસનું ઘર એણે માંડેલું, ત્યારે આનંદ-ભયો હતો! એ વેળા રામો દેખતો હતો દાડીએ જતો. રોટલાની ચિંતા ન હતી. કાળ અચાનક જ પડખું ફેરવીને બેઠો હતો. ઘર માંડ્યાને માંડ છ મહિના થયા હતા, ત્યાં રામો ગંભીર રીતે માંદગીમાં પટકાણો હતો! થોડા દા’ડાન માંદગી રામાનીઆંખો લેતી ગઈ હતી! કે’નારા કહેતાં હતાં કે ઝામરે રામાની આંખોમાં બેસણાં કર્યાં હતા! બસ, ત્યારથી રામાનો પગ બંધાઈ ગયો હતો! એનું શરીર ઓસરી ગયું હતું! એ સાંઠીકડી જેવો થઈ ગયો હતો! ખીલે બાંધેલા નકામા ઢોર જેવી દશા થઈ ગઈ હતી! પેટ ભરવાની જવાબદારીઓ કડવી પર આવી પડી હતી! આમ છતાં કડવી હિંમત હારી ન હતી. એ ખેતરે જવા લાગી હતી. એ ઘરનું કામ કરતી, આંખો વિનાના ધણીને સાચવતી અને દાડીએ જતી.
… કાલે સાંજે એ મોકળા મને રોઈ હતી. વધેલા લોટના બે નાના રોટલા એણે બનાવ્યા હતા. હકીકતે એક જ રોટલા થાય એટલો લોટ વધ્યો હતો. રોટલા સાથે વાસી મરચાં ચાવીને, વાળું પૂરું કર્યું હતું. એણે પાછું હૈયું મોકળું મેલ્યું હતું. રામો રડવા જેવો થઈ ગયો હતો. કડવીએ ઈકુની વાત કહી નાખી હતી! રાતના મોડે સુધી બંને એકમેકની પડખે બેસી રહ્યાં હતા…
‘કડવી!’
‘હમ્…!’
‘હેં…?’
‘હોવે!’
‘આ તમે ક્યા મોંઢે બોલો છો?’
‘મારા મોંઢે.’
‘તમારા મોંઢેથી આવું વેણ કેમ કરીને નીકળે?’
‘સો વાતની એક વાત – તું ઈકુના ઘરને વા’લું કરી લે! આ દકાળમાં હું તને ડૂબાડવાનો! હું તો તારી ડોકે ભાર થઈને વળગ્યો છઉં!
‘હાલતાં ઘરઘરણું કરતી બીજી કોળણો જેવી હું નથી. તમુંએ સખમાં મુંને સાથ દીધો’તો. હવે દ:ખમાં તમુંને મે’લી દઉં? ઈ બે જ નંઈ!’
- રામાના હોઠ ફફડીને રહી ગયા હતા!
… અત્યારે કડવીના મનમાં બધું તાજું થઈ રહ્યું હતું… એ ‘માંચી’ પરથી ઊઠી અને કૂબમાં ગઈ. એનો આંધળો ધણી એક ગળફો મહામહેનતે કાઢતો હતો. એ થોડીવાર ઊભી રહી અને પછી અવાજ ન થાય એમ બારણું વાસતી બહાર આવી ગઈ. ઠંડા પવનનો એક સપાટો આવ્યો. એ મંદિરની દિશામાં ચાલવા લાગી… મંદિરનો ઢોળાવ ઊતરતાં, ‘ખોળ-મિલ’ આવતી હતી.
… બપોરનો તાપ તપવા લાગ્યો, ત્યારે કડવી પાછી ફરી. ધણી પાથરણામાં બેઠો હતો. કૂબાનું બારણું ઉઘડવાના અને બંધ થવાના અવાજ પરથી એ પારખી ગયો કે કડવી આવી ગઈ છે.
‘ચ્યાં ગઈ’તી?’ રામાએ પૂછ્યું.
‘કામનું નક્કી કરવા.’ કડવીએ જવાબ દીધો.
‘નક્કી થયું?’
‘હોવે!’ નરમ સાદે એ બોલી: ‘ખોળ-મિલમાં જાવાનું… ખોળ ભાંગવાનો… સાંજ પછેં જવાનુ… બેકલાકે પછેં રજા.’
‘દા’ડી શું જડશે?’
‘જી જડે ઈ.’
‘ઠીક.’
‘બે દા’ડાની કઠણાઈ ખરી!’
‘એટલે?’
‘ખોળ-મિલમાં બે દિ’ પછેં જાવાનું છે. આપડે આવતા બે દિ’ કાઢવાના છે.’ કડવી થોડીવાર ચૂપ રહી. પછી તે ચાવી ચાવીને બોલી: ‘જો કે રામજીએ આપડું હાંભળ્યું!’
‘હમજાયું નંઈ.’
‘હાંભળો, ઢોળાવ પડખેના રામ-મંદરે કો’ક શેઠિયો “સદાવરત ખોલે છે ઈવું સાંભળ્યું છે. કાલથી બપોરના ટાણે ત્યાં એકવાર મફત ખાવાનું જડશે.’
… કડવી ત્રીજા કૂબેથી મુઠ્ઠી એક ખીચડી (ચોખા અને મગ ભેળવેલા) ઉછીની માગી આવી. થોડીવાર પછી બેઉ જણાં ભાણે બેઠાં. બે કોળિયા ગળે ઊતારીને સંતોષ માન્યો. ભોંય પરના પાથરણા પર બેઉ સૂતાં અને એકમેકમાં ગૂંથાઈ ગયાં. રામાની આંખો ભીની હતી. કડવીએ ધણીની આંખોને પંડના ઓઢણાના છેડા વતી લૂછી. ‘કડવી મ્હારી!’
‘મ્હારા…’
બપોરની ઘડીઓ સરતી રહી… ‘હાંભળો -’ કડવી બોલી: ‘કઠણાઈ તો આવે, પણ કઠણ રે’ ઈ સાચુકલું માણહ!’ રામો બોલ્યો નહીં. એણે માત્ર સંમતિસૂચક હોંકારો દીધો. એ મૂંગો મૂંગો કડવીની સોડમાં પડ્યો રહ્યો…! એના રુદિયામાં નવું બળ પ્રગટતું હતું!…