ગોંડલ માર્કેટયાર્ડમાં અલ્પેશ ઢોલરીયાની બિનહરીફ જીત તો ઉપલેટામાં હરિભાઇ ઠુમ્મર ચૂંટાયા
ગોંડલ: હાલ ખૂબ જ ઝડપી ગતિએ વિકસી રહેલું સૌરાષ્ટ્રના ગોંડલ માર્કેટ યાર્ડની અઢી વર્ષની મુદત પૂરી થતાં આગામી અઢી વર્ષ માટે તેના વર્તમાન ચેરમેન અલ્પેશ ઢોલરીયા અને વાઇસ ચેરમેન ધર્મેન્દ્રસિંહ જાડેજાની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે. આજે જિલ્લા રજિસ્ટ્રારની હાજરીમાં યોજાયેલી ચૂંટણીમાં અલ્પેશ ઢોલરીયા અને ધર્મેન્દ્રસિંહ જાડેજાની બિનહરીફ વરણી કરવામાં આવી હતી.
સૌરાષ્ટ્રનું હાલ ખૂબ જ ઝડપથી આગળ વધી રહેલ ગોંડલ માર્કેટ યાર્ડની ચૂંટણીઓમાં અલ્પેશ ઢોલરીયાની બિનહરીફ જીત થયા બાદ તેમણે જણાવ્યું હતું કે ખેડૂતોની સેવા કરવાનો ફરી એક્વાર મોકો મળ્યો છે. તેમણે સમગ્ર ડિરેક્ટર બોર્ડનો આભાર માણ્યો હતો અને જણાવ્યું હતું કે ગોંડલ ભારતનું પ્રથમ એવું માર્કેટિંગ યાર્ડ બનશે કે અહી દસ ઇંચ વરસાદ પડે તો પણ ખેડૂતોના પાકને નુકસાન ન થાય તેવી તૈયારી કરવાના છીએ.
આ સાથે જ રાજકોટના ઉપલેટા માર્કેટ યાર્ડની પણ ચૂંટણી યોજાઇ હતી. જેમાં ચેરમેન તરીકે હરિભાઇ ઠુમ્મર અને વાઇસ ચેરમેન તરીકે વિનુભાઈ ઘેટીયાની વરણી કરવામાં આવી છે. જો કે આગામી સમયમાં જેતપુર, બેડી સહિતના માર્કેટિંગ યાર્ડની પણ ચૂંટણી યોજાવાની છે.