ગર્ભાવસ્થા દરમિયાન સગીરાના મૃત્યુ પ્રકરણે પતિની ધરપકડ
પાલઘર: ગર્ભાવસ્થા દરમિયાન આદિવાસી સમાજની સગીરાનું મૃત્યુ થતાં પાલઘર જિલ્લાની મોખાડા પોલીસે સગીરાના પતિની ધરપકડ કરી હતી. બાળલગ્ન પ્રતિબંધ કાયદાનું ઉલ્લંઘન કરી 16 વર્ષની કિશોરીનાં લગ્ન કરાવવા બદલ પોલીસે અન્ય 10 જણ વિરુદ્ધ પણ ગુનો નોંધ્યો હતો.
પોલીસના જણાવ્યા મુજબ કરકારી સમાજની સગીરા મોખાડા ગામમાં રહેતી હતી. જવ્હાર તાલુકાના નેહાળે ખાતે રહેતા 21 વર્ષના યુવક જયેશ રામદાસ મિસળ સાથે બે વર્ષથી સગીરાને પ્રેમસંબંધ હતા. બન્ને વચ્ચે શારીરિક સંબંધ પછી સગીરા ગર્ભવતી બની હતી, જેને પગલે પરિવારે આ વર્ષની 29 માર્ચે તેનાં લગ્ન યુવક સાથે કરાવી આપ્યાં હતાં.
આ પણ વાંચો: સરકારી હૉસ્પિટલમાં ડૉક્ટરોની ગંભીર ભૂલ
જોકે ગર્ભાવસ્થા સંબંધી કોમ્પ્લિકેશન્સને કારણે 6 જૂને મોખાડાની ગ્રામીણ હૉસ્પિટલમાં સગીરાનું મૃત્યુ થયું હતું. સગીરાના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું અને ગર્ભને ડીએનએ તપાસ માટે મોકલી અપાયો હતો.
આ પ્રકરણે પોલીસે શરૂઆતમાં એડીઆર નોંધ્યો હતો. જોકે તપાસ બાદ 22 જૂને સગીરાના પતિ અને અન્ય 10 જણ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો. પોલીસે પતિની ધરપકડ કરી હતી. આરોપીઓમાં યુવક અને સગીરાના વડીલો, ડેકોરેટર, કેટરર, પૂજારી અને બાળલગ્ન સાથે સંબંધિત અન્ય બે જણનો સમાવેશ થાય છે.