T20 World Cup 2024સ્પોર્ટસ

T20 World Cup: જે કામ કર્સ્ટન, ક્રોન્યે, કૅલિસ, ક્લુઝનર, બાઉચર, પૉલોક, સ્મિથ ન કરી શક્યા એ હવે માર્કરમની ટીમ….

બ્રિજટાઉન: બાર્બેડોઝના આ શહેરમાં કેન્સિંગ્ટન ઓવલના ગ્રાઉન્ડ પર આજે રાત્રે 8.00 વાગ્યાથી રમાનારી ટી-20 વર્લ્ડ કપની ફાઇનલ ભારત જીતશે તો દેશભરમાં આવતી કાલનો સુપર સન્ડે એટલે ક્રિકેટોત્સવના દિવસ તરીકે મનાવાશે, જો સાઉથ આફ્રિકા જીતશે તો એના માટે સોનાનો સૂરજ ઊગ્યો કહેવાશે. સાઉથ આફ્રિકાના ભલભલા ક્રિકેટરો દાયકાઓમાં એકેય આઇસીસી વર્લ્ડ કપ ટ્રોફી નથી જીતી શક્યા, પણ એઇડન માર્કરમની ટીમ આજે એ કામ કરી દેખાડશે તો ક્રિકેટજગત માટે એ યાદગાર દિવસ કહેવાશે.

આંતરરાષ્ટ્રીય વન-ડે ક્રિકેટનો પ્રથમ વર્લ્ડ કપ 1975માં રમાયો હતો અને સાઉથ આફ્રિકાને રંગભેદની નીતિ ફગાવ્યા પછી છેક 1991માં ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં પ્રવેશ મળ્યો હતો. 1991થી માંડીને 2024 સુધીના 33 વર્ષમાં સાઉથ આફ્રિકાએ કંઈ કેટલાયે દિગ્ગજો ક્રિકેટજગતને આપ્યા, પરંતુ તેમાંનો કોઈ પણ પ્લેયર એકલા હાથે કે ટીમ-વર્કથી સાઉથ આફ્રિકાને વર્લ્ડ કપની ટ્રોફી ન અપાવી શક્યો. એ તો ઠીક, પણ આ વખતે સાઉથ આફ્રિકાની ટીમ આઇસીસી વર્લ્ડ કપના ઇતિહાસમાં પહેલી વાર ફાઇનલમાં રમવાની છે.

આ પણ વાંચો : IND vs SA Final: ભારત સામે આફ્રિકાના ખેલાડીઓનો રેકોર્ડ, આ ખેલાડીઓ હુકુમનો એક્કો સાબિત થઇ શકે

33 વર્ષમાં હન્સી ક્રોન્યે, જૅક કૅલિસ, માર્ક બાઉચર, લાન્સ ક્લુઝનર, શૉન પોલૉક, જૉન્ટી ર્હોડ્સ, ગ્રેમ સ્મિથ, હર્શેલ ગિબ્સ, ઍલન ડોનાલ્ડ, હાશિમ અમલા, એબી ડીવિલિયર્સ, ફાફ ડુ પ્લેસી, ડેલ સ્ટેન વગેરે મહાન ખેલાડીઓ સાઉથ આફ્રિકાને મળ્યા, પરંતુ તેમાંના એકેયને વર્લ્ડ કપની ટ્રોફી જીતવાનું સૌભાગ્ય ન મળ્યું. મોટી ટૂર્નામેન્ટમાં વારંવાર નૉકઆઉટમાં આવ્યા બાદ ફાઇનલ સુધી પહોંચવામાં નિષ્ફળ રહેલી સાઉથ આફ્રિકાની ટીમને આ વખતે એઇડન માર્કરમના સુકાનમાં અને ક્વિન્ટન ડિકૉક, રીઝા હેન્ડ્રિક્સ, હિન્રિચ ક્લાસેન, ડેવિડ મિલર, ટ્રિસ્ટેન સ્ટબ્સ, કૅગિસો રબાડા, એન્રિક નૉકિયા, તબ્રેઝ શમ્ઝી, માર્કો યેનસેન વગેરેના ટીમ-વર્ક સાથે ટ્રોફી જીતવાની સોનેરી તક છે.

સાઉથ આફ્રિકાની ટીમ 1992, 1999, 2007, 2015 અને 2023ના વન-ડે વર્લ્ડ કપની તથા 2009 અને 2014ના ટી-20 વર્લ્ડ કપની સેમિ ફાઇનલમાં હારી ગયું હતું. સાઉથ આફ્રિકા આ વખતે પહેલી જ વાર ફાઇનલમાં રમતું જોવા મળશે. જો આ ટીમ જીતશે તો ટી-20 વર્લ્ડ કપને પહેલો અપરાજિત ચૅમ્પિયન દેશ મળશે.


કઈ ટીમ કેવી રીતે સેમિ ફાઇનલમાં પહોંચી:

ભારત
(1) આયરલૅન્ડ સામે લીગમાં આઠ વિકેટે વિજય
(2) પાકિસ્તાન સામે લીગમાં છ રનથી વિજય
(3) અમેરિકા સામે લીગમાં સાત વિકેટે વિજય
(4) કૅનેડા સામે લીગની મૅચ અનિર્ણીત રહી
(5) અફઘાનિસ્તાન સામે સુપર-એઇટમાં 47 રનથી વિજય
(6) બંગલાદેશ સામે સુપર-એઇટમાં 50 રનથી વિજય
(7) ઑસ્ટ્રેલિયા સામે સુપર-એઇટમાં 24 રનથી વિજય
(8) ઇંગ્લૅન્ડ સામે સેમિ ફાઇનલમાં 68 રનથી વિજય

સાઉથ આફ્રિકા
(1) શ્રીલંકા સામે લીગમાં છ વિકેટે વિજય
(2) નેધરલૅન્ડ્સ સામે લીગમાં ચાર વિકેટે વિજય
(3) બંગલાદેશ સામે લીગમાં ચાર રનથી વિજય
(4) નેપાળ સામે લીગમાં 1 રનથી વિજય
(5) અમેરિકા સામે સુપર-એઇટમાં 18 રનથી વિજય
(6) ઇંગ્લૅન્ડ સામે સામે સુપર-એઇટમાં સાત રનથી વિજય
(7) વેસ્ટ ઇન્ડિઝ સામે સુપર-એઇટમાં ત્રણ વિકેટે વિજય
(8) અફઘાનિસ્તાન સામે સેમિ ફાઇનલમાં નવ વિકેટે વિજય

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button