ભુજના જમીન કૌભાંડમાં પ્રદીપ શર્મા અને સંજય શાહની ધરપકડ: શનિવારે અદાલતમાં રજૂ કરાશે
ભુજ: સ્થાનિક બિલ્ડર પાસેથી લાભ ખાટવાના ઈરાદે પોતાના પદ અને સત્તાનો દુરુપયોગ કરી ભુજની સરકારી ખરાબાની કરોડોની કિંમતની ૧.૩૮ એકર જેટલી જમીનને લાગુ જમીન તરીકે ફાળવવાના ચકચારી પ્રકરણમાં સીઆઈડી ક્રાઈમે કચ્છના પૂર્વ કલેક્ટર પ્રદીપ શર્મા અને બિલ્ડર સંજય શાહની ધરપકડ કરી છે.
મામલતદાર દ્વારા ફરિયાદ નોંધાવ્યા બાદ ગત મોડી રાત્રે સીઆઈડી ક્રાઈમે ગાંધીનગરમાંથી સસ્પેન્ડેડ આઈએએસ અધિકારી પ્રદીપ શર્માની ધરપકડ કરી હતી. બિલ્ડર સંજય શાહ પણ ગાંધીનગરમાં હાજર હોઈ પૂછપરછ માટે તેને બોલાવાયો હતો અને આજે સવારે ભુજ લાવી તેની ધરપકડ કરાઈ હતી. સીઆઈડી ક્રાઈમે શર્માને આજે સાંજે વિશેષ એસીબી કોર્ટમાં રજૂ કરી જમીન કૌભાંડમાં પૂછપરછ માટે ૭ દિવસના રિમાન્ડની માગ કરી હતી. કોર્ટે રિમાન્ડ મંજૂર કરવા સંદર્ભે બંને પક્ષના વકીલોની સુનાવણી શનિવારે મુકરર કરી શર્માને પાલારા જેલમાં જ્યુ. કસ્ટડીમાં મોકલી આપ્યાં છે.
બિલ્ડર સંજય શાહે લાગુની જમીન તરીકે કરેલી માગણીની અરજીથી લઈ તેની ફાળવણીની પ્રક્રિયા તથા ત્યારબાદ એનએ કરાવવાની પ્રક્રિયા નવેમ્બર ૨૦૦૩થી માર્ચ ૨૦૦૫ના સમયગાળા દરમિયાન થઈ હતી. આ સમયગાળા દરમિયાન નિવાસી નાયબ કલેક્ટર તરીકે ફરજ પર કોણ હતું તે જાણવા સીઆઈડીએ વહીવટી તંત્રને માહિતી આપવા જણાવ્યું છે. આમ, માહિતી મળ્યાં બાદ આરોપી નંબર બે તરીકે દર્શાવાયેલાં નિવાસી નાયબ કલેક્ટર કોણ હતા તેમનું નામ સ્પષ્ટ થશે તેમ સીઆઈડીના અધિકારીઓએ ખુલાસો કર્યો છે. દરમ્યાન, ગાંધીધામના ચુડવાનું જમીન કૌભાંડ પણ આ પ્રકારના નિયમોનો કથિતપણે ભંગ કરાઈ આચરાયું હતું અને તેમાં તત્કાલિન ટાઉન પ્લાનર નટુ દેસાઈને આરોપી બનાવાયા હતા. પરંતુ આ કેસમાં ટાઉન પ્લાનરને આરોપી બનાવાયાં નથી તે મુદ્દે અનેક તર્ક વિતર્ક ઊઠ્યાં છે.