કચ્છમાં અપમૃત્યુની વિવિધ દુર્ઘટનાઓમાં એક બાળકી સહિત પાંચના મોત
(અમારા પ્રતિનિધિ તરફથી)
ભુજ: સરહદી કચ્છમાં વીતેલા ૨૪ કલાક દરમ્યાન બનેલી અલગ અલગ અપમૃત્યુની દુર્ઘટનાઓમાં એક ચાર વર્ષની બાળકી સહિત પાંચ વ્યક્તિઓના અકાળે મોત નિપજતાં પંથકમાં શોક સાથે અરેરાટીની લાગણી પ્રસરી જવા પામી છે. પ્રથમ ઘટનામાં અંજાર તાલુકાના ચાંદ્રાણી નજીક ધોરીમાર્ગ પર વચ્ચે આવી ગયેલી ગાયને બચાવવા જતાં આઇસર વાહન અન્ય ટ્રક સાથે અથડાતાં આઇસરના ચાલકનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું, જ્યારે તેની સાથે રહેલા તેના મિત્રનો ચમત્કારિક બચાવ થયો હતો.
આ અંગે રાજસ્થાનના અલવરના જાહિદ આસમામદ મેવાતીએ નોંધાવેલી ફરિયાદને ટાંકી પોલીસે જણાવ્યું હતું કે, અલીજાન ઇલિયાસ મેવાતી પોતાની આઇસર ટ્રકમાં ગત ૨૦મી સપ્ટેમ્બરના રોજ ઉદયપુરથી ભુજ તરફ જવા નિકળ્યા હતા. ગત પરોઢના પાંચ વાગ્યાના અરસામાં તેઓ ચાંદ્રાણી પાસે પહોંચ્યા ત્યારે ગાય વચ્ચે આવતાં તેને બચાવવા જતાં બેકાબુ બનેલી આઇસર સામેથી આવી રહેલી અન્ય ટ્રક સાથે ટકરાઈ જતાં અલીજાનનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. દુધઇ પોલીસે ઘટનાની વધુ તપાસ હાથ ધરી છે.
જ્યારે ભુજ શહેરના ભાનુશાલી નગરમાં રહેતા ૩૩ વર્ષીય યુવકે કોઈ અગમ્ય કારણોસર માંડવીના ધુણઇમાં ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.
પોલીસ ચોકીએથી પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ માંડવી તાલુકાના ધુણઇના અને હાલે ભુજના ભાનુશાલી નગરમાં રહેતા કીરણ રમેશભાઈ ભાનુશાલી એ ધુણઇ ખાતે રૂમમાં કોઈ અગમ્ય કારણોસર ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. કોડાય પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઉપરાંત મુંદરાના બારોઇ માર્ગ પર એક બાંધકામ સાઈટ ખાતે પાણી ભરેલા ઊંડા ખાડામાં પડી જતા ચાર વર્ષની માસુમ બાળકીનું મોત થયું હતું. મૂળ અલીરાજપુર જિલ્લાના અને હાલે મુંદરાના વર્ધમાન નગરમાં માતા-પિતા સાથે રહેતી ચાર વર્ષની ઉશીકા ઇતેશ વાઘેલા નામની બાળકી સાઈટ પર રમી રહી હતી ત્યારે અકસ્માતે પાણી ભરેલા ખાડામાં પડી ગઈ હતી. લાંબા સમય સુધી બાળકી જોવા ન મળતાં તેણીની શોધખોળ આદરાઈ હતી તે દરમ્યાન બાળકીના નાનકડાં ચપ્પલ બાંધકામ સાઈટ પર વરસાદી પાણી ભરેલા ખાડામાં તરતા દેખાયા બાદ તપાસ કરતા બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો.