માછીમાર કરોળિયાના વિશ્ર્વમાં એક ડોકિયું
નિસર્ગનો નિનાદ -ધર્મેન્દ્ર ત્રિવેદી
બાઈબલની માયથોલોજીમાં એક વાર્તા મને એકાએક યાદ આવી ગઈ. ગેલીલીનો સમુદ્ર પસાર કરતી વખતે પોતાના શિષ્યોને હોડીમાં મોકલીને જિસસ આ કાંઠે ધ્યાન કરવા રોકાયા હતા. વહાણમાં સફર કરતી વખતે સમુદ્રી વાતાવરણ ખરાબ થયું અને શિષ્યો આખી રાત બચવા માટે મથ્યા હતાં. સવારે શિષ્યોના આશ્ચર્ય વચ્ચે ભર્યા તોફાનમાં જિસસ દરિયાના પાણી પર ચાલતાં ચાલતાં હોડી સુધી પહોંચ્યા અને જેવો તેમણે હોડી પર પગ મૂક્યો કે તરત જ તોફાન શાંત થઈ ગયું. પાણી પર ચાલવાના આ ચમત્કારો ભારતીય સંસ્કૃતિની વાતોમાં જોઈએ તો પણ ઘણા હઠયોગીઓ પોતે પાણી પર ચાલવાનો ચમત્કાર કરતા. પણ ભારતીય કથાઓમાં એક વાર્તા મને યાદ રહી ગયેલી. એક હઠયોગી બીજા કોઈ સાધક કરતાં પોતે મહાન છે એવું સાબિત કરવા પાણી પર ચાલીને બતાવે છે, અને ત્યારે પેલા સાધક હસતાં હસતાં કહે છે કે ‘જે પાણી હોડીથી પસાર કરી શકાય છે તેના માટે તમે જે સમય વ્યર્થ પસાર કર્યો, તેના બદલે એટલાં વર્ષો સુધી જો ઈશ્ર્વરને પ્રાપ્ત કરવા ધ્યાન કર્યું હોત તો ઈશ્ર્વર ક્યારના મળી ગયા હોત.’
ખેર આજે મુદ્દો ધાર્મિક રીતે પાણી પર ચાલવાના ચમત્કારને સાચા-ખોટા ઠેરવવાનો બિલકુલ નથી, પરંતુ કુદરતે ઘડેલી અજાયબ જીવસૃષ્ટિમાં પાણીનો જીવ ના હોવા છતાં પાણી પર ચાલી શકતા અને પાણીની અંદર રહી શકતા એક જીવને જાણવા – ઓળખવાની વાત છે. બાળપણમાં ગામડામાં આવેલી અમારી સોસાયટી સામે એક નાની નદી વહેતી જેને અમે વોંકળો કહેતા. આ વોંકળાના પાણી પર અમે એક જંતુ જોયેલું જે પાણી પર ચાલતું. એક જીવડું એવું પણ જોયેલું જે પાણીની અંદર જ ખૂબ ઝડપી દોડતું. પછી ખબર પડી કે પાણી પર ચાલનાર જીવડાને વોટર સ્ટ્રાઈડર કહે છે અને પાણીની અંદર દોડતા જીવડાને વોટર સ્કેવેન્જર કહેવાય છે. નિસર્ગનો નિનાદના થોડા એપિસોડ પહેલાં આપણે અષ્ટપાદ એટલે કે આઠપગાળા કરોળિયાઓની દુનિયામાં ડોકિયું કરેલું એ યાદ છે? એકાએક મેં બાળપણમાં વાંચેલા એક આર્ટિકલમાં એક એવા અજાયબ કરોળિયા વિશે વાંચેલું એ યાદ આવ્યું. કરોળિયા આમ તો જમીનના જીવ છે. જમીન પર જીવના ગુજારતા આ કરોળિયાઓની અનેક જાતિઓમાંથી અમુક જાતિઓએ પોતાના આસપાસના કઠોર વાતાવરણમાં ટકી રહેવા પાણીમાંથી શિકાર કરવાની અને મરજીવાની માફક ડૂબકી મારીને લાંબો સમય પાણીની અંદર રહેવાની કળા સિદ્ધ કરી લીધી છે.
વિશ્ર્વભરમાં જોવા મળતો માછીમાર કરોળિયો સહિત વિશ્ર્વના અનેક દેશોમાં જોવા મળતા આ કરોળિયાની જાતિ-પ્રજાતિઓ કુલ મળીને એક-સો ઉપર જોવા મળે છે. હવે નામ મુજબ ગુણ તો હોવાના, તેથી આ ફિશિંગ કરોળિયો મોટે ભાગે પાણીનાં નાનાં ઝરણાં અને એવા સ્ત્રોત પાસે જોવા મળે જ્યાં નાના કદની માછલીઓ અને અન્ય શિકાર મળી રહે. સામાન્ય રીતે વહેતા પાણીમાં સ્થિર પાણી કરતાં વધુ ઓક્સિજન હોય છે, કારણ કે પાણીના વહેવાથી વધુ ઓક્સિજન પાણીમાં ભળે છે. વિજ્ઞાનના આ સિદ્ધાંતનો લાભ લઈને આ શાતિર શિકારી કરોળિયા ઓક્સિજનના નીચા સ્તરના કારણે ઓક્સિજનયુક્ત પાણીની શોધમાં બંધિયાર પાણીમાં માછલીઓને સપાટી પર આવે ત્યારે ઝડપી પાડે છે. આ જ રીતે રાત્રે પાણીમાં ઓક્સિજનનું સ્તર વધુ ઘટે છે એટલે માછીમાર કરોળિયા રાત્રે પણ શિકાર કરતાં જોવા મળશે. અંગ્રેજીમાં પણ હરિની જેમ જ તેના નામ પણ અનેક છે . . . ફિશિંગ સ્પાઈડર, રાફટ સ્પાઈડર, ડોક સ્પાઈડર અને વ્હાર્ફ સ્પાઈડર જેવાં વિવિધ નામો છે. તેની મુખ્ય જાતિનું નામ છે ડોલોમીડસ અને આ જાતિની અનેક બીજી પ્રજાતિઓ છે. પરંતુ તેની શિકાર કરવાની ટેક્નિકના કારણે આપણા આજના હોરોનું નામ ફિશિંગ સ્પાઈડર પડ્યું છે. આ કરોળિયા પાણીની નજીક આવેલા કોઈ છોડના પાંદડા કે કાંઠાની જમીન પર પોતાના પાછળના પગ ટેકવીને આગળના પગને પાણી પર ટેકવી રાખે છે. પાણીમાં શિકારની હલચલના સ્પંદન અનુભવીને તે સતર્ક બની જાય છે અને શિકાર જો નજીક આવે તો તરત જ તેને પકડી પાડે છે.
ભારતમાં ફિશિંગ સ્પાઈડર્સ મોટે ભાગે ચોમાસામાં ઈંડા મૂકે છે. માદા ફિશિંગ સ્પાઈડર એક જાળું બનાવીને તેની અંદર ઈંડાની કોથળી મૂકે છે. સામાન્ય રીતે માદા માછીમાર કરોળિયો માળાઓની સુરક્ષા કરે છે. માછીમારીના કરોળિયાનો મુખ્ય શિકાર જળચર જંતુઓ અને માછલીઓ અને દેડકાના ટેડપોલ હોવાથી ઈંડાના સેવન દરમિયાન માદા કરોળિયો હાથમાં આવે તે શિકાર કરીને કામ ચલાવે છે. પ્રાણીજગતની વિચિત્રતાની માફક માછીમાર કરોળિયામાં પણ માદા મોટા કદની હોય અને નર નાનો હોય છે. માદા માછીમાર લગભગ દોઢ ઈંચ જેટલી હોય છે અને નર કરોળિયો પોણા ઈંચ જેટલો જ હોય છે.
વિશ્ર્વમાં વસતા લગભગ તમામ માછીમાર કરોળિયા ઝેરી હોય છે, પરંતુ તેનું ઝેર માત્ર તેના શિકારને બેહોશ કરવા અને મારી નાખવા ઉપયોગી હોય છે પરંતુ માનવ માટે આ ઝેર હાનિકારક હોતું નથી.
હવે વાત કરીએ એક એવા ફિશિંગ સ્પાઈડરની જેણે પાણીની અંદર શ્ર્વાસ લેવાનો જુગાડ શોધી કાઢ્યો છે. કરોળિયા આમ તો ફેફસા અથવા ટ્રેચિ એટલે કે શ્ર્વાસનળી દ્વારા શ્ર્વાસ લેતા હોય છે, પરંતુ ડાર્ક ફિશિંગ સ્પાઈડર નામના એક માછીમાર કરોળિયાએ પાણીની અંદર લાંબો સમય રહીને શિકાર કરવા માટેની એક નવી ટેક્નિક શોધી કાઢી છે. તેણે તેના શરીરની બહારના ભાગે ‘પ્લાસ્ટ્રૉન’ તરીકે ઓળખાતી એક શરીર રચના વિકસાવી છે જે તેના શરીર પર હવાનું એક બલૂન જેવું આવરણ બનાવી રાખવામાં મદદરૂપ થાય છે. ઉદાહરણ તરીકે પાણીમાં ડાઇવિંગ માટે જ્યારે ઑક્સિજન ટેન્કની શોધ નહોતી થઈ ત્યારે માનવ માથા પર એક ભારેખમ લોખંડની હેલ્મેટ પહેરીને ડાઇવિંગ કરતો.
આ પ્લેટમાંથી એક પાઈપ નીકળીને પાણીની બહાર હોડીમાં એક પંપ સાથે જોડાયેલી હોય અને હેલ્મેટની આગળ એક કાચની બારી હોય જેમાંથી માનવને પાણીની અંદર દેખાય. ડાર્ક સ્પાઈડરને લાંબો સમય પાણીમાં ડાઈવ મારવાની હોય ત્યારે પોતાના શરીરની આસપાસ હવાનું એક આવરણ બનાવીને પાણીની અંદર ડાઈવ મારે છે અને આ હવાના ફુગ્ગામાંથી શ્ર્વાસોશ્ર્વાસ લે છે… બોલો તો આપણો આ માછીમાર ક્યારે સાયન્સ ભણવા ગયો હશે ?
આ જ તો કુદરતની કમાલ છે ને મિત્રો… સૂક્ષ્મ નજરે જોઈશું તો આપણી આસપાસનાં કુદરતી તત્ત્વોમાં એટલી અજાયબીઓ ભરી છે કે આપણે આશ્ર્ચર્યમાં ગરકાવ થઈ જઈશું… પણ યાર ટાઈમ કોને છે… ચાલો તો આપણે સૌ આપણી દુનિયામાં ફરીથી ડાઈવ મારીને હતા એવા જ થઈ જઈએ…