વીક એન્ડ

જાપાનનું રિબિન ચૅપલ – એક પ્રતીક

સ્થાપત્યનું વાઈ-ફાઈ -હેમંત વાળા

સ્થાપત્યમાં ઉપયોગીતા મહત્ત્વની છે, મજબૂતાઈ પણ મહત્ત્વની છે, દ્રશ્ય અનુભૂતિમાં મળતો સંતોષ પણ મહત્ત્વનો છે, પણ આ બધા સાથે જો ઉચ્ચકક્ષાની પ્રતીકાત્મક રજૂઆત સંકળાય તો અદભુત રચના અસ્તિત્વમાં આવે.

સ્થાપત્યની રજૂઆતમાં પ્રતીકોનું મહત્ત્વ છે, પણ સ્થાપત્યના કેટલાક નમૂના તો સ્વયં પ્રતીક સમાન બનાવાય છે. દિલ્હીનું કમળ આકારનું બહાઈ મંદિર આ માટેનું એક સરસ ઉદાહરણ છે. તેવી જ રીતે જાપાનના હિરોશિમા પ્રાંતના એક રિસોર્ટમાં સ્થપતિ એનપી સંસ્થાના હિરોશિ નાકામુરા દ્વારા રચિત આ ચૅપલ પણ એક સફળ અને પ્રશંસનીય પ્રતીકાત્મક રજૂઆત છે.

લગ્ન માટે બનાવાય આ ખાસ ચૅપલમાં લગ્નની ભાવના પ્રતીકાત્મક રીતે સ્પષ્ટતાથી પ્રસ્તુત થયેલ છે. આ એવું સ્થાન છે કે જ્યાં આવીને લોકોને પોતાનું લગ્નજીવન શરૂ કરવું ગમે, જીવનસાથીને જીવનભરના સાથનો ભરોસો અપાવવો ગમે, જીવનના શરૂ થતા એક નવા જ તબક્કા માટે વિશ્ર્વાસ તથા પ્રેરણા જાગ્રત કરવી ગમે.

આ ચૅપલની રચનામાં બે જુદા જુદા પ્રકારના દાદર, જાણે વર અને ક્ધયાના પ્રતીક છે. આ બંને દાદર જુદા જ સ્થાનેથી ઉપર તરફ વધવાની શરૂઆત કરે છે.

આ બંને દાદર એકબીજાને ટેકવે છે અને તેમના આ પરસ્પરના ટેકાથી, અસ્તિત્વથી, સહકારથી બંને જે તે સ્થિતિમાં ટકી રહે છે. લગ્નજીવનમાં પણ આમ જ હોય છે, પતિ-પત્ની બંને પરસ્પરને ટેકો આપે છે અને બંનેનું અર્થપૂર્ણ સહઅસ્તિત્વ જળવાઈ રહે છે.

લગ્નજીવનમાં સાથીદારના સહકાર વગર, સાથીદારના ટેકા વગર અન્યનું અસ્તિત્વ ઇચ્છિત સ્વરૂપે ટકી ન શકે. આ પરસ્પરના સહકારથી જ “કુટુંબ નામની સંસ્થા અસ્તિત્વમાં આવે છે અને પોતાનું વજૂદ જાળવી રાખે છે.

પરસ્પર ટેકવાયેલા આ દાદર, પતિ પત્નીના જીવનનું ચઢાણ છે. ઉપર જતાં આશરે ૧૫.૪ મીટર ની ઊંચાઈએ આ બંને દાદર મળી જાય છે, એક થઈ જાય છે. અહીં જાણે સ્ત્રી અને પુરુષનું અલગ અલગ અસ્તિત્વ ન રહેતા “દંપતી તરીકે એક એકમ સ્થપાય છે.

આ ઊંચાઈ પર પહોંચતા જ આજુબાજુની સુંદર કુદરતી પરિસ્થિતિનો નજારો જોવા મળે છે. એમ કહી શકાય કે લગ્ન જીવનમાં પણ
ઊંચાઈએ પહોંચતા સમાજની સુંદર પરિસ્થિતિનો ચિતાર સમજી શકાય છે. ઉપર જવાના માર્ગમાં વ્યવસ્થિત નિર્ધારણ છે, પણ ઉપર પહોંચી ગયા પછી એક “મુકામ મળે છે, જ્યાંથી જીવનમાં એક પ્રકારનો ઠહેરાવ ઊભો થાય.

આ ચૅપલની દીવાલો કાચની છે. અહીં ચારે બાજુનાં કુદરતી પરિબળો સતત નજરમાં રહે છે. લગ્ન જીવનમાં પારદર્શિતા જરૂરી છે તેમ કહેવાનો કદાચ અહીં પ્રયત્ન થયો છે. આ કાચની દીવાલ સિવાયની માળખાગત તથા સ્થાન નિર્ધારણ માટે જરૂરી બાંધકામ જાણે આ દાદર દ્વારા જ નિર્ધારિત કરાયું છે. અહીં કદાચ એમ કહેવાનો પ્રયત્ન થાય છે કે કુટુંબ નામની સામાજિક સંસ્થાના માળખાગત અસ્તિત્વ માટે પતિ-પત્નીનો સહયોગ જરૂરી છે. સ્વાભાવિક રીતે કાચની દીવાલ વજન ન લઈ શકે, તેથી આ વજન બંને દાદર સંયુક્ત રીતે ઝીલી લે છે. સ્થાપત્યમાં વણાયેલું આ અનેરું પ્રતિક છે.

માત્ર ૮૦ ચોરસ મીટરના ક્ષેત્રફળવાળા આ ચૅપલમાં ભોંયતળિયે ૮૦ માણસોની ક્ષમતાવાળો પૂજા ખંડ છે. આ પૂજા ખંડના અક્ષ પર પ્રતીકાત્મક વૃક્ષ છે. તેની પેલે પાર – તેની પાછળ દરિયો દ્રશ્યમાન થાય છે. આ ચૅપલનું ગોળાકાર તલદર્શન-પ્લાન એક રીતે સરળતા દર્શાવે છે. સાથે સાથે અહીં કુદરતનાં પરિબળો સાથે સંપર્ક જાળવી રાખવાની વાત પણ છે.

આ ચૅપલ માત્ર લગ્ન માટે જ બનાવાયેલ હોવાથી ચર્ચને લગતી અન્ય સ્થાપત્યકીય બાબતોનો અહીં સમાવેશ ન કરાયો હોય તે સ્વાભાવિક છે. ન્યૂનતમવાદના સિદ્ધાંત પર બનાવાય આ ચૅપલ વર્ષ ૨૦૧૩માં ખુલ્લુ મુકાયેલું. આ રિબિએ ચૅપલ, લગ્ન ચૅપલ તરીકે પણ પ્રસિદ્ધ હોય તે સ્વાભાવિક છે.

આ ઈમારતને કેટલા રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય પુરસ્કાર પણ મળેલા છે. આજકાલ પ્રચલિત દંભી તેમજ ગ્લેમરસ સ્થાપત્યની સામે આ મૂલ્ય લક્ષી સ્થાપત્યથી નવી પ્રેરણા મળે છે. આની રચનામાં તત્ત્વજ્ઞાનીય ઊંડાણ છે, સામાજિક વ્યવસ્થાની સમજ છે, આજુબાજુની કુદરતી પરિસ્થિતિ પ્રત્યે જાગૃતતા છે, રચના સાથે વણાયેલ સાદગીપૂર્ણ સૌંદર્ય છે, માળખાકીય રચના અને સ્થાપત્યકીય
ઉદ્દેશ વચ્ચે અદ્ભુત મેળ છે, અને રચનાના દરેક પાસાઓ વચ્ચે સુસંગતતા છે. એકંદરે આ મકાન સાચા અર્થમાં થીજેલું સંગીત છે. આજકાલ જે ઘોંઘાટભર્યા સ્થાપત્યનો મહિમા છે, તેની સામે અહીં શાંતિ અનુભવાય છે. આજકાલ મકાનને “ગમે તેમ

બનાવી દઈને તેને સુંદર દેખાડવા ઉપર મહોરું પહેરાવી દેવાય છે, જ્યારે અહીં મૂળભૂત રચનામાં સુંદરતા છે. આ મકાન એમ પણ દર્શાવે છે કે સ્થપતિ પોતાની ક્ષમતા, સંવેદનશીલતા અને સર્જનાત્મકતા નાના મકાનોમાં પણ વ્યક્ત કરી શકે.

એક સમજ પ્રમાણે આ ચૅપલ લગ્ન જીવનમાં સહઅસ્તિત્વનું, પતિ-પત્ની વચ્ચેના રસપ્રદ સમીકરણનું, સંબંધોમાં જરૂરી પારદર્શિતાનું, કોઈપણ પ્રકારના દંભ વગર સાદગીપૂર્ણ સુંદર દ્રશ્ય-અનુભૂતિનું, કૌટુંબિક પરિપ્રેક્ષ્યમાં પણ કુદરત સાથે સંપર્ક જાળવી રાખવાનું તથા ગૌરવપૂર્ણ ભાવનાઓનું પ્રતીક છે. આમ તો આ ચૅપલ છે, પણ એક રીતે જોવા જઈએ તો આ લગ્ન જીવનનું પ્રતીક છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button