યેદિયુરપ્પાએ સગીરાની છેડતી કરી, છોકરીની માતાને પૈસા આપ્યા! ચાર્જશીટમાં ગંભીર આરોપ
બેંગલુરુ: ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ (CID) દ્વારા દાખલ કરાયેલ ચાર્જશીટ મુજબ કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન બીએસ યેદિયુરપ્પા(BS Yediyurappa) વિરુદ્ધ ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે. ચાર્જશીટ મુજબ બીએસ યેદિયુરપ્પાએ એક સગીરા છેડતી કરી અને પછી છોકરી અને તેની માતાને પૈસા આપ્યા હતા. ભાજપના દિગ્ગજ નેતા યેદિયુરપ્પા પર પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઑફેન્સ (POCSO) કેસમાં આરોપ મૂકવામાં આવ્યો છે.
એક અહેવાલમાં જણાવ્યા મુજબ સગીરની માતા દ્વારા આ કેસ દાખલ કરવામાં આવ્યો હતો, માતાએ આરોપ લગાવ્યો હતો કે યેદિયુરપ્પાએ 2 ફેબ્રુઆરીએ તેમના બેંગલુરુના નિવાસસ્થાને એક મીટિંગ દરમિયાન તેમની પુત્રીની છેડતી કરી હતી. મહિલા અને તેની પુત્રીએ અગાઉના એક કેસમાં ન્યાય મેળવવામાં મદદ મેળવવા કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાનની મુલાકાત લીધી હતી, એ દરમિયાન આ કથિત ઘટના બની હતી.
આ પણ વાંચો: કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન યેદિયુરપ્પા પોક્સો કેસમાં સીઆઈડી સમક્ષ હાજર થયા
ચાર્જશીટ મુજબ, યેદિયુરપ્પાએ કથિત રીતે સગીરનું જમણું કાંડું તેના ડાબા હાથથી પકડી રાખ્યું હતું. ત્યાર બાદ યેદિયુરપ્પા છોકરીને હોલની બાજુમાં આવેલા મીટિંગ રૂમમાં લઈ ગયા, પાછળથી દરવાજો બંધ કરી દીધો હતો.
રૂમની અંદર, યેદિયુરપ્પાએ કથિત રીતે છોકરીને પૂછ્યું કે શું તેણીને તેના પર બળાત્કાર કરનાર વ્યક્તિનો ચહેરો યાદ છે. તેણે હાં માં જવાબ આપ્યો, ત્યારે યેદિયુરપ્પાએ કથિત રીતે તેની છેડતી કરી હતી, એમ ચાર્જશીટમાં જણાવાયું હતું.
ચાર્જશીટમાં જણાવ્યા મુજબ પીડિત છોકરીએ તેનો હાથ ખેંચી લીધો અને દરવાજો ખોલવાની માંગ કરી, ત્યાર બાદ યેદિયુરપ્પાએ છોકરીને થોડા પૈસા આપ્યા અને દરવાજો ખોલ્યો.
રૂમમાંથી બહાર નીકળ્યા પછી, યેદિયુરપ્પાએ કિશોરીની માતાને કેટલાક પૈસા આપ્યા અને કહ્યું કે તે છોકરીને મદદ નહીં કરી શકે.
આ પણ વાંચો: બ્રિજભૂષણ, માલવિયા, યેદિયુરપ્પા: ભાજપની બહેનો ચૂપ કેમ ?
CID એ ચાર્જશીટમાં ઉલ્લેખ કર્યો કે 20 ફેબ્રુઆરીએ કિશોરીની માતાએ ફેસબુક પર તેની મુલાકાતનો વીડિયો અપલોડ કર્યો હતો. યેદિયુરપ્પાએ તેના સહાયકો દ્વારા,મહિલા અને તેની પુત્રીને તેના ઘરે બોલાવ્યા. યેદિયુરપ્પાએ મહિલાને ફેસબુક અને તેની ફોન ગેલેરીમાંથી વીડિયો અને ફોટા ડિલીટ કરવા માટે દબાણ કર્યું. ચાર્જશીટ મુજબ યેદિરુપ્પાએ તેના એક સાથી દ્વારા બાળકીની માતાને 2 લાખ રૂપિયા આપ્યા હતા.
દરમિયાન, બીએસ યેદિયુરપ્પાએ કર્ણાટક હાઈકોર્ટમાં સગીર સામેના જાતીય શોષણના આરોપોને બરતરફ કરવાની અરજી દાખલ કરી છે.
81 વર્ષીય યેદિયુરપ્પા પર પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ (POCSO) એક્ટની કલમ 8 (જાતીય હુમલાની સજા) અને ભારતીય દંડ સંહિતા (IPC)ની કલમ 354A (જાતીય સતામણી) હેઠળ આરોપ મૂકવામાં આવ્યો છે.