શોખ કરાવે વેઠઃ એક મહિલા દિવસે કચરો વીણવાવાળી ને રાત્રે ચોર

કહેવત છે કે પેટ માણસને વેઠ કરાવે. ભૂખ લાગે ત્યારે સાચાખોટાનું ભાન ન રહે અને માણસ ગમે તે કામ કરી પોતાનું ને પરિવારનું પેટ ભરવા મજબૂર થઈ જાય. આજકાલ પેટ ભરવા સાથે અમુક શોખ પણ જાણે જીવન જરૂરિયાત બની ગયા હોય તેવો માહોલ છે. દરેકના હાથમાં મોબાઈલ, મોંઘા કપડા ને લક્ઝુરિયસ વસ્તુઓ જે રોજ જોતા હોય તેમને પણ આ મેળવવાની ઈચ્છા થઈ જાય છે. આવી જ ઈચ્છા એક કચરો વીણવાવાળી મહિલાને થઈ ને તેણે નુસખો અપનાવ્યો, પણ તે પકડાઈ ગઈ.
આ કિસ્સો ગુજરાતના નવસારી ગામનો છે. આ મહિલા દિવસ દરમિયાન કચરો ભેગો કરતી હતી અને રેકી કરતી હતી અને પછી રાત્રે ચોરી કરતી હતી. આ મહિલાને નવા કપડાં અને જ્વેલરી પહેરવાનો અને મોલમાં શોપિંગ કરવાનો શોખ છે, જેને પૂરો કરવા તેણે ચોરી કરવાનું શરૂ કર્યું. મહિલા પાસેથી અઢી લાખ રૂપિયા રોકડા અને 400 ગ્રામ સોનાના દાગીના મળી આવ્યા હતા. તે
છેલ્લા 12 વર્ષથી ચોરીને અંજામ આપી રહી હતી. .
મળતી માહિતી મુજબ નવસારી જિલ્લામાં ક્રાઈમ બ્રાન્ચે એક મહિલા ચોરને પકડી લીધી હતી. તેની પાસેથી લગભગ અઢી લાખ રૂપિયા રોકડા અને 400 ગ્રામ સોનાના દાગીના મળી આવ્યા છે. પોલીસનું કહેવું છે કે આ મહિલા દિવસ દરમિયાન શહેર અને ગામડામાં કચરો ભેગો કરતી ફરે છે. કચરો ઉપાડતી વખતે રેકી કરે છે. આ પછી તે ક્યાંક ને ક્યાંક ઘરને નિશાન બનાવતી.
આ પણ વાંચો: કર્ણાટકના ઉડુપીમાં એક મહિલા અને તેના ત્રણ બાળકોની ઘાતકી હત્યા
બીલીમોરા શહેરમાં રૂ.7 લાખ 85 હજારની ચોરી થયાની ફરિયાદ નવસારી પોલીસને મળી હતી. આ પછી પોલીસે કેસ નોંધીને ચોરોની શોધ શરૂ કરી હતી.
તપાસ દરમિયાન પોલીસે એક મોલના સીસીટીવીમાં એક મહિલાને જોઈને શંકાના આધારે મહિલાની તપાસ કરી હતી. આ દરમિયાન, પોલીસને મહિલા પાસેથી લગભગ 2.5 લાખ રૂપિયાની ચોરીની રોકડ અને 400 ગ્રામ સોનાના દાગીના મળી આવ્યા હતા.
પૂછપરછ દરમિયાન પોલીસને જાણવા મળ્યું કે આ મહિલાએ છેલ્લા 12 વર્ષમાં નવસારી, સુરત, તાપી, ભરૂચ અને વલસાડ જિલ્લામાં કચરો એકઠો કરવાના બહાને 12 જેટલા ઘરમાં ચોરી કરી હતી. તાપી જિલ્લામાં રહેતી આ ફેશનેબલ મહિલા ચોર નવા કપડાં અને ઘરેણાં પહેરવાની શોખીન છે અને મોટા મોલમાં ખરીદી કરવાનો પણ શોખી છે.
આ શોખ પૂરો કરવા માટે તે કચરો ઉપાડવા જેવા નાના-નાના કામો કરીને રેકી કરતી હતી, જેથી કોઈને તેના પર શંકા ન થાય. પોલીસ આગળ તપાસ ચલાવી રહી છે.