ટોપ ન્યૂઝનેશનલ

NEETનો મુદ્દો ઉઠાવતાં રાહુલ ગાંધીનું માઈક બંધ થઈ ગયું! કોંગ્રેસનો દાવો

નવી દિલ્હી: 18મી લોકસભાનું પહેલું સત્ર(Lok Sabha session) હાલ ચાલી રહ્યું છે, નવા સંસદભવનમાં મળેલા સત્રની શરૂઆત જ હોબાળા સાથે થઇ છે. એવામાં કોંગ્રેસે આજે શુક્રવારે દાવો કર્યો હતો કે વિપક્ષના નેતા રાહુલ ગાંધી(Rahul Gandhi)નું માઈક બંધ કરી દેવામાં આવ્યું હતું. કોંગ્રેસે આરોપ લગાવ્યો કે લોકસભા(Lok Sabha)માં રાહુલ ગાંધીએ NEET પેપર લીક(NEET paper leak)નો મુદ્દો ઉઠાવ્યો હતો, એ સમયે માઈક બંધ કરી દેવામાં આવ્યું હતું.

કોંગ્રેસે સોશિયલ મીડિયા X પર એક વિડિયો શેર કર્યો છે, જેમાં રાહુલ ગાંધી સ્પીકર ઓમ બિરલા(Om Birla)ને માઇક્રોફોન શરુ કરવા વિનંતી કરી રહ્યા છે. રાહુલ ગાંધીએ NEET વિવાદ પર ચર્ચાની માંગ કરી અને સરકાર પાસેથી નિવેદનની માંગ કરી.

જવાબમાં, સ્પીકર ઓમ બિરલાએ સ્પષ્ટતા કરી હતી કે તેઓ સાંસદોના માઈક્રોફોનને સ્વિચ ઓફ કરતા નથી અને તેમની પાસે આ પ્રકારનું કોઈ નિયંત્રણ નથી. અધ્યક્ષ ઓમ બિરલાએ આગળ કહ્યું કે “ચર્ચા રાષ્ટ્રપતિના સંબોધન પર હોવી જોઈએ. અન્ય બાબતો ગૃહમાં રેકોર્ડ કરવામાં આવશે નહીં.”

કોંગ્રેસે X પર લખ્યું કે “એક તરફ નરેન્દ્ર મોદી NEET પર કશું બોલી રહ્યા નથી, તો વિપક્ષના નેતા રાહુલ ગાંધી ગૃહમાં યુવાનોનો અવાજ ઉઠાવી રહ્યા છે, પરંતુ માઈક બંધ કરવા જેવા સસ્તાં કૃત્યો કરીને આવા ગંભીર મુદ્દા પર યુવાનોનો અવાજ દબાવવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. “

અંડરગ્રેજ્યુએટ મેડિકલ પ્રોગ્રામ્સ માટેની NEET-UG 2024 ની પરીક્ષાએ પ્રશ્નપત્ર લીક થવાના અંગે વિવાદ ઉભો થયો છે અને વિદ્યાર્થીઓ દેશવ્યાપી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. બીજી તરફ સંસદમાં પણ પેપર લીક મુદ્દે હોબાળો ચાલી રહો છે.
કોંગ્રેસના સાંસદ કેસી વેણુગોપાલે પેપર લીકના મામલાની ચર્ચા કરવા લોકસભામાં સ્થગિન પ્રસ્તાવ રજૂ કર્યો. જો કે, સ્પીકરે કહ્યું કે ગૃહ સંસદમાં રાષ્ટ્રપતિના સંબોધન માટે આભાર પ્રસ્તાવ પર જ ચર્ચા થશે. લોકસભામાં ભારે હોબાળો થતાં સ્પીકરે ગૃહની કાર્યવાહી 1 જુલાઈ સુધી સ્થગિત કરી દીધી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button