નેશનલ

ભારે વરસાદમાં ડુબ્યું ઘર તો નેતાજીને ગોદમાં ઉઠાવી કારમાં બેસાડ્યા

દિલ્હીમાં ભારે વરસાદથી પાણી ભરાવાના કારણે વહીવટીતંત્રની કામગીરીનો પર્દાફાશ થયો છે. ઠેર ઠેર પાણી ભરાયા છે. સામાન્ય જન તો ઠીક મોટા મોટા નેતાઓના ઘર પણ આમાંથી બચી શક્યા નથી. દિલ્હીમાં સપા પ્રમુખ અખિલેશ યાદવના કાકા અને રાજ્યસભા સાંસદ રામ ગોપાલ યાદવનું ઘર પણ વરસાદના પાણીમાં ડૂબી ગયું છે. તેમના ઘરની બહારનો વિસ્તાર પાણીથી ભરાઈ ગયો હતો. અને સંસદમાં જવા માટે તેમણે પોતાના સ્ટાફની ગોદમાં બેસીને કારસુધી જવું પડ્યું હતું.

હકીકતમાં, શુક્રવારે વહેલી સવારે દિલ્હીમાં વરસાદને કારણે સપા સાંસદ રામ ગોપાલ યાદવના ઘરમાં પાણી ભરાઈ ગયા હતા. સંસદના સત્રને કારણે જ્યારે રામ ગોપાલ સંસદ જવા માટે તેમના ઘરની બહાર નીકળ્યા ત્યારે ઘરની અંદરના ભાગમાં પાણી ભરાઈ જવાથી તેમના સ્ટાફે તેમને ઉંચકીને લઇ જવા પડ્યા હતા. કર્મચારીઓ તેમને ઉંચકીને (ટીંગાટોળી કરીને) લઇ આવ્યા અને કારમાં બેસાડ્યા. આ પછી રામ ગોપાલ યાદવ સંસદ માટે રવાના થઈ શક્યા.

આ ઘટના પછી જ્યારે રામ ગોપાલ યાદવને વરસાદના કારણે તેમને પડી રહેલી સમસ્યાઓ વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું હતું કે, ‘મારે સંસદમાં જવા માટે આ બધું કરવું પડ્યું. મારો સ્ટાફ મને ઉંચકીને મને કાર સુધી લઈ ગયો. નવી દિલ્હી મ્યુનિસિપલ કાઉન્સિલ (NDMC)ની અવ્યવસ્થા પર સવાલ ઉઠાવતા તેમણે કહ્યું હતું કે, ‘હું ચાર વાગ્યાથી NDMC અધિકારીઓ સાથે વાત કરી રહ્યો છું. જો તમે પંપ લાવીને પાણી કાઢી નાખશો તો જ આ સમસ્યામાંથી રાહત મળશે. આખો બંગલો પાણીથી ભરાઈ ગયો છે. અમે બે દિવસ પહેલા જ ફ્લોરિંગ કરાવ્યું હતું. મને લાખો રૂપિયાનું નુકસાન થયું છે.

આ સમસ્યાનો સામનો કર્યા પછી, રામ ગોપાલ યાદવે કહ્યું હતું કે NDMC આવી પરિસ્થિતિઓ માટે ક્યારેય તૈયાર નથી હોતી. આટલો મોડો વરસાદ પડ્યા બાદ પણ તેઓએ નાળાઓની સફાઈ કરી નથી. તેમણે કહ્યું કે આ વિસ્તારમાં મોટાભાગના મંત્રીઓ, કેન્દ્રીય મંત્રીઓ અને સાંસદોના રહેઠાણ છે. એક ગૃહ રાજ્ય મંત્રી પણ છે જેમના હેઠળ NDMC આવે છે. પરિસ્થિતિ એવી છે કે લોકો માટે બહાર આવવું મુશ્કેલ બની ગયું છે. અમારે બહાર નીકળવા માટે બીજાની મદદ લેવી પડી રહી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button