નસીમબાનો માટે ‘બાર્ટર સિસ્ટમ’
એસ. મુખરજીના ફિલ્મીસ્તાનની પહેલી ફિલ્મથી અભિનેત્રીએ શાદી કે બાદ પુનરાગમન કર્યું અને એસ. મુખરજી સાથે જ દીકરી સાયરાબાનોએ ઘણી હિટ ફિલ્મો આપી
હેન્રી શાસ્ત્રી
(ગયા હપ્તાથી આગળ)
રાજ દરબારનાં ગાયિકા શમશાદ બેગમ (મેરે પિયા ગયે રંગૂન કે પછી કજરા મોહબ્બતવાલા સહિત અનેક સુપરહિટ ગીતો આપનારાં ગાયિકા શમશાદ બેગમ નહીં)નાં પુત્રી નસીમ બાનો મુંબઈ મુલાકાતને કારણે કેવી રીતે અભિનેત્રી બની ગયાં એ આપણે ગયા હપ્તામાં જોયું. સોહરાબ મોદીની મિનરવા મુવિટોન કંપની સાથે કરારબદ્ધ થયેલી નસીમ બાનોના પગ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સ્થિર થઈ રહ્યા હતા. તેમના સૌંદર્યની, તેમના અભિનયની પ્રશંસા થતી, પણ એક જબરદસ્ત હિટ ફિલ્મ તેમના નામ સાથે નહોતી બોલતી. ‘ખાન બહાદુર’, ‘તલાક’, ‘મીઠા ઝહર’ વગેરે સોહરાબ મોદીની ફિલ્મોમાં કામ કરવાથી નામ જાણીતું થયું પણ એ નામના પડઘા ચારેકોર સંભળાયા ‘પુકાર’ (૧૯૩૮) ફિલ્મથી. જહાંગીર ન્યાય અને બેગમ નૂરજહાં સાથેના આંતરિક સંઘર્ષની કથા ધરાવતી આ ફિલ્મથી ચાંદ સા મુખડાને ચાર ચાંદ લાગી ગયા. નસીમ બાનો પણ આ રોલનું મહત્ત્વ સમજી ગયા હોવા જોઈએ, કારણ કે પોતે પડદા પર અસ્સલ બેગમ નૂરજહાં લાગે એ માટે તેમણે કેટલાક મહિના સુધી અઠવાડિયાના સાત દિવસ ઘોડેસવારી શીખવાની સઘન તાલીમ લીધી. બીજી એક વાત એ હતી કે ૧૯૩૦ – ૪૦ના દાયકામાં હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં અભિનેત્રી – ગાયિકા (ખુર્શીદ બાનો, સુરૈયા વગેરે) ચમકી રહ્યાં હતાં. વધુ આવડત ધરાવતા કલાકારો માટે ફિલ્મમેકરોમાં પ્રાથમિકતા જોવા મળતી હતી. એટલે જ કદાચ નસીમ બાનોએ ‘પુકાર’થી એક્ટ્રેસ – સિંગર બનવાનું નક્કી કર્યું હોવું જોઈએ. અશ્ર્વ પલાણતા શીખ્યા અને ગાયકી પણ શીખવાની કોશિશ કરી. ફિલ્મનું ‘ઝિંદગી કા સાઝ ભી ક્યા સાઝ હૈ’ (ગીતકાર – કમાલ અમરોહી – જેમને આપણે મીના કુમારીના શોહર અને ‘પાકીઝા’ના નિર્માતા – દિગ્દર્શક તરીકે ઓળખીએ છીએ, સંગીતકાર – મીર સાહબ) સિને રસિકોને બેહદ પસંદ પડ્યું હતું. ગીત યુ ટ્યુબ પર ઉપલબ્ધ છે અને સાંભળ્યા પછી એટલું જરૂર
કહી શકાય કે જો નસીમ બાનોએ ગાયકીને ગંભીરતાથી સ્વીકારી
વધુ તાલીમ લીધી હોત તો તેમનું નામ સુરૈયા સાથે જરૂર
મૂકવામાં આવ્યું હોત. ‘પુકાર’ને જબરદસ્ત સફળતા મળી અને
ફિલ્મમાં હેન્ડસમ હીરો ચંદ્રમોહન (‘મુઘલ – એ – આઝમ’ના સલીમના રોલ માટે કે.આસિફની પહેલી પસંદ) હોવા છતાં નસીમ બાનોના સૌંદર્યએ લોકોને ઘેલું લગાડ્યું. સોહરાબ મોદીની ડાયલોગબાજી
અને નસીમ બાનોની બ્યુટી ફિલ્મની સફળતાનાં પ્રમુખ રસાયણ
સાબિત થયા.
સ્વાભાવિકપણે ‘પુકાર’ની સફળતા પછી ફિલ્મમેકરોએ પણ નસીમ બાનો માટે પુકાર લગાવી. તેમના ઘરે ઘણા નિર્માતાઓ લાઈન લગાવવા માંડ્યા હતા. જોકે, અહીં એક સમસ્યા ઊભી થઈ. સોહરાબ મોદીએ અભિનેત્રી સાથે ‘માત્ર મારા માટે કામ કરવાનું’ એવો કરાર કર્યો હોવાથી નસીમ બાનો અન્ય નિર્માણ હેઠળ કામ કરી શકે એમ નહોતાં. પરિણામે બંનેના સંબંધમાં થોડી ખટાશ આવી ગઈ હતી. જોકે,
નસીમ બાનોએ ‘શીશમહલ’ (૧૯૫૦)માં અનોખો જાદુ પાથર્યો. ‘પુકાર’માં સમૃદ્ધિ અને ભવ્યતાનું પ્રતીક નસીમ બાનો ‘શીશમહલ’માં મેકઅપ અને આભૂષણો વિના સાદી સાડીમાં સજ્જ થઈ પડદા પર પોતાની અભિનય પ્રતિભાથી દર્શકોના દિલમાં રાજ કરવામાં સફળ રહ્યાં હતાં.
નસીમ બાનો અત્યંત સફળ અભિનેત્રી, ફિલ્મ માટે તગડી રકમ અને રૂપ રૂપનો અંબાર. એટલે મુરતિયાની ખોટ તો ન જ પડે. જોકે, આર્થિક સ્વાતંત્ર્ય અને અંગત રુચિની કારકિર્દી હોવાથી નસીમ
જીને પરણવાની કોઈ ઉતાવળ નહોતી. ‘પુકાર’ રિલીઝ થઈ એના આસપાસના સમયમાં મોહમ્મદ એહસાન નામના શરમાળ, મિતભાષી યુવાને ‘તાજ મહલ પિક્ચર્સ’ નામની ફિલ્મ કંપની શરૂ કરી. એહસાન નસીમજીના બાળપણના ભેરુ હતા. પોતાના પ્રથમ નિર્માણ ‘ઉજાલા’માટે એહસાને નસીમને સાઈન કરી અને ફિલ્મ પૂરી થઈ ત્યાં સુધીમાં તો બંનેએ નિકાહ કરી લીધા. અને શાદી પછી ‘હું હવે ફિલ્મોમાં કામ નહીં કરું’ એવું કહી નસીમ બાનોએ અભિનય કારકિર્દી પર પડદો પાડી દીધો હતો. જોકે, ‘ઉજાલા’ નહીં ચાલી અને એહસાન ફિલ્મ બનાવવાની વધુ એક કોશિશ કરવા માગતા હતા. સાયરા બાનોએ જ વર્ષો પછી એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે ‘મારા પિતાશ્રીએ મમ્મીને ફિલ્મમાં કામ કરવાની ના પાડી, પણ પોતાના નિર્માણ હેઠળની ફિલ્મો કરવા વિનંતી કરી હતી.’
નસીમ બાનોની કારકિર્દી પર નજર નાખતા તેમણે લગ્ન પછી ફિલ્મીસ્તાન સ્ટુડિયો માટે કામ કર્યું હોવાની માહિતી મળે છે.
શોહર એહસાને ના પાડી હોવા છતાં આ કેવી રીતે બન્યું? વાત રસપ્રદ છે. ફિલ્મિસ્તાનના મુખિયા એસ. મુખરજી દેવિકા રાની જેવું સ્ટાર પાવર ધરાવતી હિરોઈન લઈ ફિલ્મ શરૂ કરવા માગતા
હતા. બંગાળી બાબુને ગળા સુધી ખાતરી હતી કે જો પરી ચહેરા નસીમને લઈ ફિલ્મ બનાવશે તો પ્રેક્ષકો થિયેટર પર દોડતા આવશે. મુખરજીએ એહસાનનો સંપર્ક કર્યો. સ્માર્ટ એહસાને શરત મૂકી કે જો મિસ્ટર મુખરજી તેમના નિર્માણ ગૃહ ‘તાજ મહલ પિક્ચર્સ’ની
આગામી ફિલ્મનું નિર્માણ કરવા તૈયાર થાય તો નસીમને કામ કરવાની છૂટ આપશે. ચર્ચા પછી ‘બાર્ટર સિસ્ટમ’ પર સહી સિક્કા થયા અને નસીમ બાનોએ ફિલ્મિસ્તાનની પ્રથમ ફિલ્મ ‘ચલ ચલ રે નૌજવાન’ માટે કામ કરવાનું શરૂ કર્યું. બદલામાં એહસાનની કંપની માટે ફિલ્મીસ્તાને પ્રોડ્યુસ કરી એનું નામ હતું ‘બેગમ’. બંને ફિલ્મ મંટોએ લખી
હતી અને બન્નેમાં મુખ્ય કલાકાર તરીકે અશોક કુમાર અને નસીમ બાનો હતાં. જોકે, થોડા સમય પછી નસીમ બાનો શોહરથી છૂટા પડ્યાં અને એહસાન પાકિસ્તાન ચાલ્યા ગયા. ત્યારબાદ નસીમજી માતાના રોલમાં એકાકાર થયા અને સાયરા બાનો ફિલ્મોમાં પ્રવેશે
એ માટે તખ્તો તૈયાર કર્યો. રસપ્રદ વાત એ છે કે સાયરાજીએ
પણ એસ. મુખરજી સાથે અનેક હિટ ફિલ્મો આપી. પોતાના સમયમાં મોટાભાગના ટોપ સ્ટાર – સોહરાબ મોદી, ચંદ્રમોહન, પૃથ્વીરાજ કપૂર, અશોક કુમાર, શ્યામ, સુરેન્દ્ર, પ્રેમ અદીબ સાથે તેમની
જોડી જામી હતી. આજે જ્યારે પણ ટેલિવિઝન પર ‘પુકાર’ કે ‘શીશમહલ’ દેખાડવામાં આવે છે ત્યારે લોકોને ફિલ્મ ગમે છે કે નહીં એ વિશે ભિન્ન અભિપ્રાય હોવાના, પણ નસીમ બાનોના સૌંદર્યના તો હર કોઈ દીવાના થવાના. (સમાપ્ત)