Legislative Council ઈલેક્શન મુદ્દે ઉદ્ધવ ઠાકરેએ આપ્યું આ નિવેદન
મુંબઈઃ વિધાન પરિષદ (Maharashtra Legislative Council Elections)ની 11 બેઠક માટે ચૂંટણી 12 જુલાઈના રોજ યોજાવાની છે અને મહાવિકાસ આઘાડી (MVA) દ્વારા કેટલા ઉમેદવાર ઊભા રાખવામાં આવશે તે નકકી થઇ ગયું હોવાનું જણાય છે. ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray)એ આ ચૂંટણીમાં પોતાનો ઉમેદવાર ઊભા રાખવાની જાહેરાત કરી છે.
ઉદ્ધવ ઠાકરે જૂથ (યુબીટી)ની શિવસેના દ્વારા ઊમેદવાર ઊભો રાખવાની જાહેરાત ઉદ્ધવ ઠાકરેએ ગુરુવારે કરી હતી. તેમણે કહ્યું હતું કે ઉમેદવાર ચૂંટાઇને આવે એ માટે મહાવિકાસ આઘાડી દ્વારા યોગ્ય ગણિત કરવામાં આવ્યું છે અને ગણતરીપૂર્વક ઉમેદવારો ઊભા કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો: મહારાષ્ટ્રની 11 વિધાન પરિષદની બેઠકોની ચૂંટણી 12 જુલાઈએ
ઉલ્લેખનીય છે કે શિવસેના તેમ જ એનસીપી (રાષ્ટ્રવાદી કોંગ્રેસ-નેશનલિસ્ટ કોંગ્રેસ પાર્ટી) આ બંને પક્ષ બે ભાગમાં વહેંચાઇને ઉદ્ધવ ઠાકરેની શિવસેના તેમ જ એકનાથ શિંદેની શિવસેના અને અજિત પવાર જૂથની એનસીપી અને શરદચંદ્ર પવાર (NCP-SP) જૂથની એનસીપી પક્ષ બન્યા ત્યાર બાદ પહેલી જ વખત મહારાષ્ટ્ર વિધાન પરિષદની ચૂંટણી યોજાઇ રહી છે. જેના કારણે મહારાષ્ટ્ર વિધાનસભાના વિધાનસભ્યો કોને મત આપે છે તેના પર બધાની નજર છે.
ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું કે અમે વિધાન પરિષદની ચૂંટણીમાં અમારો ઉમેદવાર ઊભો રાખીશું કારણ કે 11 બેઠકો માટે ચૂંટણી યોજાવાની છે અને મહાવિકાસ આઘાડીનો દરેક સાથી પક્ષ એક બેઠક જીતી શકે એમ છે. અમારા મત નક્કી છે, એમ પણ તેમણે જણાવ્યું હતું.