આપણું ગુજરાતસ્પેશિયલ ફિચર્સ

શાકભાજીના ભાવમાં વધારો: ખેડૂતો સસ્તામાં વેચે છે, લોકોને મોંઘુ મળે છે

અમદાવાદઃ ગુજરાતમાં અમદાવાદ સહિતના શહેરોમાં શાકભાજીના ભાવ હાલમાં આસમાને પહોંચ્યા છે. જોકે વરસાદ ખેંચાતા શાકભાજીના ઓછા ઉત્પાદનના બહાને વચેટીયાઓ દ્વારા ગ્રાહકો અને ખેડુતોને લૂંટી રહ્યા હોય તેવું ચિત્ર ઉપસ્યું છે. વેપારીઓ દ્વારા ખેડૂતો પાસેથી પ્રતિ કિલો રૂ. 50ના ભાવે ખરીદેલું શાકભાજી ગ્રાહકો પાસે જતા રૂ. 100ના ભાવે પ્રતિ કિલોનું વેચાણ થઇ રહ્યું છે. ચાલુ વર્ષે વરસાદ ખેંચાતા જિલ્લાના ખેડૂતોને શાકભાજીની ખેતી કરવી આકરી બની રહી છે. કેમ કે શાકભાજીની ખેતીના માટે પાણી વેચાતું લેવાની ફરજ પડી છે. ઉપરાંત દવા તેમજ રાસાયણિક ખાતરના અને બીજના વધેલા ભાવના કારણે શાકભાજીની ખેતી ખર્ચાળ બની રહી હોવાનું ખેડૂતોએ જણાવ્યું છે.

શાકભાજીના ભાવ આસમાને પહોંચતા જે ગૃહિણીઓ અગાઉ એક કિલોની ખરીદી કરતી હતી તે હાલમાં 250થી 500 ગ્રામની ખરીદી કરી રહી છે. ઉપરાંત અમુક ગૃહિણીઓ બજેટમાં પોસાય તેવું અને ભાવમાં સસ્તું હોય તેવા શાકભાજીની ખરીદી કરી રહી છે. બીજીતરફ ચાલુ વર્ષે વરસાદ ખેંચાતા શાકભાજીના પાકની ખેતીની સામે થતાં ખર્ચ કરતા હોલસેલ ભાવ ઓછો મળે છે. ખેડૂતો પાસેથી હોલસેલ ભાવે વેપારીઓ શાકભાજી પ્રતિ કિલો રૂ. 10થી 50ના ભાવે ખરીદી રહ્યા છે. જે ગ્રાહકો પાસે પહોંચતા જ પ્રતિ કિલો શાકભાજીનો ભાવ બમણો થઇ જતા બજારમાં પ્રતિ કિલો શાકભાજી રૂ. 30થી 100ના ભાવે વેચાઇ રહ્યું છે. તેમ છતાં તંત્ર દ્વારા ઉઘાડી લૂંટ ચલાવતા વચેટીયાઓની ઉપર નિયંત્રણ લાદવામાં વામણું પુરવાર થયું છે. જોકે ગ્રાહકોને જે ભાવે પ્રતિ કિલો શાકભાજી મળી રહે છે તેવો ભાવ ખેડૂતોને મળે તો શાકભાજીની ખેતી આર્થિક રીતે પરવડે તેમ ખેડૂતોએ જણાવ્યું હતું. જોકે વેપારીઓએ પણ શાકભાજીને સાચવવાનો ખર્ચ કરવાનો રહે છે, આ સાથે કામદારોના પગાર વગેરે પણ જોવાનું રહે છે, આથી તેમને પણ પરવડતું નથી, તેવી ફરિયાદ તેઓ કરે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button