પેડમેન તો બન્યા, ડાયપર મેન ક્યારે બનીશું?
મેલ મેટર્સ -અંકિત દેસાઈ
બે-ત્રણ દિવસ પહેલાં એક મજાના સમાચાર વાંચવા મળ્યાં કે અભિનેત્રી રિચા ચઢ્ઢા હાલમાં સગર્ભા છે અને એનો પતિ તેમજ અભિનેતા અલી ફઝલ પત્નીની ડિલેવરી પછી પેટરનલ લીવ લઈ રહ્યો છે. આ માટે એણે વિવિધ પ્રોડક્શન હાઉસવાળાને જાણ પણ કરી દીધી છે. આગામી સમયમાં એણે જે તારીખો આપી છે એ તારીખો પાછી ઠેલવામાં આવે, કારણ કે નવજાતના જન્મ પછી એ પત્ની સાથે રહેવા માગે છે.
જોકે, આ મજાના સમાચાર વાંચીને એક વિચાર એ પણ આવ્યો છે પેટરનલ લીવ લેતા પિતાઓ શું પેટરનલ લીવનો ખરા અર્થમાં ઉપયોગ કરતા હશે ખરા? કારણ કે ઘરે રહીને પત્ની અને બાળકનું ધ્યાન રાખીને પુરુષ પેટરનલ લીવની ઇતિશ્રી નહીં કરી શકે. પેટરનલ લીવની પોતાની અનેક જવાબદારીઓ પણ છે. શું પુરુષ એ જવાબદારીઓ પોતાનો ઇગો બાજુએ મૂકીને નિભાવી શકે ખરો?
ભારતમાં હવે અનેક કંપનીઓ પેટરનલ લીવ આપે છે. પત્નીની ડિલેવરી પછી અનેક પતિઓ પેટરનલ લીવ મળે છે તો લઈ પણ લેતા હશે, પરંતુ ડિલેવરીની યાતનાપૂર્ણ પ્રક્રિયા પછી અને નવજાતની આવી પડેલી અનેક નવી નવી જવાબદારીઓ નિભાવવામાં એ પતિદેવ પત્નીને મદદ કરતા હશે ખરા કે પછી આયા કે મમ્મીની ભરોસે જ રહે છે પત્ની અને નવજાત?
પત્ની અને નવજાતની જવાબદારીઓની વાત કરીએ તો સૌથી પહેલાં તો પત્નીને ઈમોશનલ સપોર્ટની સૌથી વધુ જરૂર હોય છે. એક તો એ પ્રેગનન્સીના આમ મજાનાં, છતાં અનેક રીતે કપરાકાળમાંથી પસાર થઈ હોય છે. બાળકને જન્મ આપવો પણ કંઈ નાનીસૂની વાત નથી. જન્મ સમયે પત્નીએ સ્વાભાવિક જ અમુક યાતનાઓ કે નાની- મોટી સર્જરી વેઠી હશે, જે કારણે એનું મન અને શરીર બંને નબળાં પડી ગયાં હોય.
-તો બીજી તરફ, નવા જન્મેલા બાળકની ભૂખ, એનો ટાણે-કટાણે ઊંઘવાનો સમય, એનું માલિશ, નવડાવવાનું કે પછી સમયાંતરે એની છીછીપીપી સાફ કરી એને ફરી સરસ મજાનું તૈયાર કરી દેવાનું પણ હોય છે. આ બધી જવાબદારીઓ વાંચવામાં જેટલી સરળ લાગે એટલી નિભાવવામાં સરળ નથી હોતી. આ બધુ જ્યારે કરવાનું આવે ત્યારે ઓલરેડી પ્રેગનન્સી અને ડિલેવરીમાં કંતાઈ જતી પત્નીઓની હાલત વધુ કફોડી થઈ જતી હોય છે, જેને કારણે અનેક સ્ત્રીની માનસિક સ્થિતિ પર પણ અત્યંત ઘેરી અસરો થતી હોય છે. આ જ સમયમાં સ્ત્રીમાં અત્યંત ચીડિયાપણું પણ આવી જાય છે.
આવા સમયે પુરુષ પેટરનલ લીવ લે છે કે નહીં એ મહત્ત્વનું નથી, પરંતુ પુરુષ પત્નીની ધરપત બને છે કે નહીં એ અત્યંત મહત્ત્વનું છે. આ સમયમાં પુરુષે સ્ત્રીનું અડધાથી ઉપરનું કામ ઉપાડી લેવાનું થાય છે. ખાસ તો બાળકની છીછીપીપી વખતે કે એના ઉજાગરા વખતે પતિએ જવાબદારીઓ ઉપાડી લેવાની થાય છે, જેથી શારીરિક રીતે ત્રાસ વેઠી ચૂકેલી સ્ત્રીને માનસિક રીતે અત્યંત મોટી ધરપત મળે અને એ આરામ કરીને પોતાના શરીરની કાળજી રાખી શકે અને તાજીમાજી થઈ શકે.
જો કે, મોટાભાગના પુરુષ આ બાબતે એમ કહીને છૂટી જતાં હોય છે કે ‘આ કામ પુરુષોનાં નથી!’ એટલે પછી આ બધી જવાબદારી કામવાળા અને મદદનીસોના માથે જતી હોય છે, જે મદદ જરૂર કરતા હોય છે, પરંતુ એ ક્યારેય ધરપત બની શકતા નથી, કારણ કે આપણી સ્ત્રીને મદદની તો જરૂર જ નથી, એમને આવા સમયમાં જરૂર હોય છે કાળજી અને હૂંફની. અને આ બહારનો કે પગારદાર માણસ ક્યારેય આપી શકવાનો નથી! એટલે જ એક સમયે પિરિયડ્સને લઈને જાગૃત થયેલા અને એ સમય દરમિયાન પત્નીની સપોર્ટ સિસ્ટમ બનીને સરસ અભિગમ કેળવી ચૂકેલા પતિ એના અભિગમમાં ફરી એક નાનકડો બદલાવ આણવાનો છે.
આખરે જે પુરુષ પેડમેન બની શકતો હોય, એ ડાયપરમેન પણ બની
જ શકે.