વીક એન્ડ

સ્થાપત્ય અને સર્જનાત્મકતા

સ્થાપત્યનું વાઈ-ફાઈ-હેમંત વાળા

સર્જન થવું કે કરવું એ વિશ્ર્વની મહાન ઘટના છે. જે છે તે તો છે પણ જે નથી તે હવેથી હશે – સર્જનની આ મૂળ ભૂમિકા છે. માનવીની જિંદગીમાં આવા દરેક પ્રકારના સર્જન અને તેની પાછળની સર્જનાત્મકતાનું ખાસ સ્થાન હોય છે, એક દલીલ પ્રમાણે બ્રહ્માંડમાં નવા સર્જનની કોઈ શક્યતા જ નથી, જેને નવું કહેવાય છે તે તો હયાત પરિસ્થિતિમાં થતી થોડી ફેરબદલ માત્ર છે. આ વાત કંઈક અંશે સાચી પણ છે. બધી જ વસ્તુ કોઈકને કોઈક સ્વરૂપે તો હાજર જ હોય છે, માત્ર તેની ગોઠવણ કરાય છે. આ ગોઠવણમાં જ સર્જનાત્મકતા સમાયેલી છે.
સ્થાપત્યમાં ક્યાંક નવા અભિગમનું મહત્ત્વ છે અને ક્યાંક પરંપરાને ચાલુ રાખવાના પ્રયત્નો પણ થાય છે. જોવાનું એ છે કે નવીનતા છીછરાપણું ઊભું ન કરી દે અને પરંપરા અસંદર્ભિક ન બની જાય. સ્થાપત્યમાં સચોટ અભિવ્યક્તિનું પણ મહત્ત્વ છે અને ખુલ્લા રખાયેલ વિચારોનું પણ. જ્યારે વિચારોની અભિવ્યક્તિ સ્પષ્ટ રાખવામાં આવે ત્યારે તેમાં જડતાનો ભાવ ન પ્રવેશવો જોઈએ અને જ્યારે અર્થઘટન માટે સ્વતંત્રતા આપી હોય ત્યારે નિયંત્રણ- શૂન્યતા ન ઊભી થવી જોઈએ. સ્થાપત્યમાં જ્યારે કલાત્મકતાને વધારે મહત્વ આપવામાં આવે ત્યારે તે ધ્યાન રાખવું પડે કે તેની ઉપયોગિતામાં સમજૂતી કરવાનો વખત ન આવે; અને જ્યારે સ્થાપત્યની રચનામાં ઉપયોગિતાને વધુ પડતું મહત્ત્વ આપવામાં આવે ત્યારે દૃશ્ય અનુભૂતિની જરૂરિયાતને સાવ અવગણી ન શકાય. સ્થાપત્યની રચનામાં જ્યારે સામગ્રી અને તકનિકી બાબત હાવી થતી જાય ત્યારે તે પ્રકારના બાંધકામ માટે ઔદ્યોગિક લાલિત્યને સમજવું પડે. તેવી જ રીતે જ્યારે પરંપરાગત સામગ્રીનો ઉપયોગ થાય ત્યારે પણ બાંધકામમાં આધુનિક લાલિત્યની સમજ રાખવી પડે. સ્થાપત્યની રચનામાં વિવિધ પ્રકારના પરિબળો વચ્ચે સંતુલન રાખવું બહુ જરૂરી છે. આવા સંતુલન માટે જુદા જ સ્તરની સર્જનાત્મકતાની જરૂર રહેતી હોય છે.
એક મત પ્રમાણે સ્થાપત્યની ત્રણ ભૂમિકા છે; ઉપયોગિતા, સુંદરતા અને મજબૂતાઈ. મકાનની રચના જે તે ઉપયોગિતા માટે જ કરાતી હોય છે, એટલે ઉપયોગિતાના સંદર્ભમાં મકાનની સમજણ સરળ છે, આ ઉપયોગિતા પ્રમાણેની રચનામાં સર્જનાત્મકતા માટે એટલો અવકાશ નથી હોતો. હા, કયું સ્થાન ક્યાં ગોઠવવું છે અને તેનાથી ઉદ્ભવતો સમગ્ર આકાર કેવો અને કેવા પ્રમાણ માપ વાળો હશે, તે બાબત પાછળ સર્જનાત્મક ગણતરી હોઈ શકે. મજબૂતાઈ માટે મુખ્યત્વે બાંધકામની સામગ્રી તથા તેના ઉપયોગની તકનિક અને માળખાકીય બંધારણનો પ્રકાર મહત્ત્વનાં ગણાય. સ્થાપત્યની સામગ્રીનું પણ પોતાનું સૌંદર્ય છે અને માળખાગત રચનાનું પણ. ઉપયોગિતાની જેમ આ બાબત પણ આકાર અને પ્રમાણ માપ પર અસર કરી શકે. સુંદરતા સાથે તો સર્જનાત્મકતા સંકળાયેલી જ હોય. સ્થાપત્યની રચનામાં કયો આકાર, કેટલા પ્રમાણમાપ સાથે, કઈ પરિસ્થિતિમાં, કેવા પ્રકારની રંગ-બરછટતા સાથે, કેવો ભાવ ઊભો કરશે તે સમજવું જરૂરી છે. આવી રમત રમવા માટે તો ઘણી સંભાવનાઓ હોઈ શકે. પણ સ્થાપત્ય એ ગંભીરતા ભરેલું ક્ષેત્ર હોવાથી આમાં રમત ન ચાલે. અહીં જાણવું એ પડે કે સુંદરતા લાવવા માટે કરાયેલા પ્રયત્નો ઉપયોગકર્તાની માનસિકતાને કઈ રીતે અસર કરશે. વળી કેવા કેવા પ્રકારના ભાવો રજીસ્ટર કરતાં કરતાં વ્યક્તિ મકાનમાં પ્રવેશશે. આવી બાબતો નિર્ધારિત કરવા માટે સ્થપતિએ પોતાની સર્જનાત્મકતાને ચરમસીમા પર લઈ જવી પડે – અને તે પણ સંવેદનશીલતા સાથે.
સાંપ્રત સમયમાં સ્થાપત્યમાં જે જે પ્રકારની સર્જનાત્મકતા પ્રવર્તે છે તેને છ વિભાગમાં વર્ગીકૃત કરી શકાય; નકલ આધારિત, પ્રેરિત, સ્ફુરીત, પ્રતિભાવિત, સંકલિત અને આકસ્મિક. નકલ આધારિત રચનામાં જે તે પરિસ્થિતિની મુખ્ય બાબતોને જેમની તેમ લાગુ પાડવામાં આવે છે. પ્રેરિત રચનામાં તેવી પરિસ્થિતિની ગુણવત્તામાંથી – કે કેટલીક બાબતોમાંથી પ્રેરણા લઈ સર્જન કરાય છે. મનમાં આવેલા ભાવને અનુસાર જે રચના થાય તેને સ્ફુરિત કહી શકાય. કોઈ બાબતને મૂળમાં સમજી તેનું અનુકરણ કરવાને બદલે જ્યારે તેને પ્રતિભાવ આપવાનો પ્રયત્ન થાય ત્યારે તે પ્રતિભાવિત રચના બને. જુદા જુદા વિચારોને કે ઘટનાઓને એકત્રિત કરી તેનામાં એકરાગતા તથા એકસૂત્રતા પરોવી જે રચના થાય તેને સંકલિત કહી શકાય. અકસ્માતે પણ સ્વીકારી શકાય એવી ઘટના જ્યારે આકાર લે ત્યારે તે સર્જનાત્મકતાને આકસ્મિક કહેવાય. આ પ્રત્યેક પ્રકારની સર્જનાત્મકતાની ચોક્કસ સંભાવનાઓ છે અને મર્યાદાઓ પણ. સ્થપતિની ક્ષમતા અને સંવેદનશીલતાની ચકાસણી ત્યારે થાય કે જ્યારે એ પોતે સ્વીકારેલી શૈલી લોકમાન્ય બનાવે – લોક સ્વીકૃત બનાવે.
સ્થાપત્ય માનવીના જીવનને અસર કરતું ક્ષેત્ર હોવાથી તેની રચનામાં સંવેદનશીલતા પણ એટલી જ મહત્ત્વની ગણાય. ચિત્રકામમાં કલાકારની મનસ્વી મરજી ચાલી જાય, સ્થાપત્યમાં તેમ ન થાય. અહીં તો બધાનું ધ્યાન રાખવું પડે – મકાનનો ઉપયોગ જે લોકો કરવાના છે તેમનું પણ અને મકાનની આગળથી માત્ર પસાર થનારા સમૂહનું પણ. તેથી અહીં સર્જનાત્મકતાની ભૂમિકા અલગ સ્તરની હોય. બધાના સંભવિત અભિપ્રાયોનો સમન્વય કરવાની ઘટના જ સર્જનાત્મકતા માગી લે છે. સ્થપતિએ પોતાની સમજ વિસ્તૃત રાખવી પડે. સંકુચિતતાને અહીં કોઈ સ્થાન નથી. દરેક વ્યક્તિનો અભિપ્રાય મહત્ત્વનો બની રહે. હા, શક્ય છે કે અમુક બાબતોની સ્વીકૃતિ અમુક સમય પછી થાય, પણ તે માટે પણ સ્થપતિએ સભાન રહેવું પડે. સ્થાપત્ય એ આકસ્મિક રીતે અસ્તિત્વમાં આવતી રચના નથી.
સર્જનાત્મકતા સ્વયં સંવેદનશીલ બાબતે છે. તે ત્યારે જ ઉભરે અને વિકસે જ્યારે સર્જક માનવી, સમાજ અને વિશ્ર્વ, આ ત્રણેય વચ્ચેના સમીકરણો માટે સંવેદનશીલ હોય. કવિ ચંદ્રને પોતાની પ્રિયતમા સાથે સરખાવતી કવિતા ત્યારે જ લખી શકે જ્યારે તે ચંદ્ર, પ્રિયતમા તથા પોતાની સંવેદનાઓ પ્રખરતાપૂર્વક જાણતો હોય અને તેને શબ્દોમાં ઢાળવાની ક્ષમતા રાખતો હોય. સ્થાપત્યની રચનામાં આવી જ તીવ્રતાવાળી સર્જનાત્મકતા જરૂરી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button