રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ઍવોર્ડથી પુરસ્કૃત પ્રથમ અભિનેત્રી નરગિસ
ભારતની વીરાંગનાઓ -ટીના દોશી
આમ તો એના નામનો અર્થ સુંદર ફૂલ, સુગંધી ફૂલ અને કમળનું ફૂલ થાય. એના નામનો પર્યાયવાચી શબ્દ રજનીગંધા પણ થાય….સફેદ રંગનું સુવાસિત ફૂલ રજનીગંધા. આ રીતે જોઈએ તો ઘણું કરીને શ્ર્વેત વસ્ત્રોમાં શોભતી અને ‘લેડી ઇન વ્હાઈટ’ તરીકે ઓળખાતી એ તારિકા અંગે એમ કહી શકાય કે સિનેઉદ્યાનમાં ખીલેલાં રંગબેરંગી પુષ્પોમાંનું એક મહેકતું ફૂલ હતી એ. કદાચ સુંદરતાના માપદંડમાં ઊણી ઊતરે તો પણ એના અભિનયની કળાએ એ ઊણપને ઢાંકી દીધેલી. એની કળાનાં કામણથી સુગંધિત હતું સિનેજગત. સિનેમા ઉદ્યોગમાં કરેલાં અણમોલ પ્રદાનને પગલે એને દેશના ચોથા સર્વોચ્ચ સન્માન પદ્મશ્રીથી પુરસ્કૃત કરાઈ, સર્વશ્રેષ્ઠ અભિનય માટેનો પ્રથમ રાષ્ટ્રીય પુરસ્કાર પણ એને જ એનાયત થયો અને રાજ્યસભામાં પ્રથમ નામનિયુક્ત અભિનેત્રી તરીકેનું સન્માન મેળવ્યું. ભારત સરકારે ૩૦ ડિસેમ્બર ૧૯૯૩ના એની સ્મૃતિમાં એક રૂપિયાની ટપાલ ટિકિટ બહાર પાડી…
અહીં સુધી વાંચીને કોની વાત થઈ રહી છે એનો ખ્યાલ ન આવે તો ઓળખાણ માટેની સહેલી એંધાણી આ રહી: અભિનયના સર્વોચ્ચ શિખરે પહોંચેલી એ અભિનેત્રી ‘મધર ઇન્ડિયા’ તરીકે ઘેર ઘેર જાણીતી થઈ ગયેલી !
હા, એનું નામ નરગિસ…પોતાની કારકિર્દીમાં કેટલીયે ફિલ્મોમાં એણે કામ કર્યું, પણ ‘મધર ઇન્ડિયા’ ફિલ્મમાં દીકરા બીરજૂને ઠાર કરતી મા રાધાના પાત્રમાં કરેલા ઉત્કૃષ્ટ અભિનયે એને ટોચે પહોંચાડી દીધી. એક મુલાકાતમાં નરગિસે કહેલું કે, રાધાનું પાત્ર ભજવવાનો પ્રસ્તાવ મળ્યો ત્યારે મને એવું લાગ્યું કે એક કલાકાર તરીકે મેં જે અપેક્ષા સેવી છે, તે આખરે આ ફિલ્મની રાધાના પાત્રથી પૂરી થવાનો સમય આવી ગયો છે….
મહેબૂબ ખાન દ્વારા નિર્મિત અને નિર્દેશિત ફિલ્મ મધર ઇન્ડિયાની રાધા એટલે વિપરીત સંજોગોનો મક્કમતાથી સામનો કરતી સ્ત્રીની કથા. નરગિસ ઉપરાંત રાજકુમાર, સુનીલ દત્ત, રાજેન્દ્રકુમાર અને કનૈયાલાલને ચમકાવતી આ ફિલ્મ ખેતમજૂરોની અસહ્ય અવદશા પર આધારિત છે. રાધા ગામડામાં રહેતી એવી સ્ત્રીની કથા છે જેના જીવનનું બીજું નામ જ સંઘર્ષ છે. આ ફિલ્મમાં ઉત્તમ અભિનયને પગલે નરગિસને ૧૯૫૮માં સર્વશ્રેષ્ઠ અભિનેત્રીના ફિલ્મફેર પુરસ્કારથી સન્માનિત કરવામાં આવેલી. ૧૯૫૮માં જ ઝેકોસ્લોવેકિયામાં યોજાયેલા ઇન્ટરનેશનલ કાર્લોવી વેરી ફિલ્મ ફેસ્ટિવલમાં મધર ઇન્ડિયા માટે નરગિસને સર્વશ્રેષ્ઠ ‘અભિનેત્રી’ના પુરસ્કારથી નવાજવામાં આવી.
આમ, નરગિસની ધારણા મુજબ મધર ઇન્ડિયા ફિલ્મને પગલે કલાકાર તરીકેની એની આકાંક્ષાઓ તો પૂરી થઈ, સાથે જ જીવનસાથી પણ મળી ગયો. ફિલ્મમાં નરગિસના પુત્રનું પાત્ર ભજવનાર સુનીલ દત્ત વાસ્તવિક જીવનમાં એનો પતિ બન્યો. સહુ જાણે છે એમ મધર ઇન્ડિયામાં આગનાં દ્રશ્યોનાં ફિલ્માંકન સમયે ખરેખર અગનજ્વાળાઓથી લપેટાયેલી નરગિસને સુનીલે જાનના જોખમે આગમાં ઝંપલાવીને બચાવી લીધેલી.
આ ઘટના બની ત્યારે નરગિસની માનસિક સ્થિતિ રાજ કપૂરને કારણે ડામાડોળ હતી. એવા સમયે સુનીલ દત્તે નરગિસને આગમાંથી બચાવી. હોસ્પિટલના બિછાને પડેલા સુનીલને પડખે બેસતી નરગિસને મહેસૂસ થતું કે કોઈ અદ્રશ્ય શક્તિ એને સુનીલભણી ધકેલી રહેલી. નરગિસે આ અંગે ડાયરીમાં નોંધેલું કે, ‘મારે માટે કોઈએ કાંઈ બલિદાન આપ્યાને લાંબો સમય થઈ ગયો. હું જ બધાં પર મારું બધું ન્યોચ્છાવર કરતી રહી છું. પછી એ રાજનો પરિવાર હોય કે મારો પોતાનો પરિવાર.’
પોતાના પરિવાર અને રાજ કપૂર વચ્ચે લોલકની જેમ ઝૂલતી રહેલી નરગિસ. એવા વિચારોથી વીંટળાઈ વળતી કે સિનેમાની દુનિયામાં પહેલું પગલું જ ન માંડ્યું હોત તો આ દા’ડા જોવાનો વારો ન આવત. આમ પણ એ ક્યાં ફિલ્મી જગતમાં પગરણ કરવા માગતી હતી !
અબ્દુલ રશીદ અને જદનબાઈને ઘેર ફાતિમા તરીકે ૧ જૂન ૧૯૨૯ના જન્મેલી નરગિસને ફિલ્મ ક્ષેત્રમાં જવાની ઈચ્છા નહોતી. પણ ધાર્યું માનું થયું. જદનબાઈ પોતે અભિનેત્રી અને સંગીતકાર પણ હતી. પછી એણે પોતાનું સંગીત નિર્માણ નામે નિર્માણગૃહ શરૂ કર્યું.. ૧૯૩૫માં તલાશ-એ-હક નામની પહેલી ફિલ્મમાં છ વરસની ફાતિમાનું રૂપેરી પરદે બેબી નરગિસ નામકરણ કરીને અભિનય કરાવ્યો. એ સાથે એનું સિનેસૃષ્ટિનું નામ નરગિસ જાણીતું થયું.
ત્યાર બાદ ૧૯૪૨માં તમન્ના, ૧૯૪૫માં હુમાયૂં અને પછી તો ફિલ્મો પ્રદર્શિત થતી રહી. રૂપેરી સ્મૃતિમાં
શિરીષ કણેકરે નરગિસનું ચિત્રણ કરતાં નોંધ્યું છે એમ, ‘લાંબો ચહેરો અને લાકડાના થાંભલા જેવું સીધુંસટ શરીર, તેમણે નરગિસના માર્ગમાં ઝેરી
કાંટા પાથર્યા હતા. તોય તે મંઝિલે પહોંચી. રૂપ નહોતું, પણ અપીલ હતી. નમણાશ નહોતી, પણ ચાર્મ હતો. ખાસ તો ગુલે બકાવલીના ફૂલના જેવી દુર્લભ ડિગ્નિટી હતી. નરગિસ ક્યારેય ચીપ લાગી નથી. અભિનય અને ડિગ્નિટીના જોર પર કોઈથીય સ્પર્ધામાં પાછળ હટી નથી.’
નરગિસ સ્પર્ધામાં પાછળ ન હટી, પણ આગળ વધવા માંડી. રાજ કપૂર સાથેની લગભગ બધી ફિલ્મોને ધૂમ સફળતા મળી. આગ, ચોરી ચોરી, આહ, શ્રી ૪૨૦, આવારા, જાગતે રહો, અંદાઝ, ધૂન, પાપી, અંબર, અનહોની, આશિયાના, બેવફા, જાનપહેચાન, બરસાત, પ્યાર… ફિલ્મી પરદે નાયક અને નાયિકા તરીકે કામ કરતાં રાજ અને નરગિસ અસલી જીવનમાં પણ પરસ્પરને દિલ દઈ બેઠેલાં. નવ વર્ષ એમનો સંબંધ રહ્યો. નરગિસ પરિણીત રાજની બીજી પત્ની બનવા પણ તૈયાર હતી. નરગિસ નામની કોડીલી નદી રાજ નામના મહાસાગરમાં સમાઈ જવા તૈયાર હતી,. પણ રાજ તો રણનું મૃગજળ નીવડ્યો. નરગિસને મોડે મોડે સમજાયું કે રાજ નામનો રૂપિયો જ ખોટો છે. એવો રૂપિયો જે રણકતો નહોતો, બોદો હતો ! રાજ લગ્નનાં વચન આપતો રહ્યો અને પરણવાનું ટાળતો રહ્યો.
આખરે હૃદય પર પથ્થર મૂકીને નરગિસે રાજ સાથેનો છેડો ફાડી નાખ્યો. એ પછી મધર ઇન્ડિયા ફિલ્મમાં આગની ઘટનાથી નરગિસ અને સુનીલ દત્ત એકમેક પ્રત્યે આકર્ષાયાં.. નરગિસે સુનીલને રાજ સાથેનાં સંબંધો વિશે અંધારામાં ન રાખ્યો. બધું જ જણાવી દીધું.
નરગિસે નવી શરૂઆત કરી. ૧૧ માર્ચ ૧૯૫૮ના સુનીલ દત્ત સાથે પ્રભુતામાં પગલાં પાડ્યાં. પછી એણે ન તો રાજની દિશામાં જોયું, ન ફિલ્મની દુનિયામાં… પોતાના જીવનમાંથી રાજને જાકારો આપ્યો. જળમાંથી આંગળી નીકળે ને જગ્યા પુરાઈ જાય એમ રાજની વિદાય પછી સુનીલ દત્તે જગ્યા પૂરી દીધી. નરગિસ પોતાના ઘરસંસારના માળામાં ગોઠવાઈ ગઈ. ત્રણ સંતાન સંજય, નમ્રતા અને પ્રિયાના ઉછેરમાં પરોવાઈ ગઈ. જોકે લગ્નનાં નવ વર્ષ પછી ભાઈ અનવર હુસેનની મદદ માટે ૧૯૬૭માં અંતિમ ફિલ્મ ‘રાત ઔર દિન’માં અભિનય કર્યો. ફિલ્મમાં વરુણા અને પેગીનું સ્પ્લીટ પર્સનાલિટી- બેવડું વ્યક્તિત્વ ધરાવતી નાયિકાનું પાત્ર નરગિસે ભજવ્યું. આ ફિલ્મમાં ઉત્કૃષ્ટ અભિનય કરવા બદલ નરગિસને ૧૯૬૮માં સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનો રાષ્ટ્રીય પુરસ્કાર એનાયત કરાયો. આવું સન્માન મેળવનાર એ પ્રથમ અભિનેત્રી બની.
બાર વર્ષ પછી ૧૯૮૦માં નરગિસને રાજ્યસભામાં નામનિયુક્ત કરવામાં આવી. પણ ૨ ઓગસ્ટ ૧૯૮૦ના રાજ્યસભાના સત્ર દરમિયાન નરગિસ બીમાર પડી. તબીબી તપાસમાં કૅન્સરનું નિદાન થયું. અમેરિકામાં સારવાર કરાવી. ભારત પાછા ફર્યાં પછી ૩ મે ૧૯૮૧ના મુંબઈમાં બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં નરગિસનું નિધન થયું. ચાર દિવસ પછી સાતમી મેના સંજય દત્તની પહેલી ફિલ્મ રોકીના પ્રીમિયર શોમાં નરગિસ માટેની ખુરસી ખાલી રખાયેલી… ખુરસીને અભિનયના પ્રતીક તરીકે જોઈએ તો સિનેમાની સૃષ્ટિમાં આજે પણ એ ખુરસી ખાલી જ છે!