Assembly Election: કોંગ્રેસ વિધાનસભા ચૂંટણી એમવીએના નેતૃત્વમાં લડશે
મુંબઈ: તાજેતરમાં આયોજિત લોકસભા ચૂંટણીમાં મળેલી સફળતાથી ઉત્સાહિત થયેલા કોંગ્રેસ પક્ષે (Congress Paraty) આગામી મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી (Assembly Election) મહારાષ્ટ્ર વિકાસ આઘાડી (MVA)ના હિસ્સા તરીકે લડવાનો નિર્ણય લીધો છે. પાટનગર નવી દિલ્હીમાં ગઈકાલે સાંજે પક્ષના નેતાઓની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું.
મહારાષ્ટ્રમાં એમવીએની જ સરકાર બનવી જોઈએ એ વાત પર ભાર આપવામાં આવ્યો હતો. વિધાનસભા ચૂંટણી માટે પક્ષને યોગ્યતા અનુસાર બેઠકો મળવી જોઈએ અને બેઠક ફાળવણી વહેલી તકે પાર પડવી જોઈએ જેથી ઉમેદવારોને તૈયારી માટે પૂરતો સમય મળી રહે એવો નિર્ણય પણ લેવામાં આવ્યો હતો.
લોકસભા ચૂંટણી વખતે જે ભૂલો થઈ હતી એનું પુનરાવર્તન વિધાનસભા ચૂંટણી વખતે ન થાય એની તકેદારી રાખવા એમવીએના ત્રણ ઘટક સભ્ય – કોંગ્રેસ, શિવસેના (યુબીટી) અને એનસીપી (એસપી) – વચ્ચે સંવાદ થતો રહે એના પર ધ્યાન આપવામાં આવશે.
આ પણ વાંચો : મહારાષ્ટ્ર વિધાનસભાના ચોમાસુ સત્રની પૂર્વસંધ્યાએ વિરોધી ગઠબંધન દ્વારા મુખ્યમંત્રીની ચા પાર્ટીનો બહિષ્કાર
આ બેઠકના અધ્યક્ષસ્થાને કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે તેમજ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને પક્ષના મહામંત્રી કે.સી. વેણુગોપાલ હતા. રાજ્યના ઇન્ચાર્જ રમેશ ચેનીથલા અને રાજ્ય એકમના પ્રમુખ નાના પટોલે સહિત મહારાષ્ટ્રના પક્ષના અગ્રણી નેતાગણએ પણ આ બેઠકમાં હાજરી આપી હતી.
નવી દિલ્હીની બેઠક પૂરી થયા પછી ચેનીથલાએ જણાવ્યું હતું કે ‘એમવીએના નેતૃત્વ હેઠળ કોંગ્રેસ રાજ્ય વિધાનસભાની ચૂંટણી લડશે. આ વખતે મહારાષ્ટ્રમાં એમવીએની સરકાર રચાશે. આજે અમે ચૂંટણી સંદર્ભે નીતિ અને વ્યૂહરચના વિશે ચર્ચા કરી હતી. 14 જુલાઈએ મુંબઈમાં બીજી બેઠકનું આયોજન કરવામાં આવશે જેમાં વિગતવાર ચર્ચા કરવામાં આવશે.’