અમારું લક્ષ્ય લેન્ડસ્લાઈડ ફ્રી મુંબઈ’: એકનાથ શિંદે,જોખમી ઈમારતો અંગેની નીતિ ટૂંક સમયમાં ઘડી કઢાશે
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ શહેરના ભૂસ્ખલન ગ્રસ્ત વિસ્તારોમાં સલામતી જાળીઓ લગાવવાની અમારી પ્રાથમિકતા છે જેથી આ વિસ્તારોનું રક્ષણ થાય અને નાગરિકોના જીવનની કાળજી લેવામાં આવે અને અમે મુંબઈને ભૂસ્ખલનની ઘટનાઓથી મુક્ત બનાવવાનો ધ્યેય રાખીએ છીએ. આ સાથે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ માહિતી આપી હતી કે જોખમી ઈમારતો અંગેની નીતિ મ્હાડા, મ્યુનિસિપલ કોર્પોરેશન, એમઆઈડીસી અને અન્ય સરકારી એજન્સીઓ સાથે મળીને ઘડી કાઢવામાં આવશે. તેમણે એમ પણ કહ્યું કે મુંબઈની બહાર ગયેલા મુંબઈગરાને મુંબઈમાં હકનું ઘર આપવાની અમારી પ્રાથમિકતા છે.
મુખ્યપ્રધાન એકનાથ શિંદેએ બુધવારે બપોરે ઘાટકોપરના અસલ્ફા ગામના હનુમાન ટેકરી વિસ્તારની મુલાકાત લીધી હતી અને પહાડો પર લગાવવામાં આવી રહેલી સુરક્ષા જાળીઓ અને અન્ય રક્ષણાત્મક પગલાંનું નિરીક્ષણ કર્યું હતું. આ પ્રસંગે વિધાનસભ્ય દિલીપ લાંડે, મુંબઈ મહાનગરપાલિકાના કમિશનર ભૂષણ ગગરાણી અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ હાજર હતા.
શિંદેએ જણાવ્યું હતું કે અગાઉ જ્યારે મ્યુનિસિપલ અધિકારીઓએ એક બેઠક યોજી હતી ત્યારે તેમને મુંબઈમાં ક્રેક પ્રોન વિસ્તારોનો સર્વે કરવા માટે કહેવામાં આવ્યું હતું. તે મુજબ મુંબઈમાં કુલ 31 ભેખડો ધસી પડવાની શક્યતા ધરાવતા વિસ્તારો છે. બુધવારે અસલ્ફા ગામની હનુમાન ટેકડી ખાતે સેફ્ટી નેટ લગાવવાની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. આ કામ માટે સ્વિસ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તે ખૂબ જ અત્યાધુનિક રીતે કરવામાં આવી રહ્યું છે. નેટ ખડકની અંદર આઠ મીટર ઊંડે સુરક્ષિત રીતે સ્થાપિત કરવામાં આવી છે. તેનાથી અહીંની સુરક્ષામાં વધારો થશે. મુંબઈમાં તમામ 31 જગ્યાએ આ કામ ચાલી રહ્યું છે. અમારો હેતુ એ છે કે કોઈપણ જગ્યાએ ભૂસ્ખલનની ઘટના ન બને. અમે મુંબઈને ભૂસ્ખલનની ઘટનાઓથી મુક્ત કરવા માગીએ છીએ. તે દિશામાં પ્રયાસો ચાલુ છે.
2001માં 72 લોકોનાં મોત થયા હતા
તેમણે કહ્યું કે 2001માં આ જ હનુમાન ટેકરી પર ભૂસ્ખલનને કારણે 72 લોકોના કમનસીબે મોત થયા હતા. હવે અમે એ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ કે મુંબઈમાં ક્યાંય પણ આવી ઘટનાઓ ન બને. જે રીતે મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર સુરક્ષા જાળીઓ લગાવવામાં આવી હતી તે જ રીતે અહીં પણ લગાવવામાં આવી રહી છે. જેથી નાગરિકોને અહીં વધુ સુરક્ષા મળશે. આ રીતે કોઈના જીવને જોખમ ન રહે તે માટે ટેકરી પર સુરક્ષા જાળી લગાવવામાં આવી છે. મુખ્ય પ્રધાન તરીકે મારી જવાબદારી છે. એટલા માટે મેં આ સ્થળની મુલાકાત લીધી હતી અને તેનું નિરીક્ષણ કર્યું કારણ કે આ સામાન્ય લોકોની સરકાર છે. અહીં હજારો પરિવારો રહે છે. અમને તેમના જીવનની ચિંતા છે એટલે કામ કરી રહ્યા છીએ.
આ પણ વાંચો : આરોપીને જામીન મળ્યા હોય તો પણ તેની સામે કાર્યવાહી કરવામાં આવશે: એકનાથ શિંદે
ડુંગર પર પગપાળા
અસલ્ફા ગામમાં આવેલી હનુમાન ટેકરી ખૂબ જ ગીચ છે. અહીં હજારો પરિવારો રહે છે. જો તમે થોડું પણ ચાલો, તો આ માર્ગ તમને શ્ર્વાસ ચડી જાય એવું ચઢાણ છે. આમ છતાં મુખ્ય પ્રધાન શિંદે તળેટીથી સીધા પગપાળા ચાલીને આ માર્ગે ટેકરી પર પહોંચ્યા હતા અને ટેકરી પર લગાવેલી સુરક્ષા જાળીનું નિરીક્ષણ કર્યું હતું.