ભારતને ગુરુવારે ઇંગ્લૅન્ડ સામે બદલો લેવાનો મોકો
એક જ દિવસે વર્લ્ડ કપની બન્ને સેમિ ફાઇનલ: સાઉથ આફ્રિકાને અફઘાનિસ્તાન આંચકો આપી શકે

જ્યોર્જટાઉન/ટારૌબા: ટી-20 વર્લ્ડ કપમાં ગુરુવાર, 27મી જૂનના એક જ દિવસે બે મેગા મુકાબલાનો (સેમિ ફાઇનલનો) દિવસ છે. સાઉથ આફ્રિકા અને અફઘાનિસ્તાન વચ્ચે (ભારતીય સમય અનુસાર સવારે 6.00 વાગ્યાથી) પહેલી સેમિ ફાઇનલ રમાશે અને ત્યાર બાદ ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચે (રાત્રે 8.00 વાગ્યાથી) બીજો સેમિ ફાઇનલ જંગ શરૂ થશે.
સાઉથ આફ્રિકાને પહેલી જ વખત મોટી આઇસીસી ટ્રોફીની નજીક જવાનો મોકો છે, જ્યારે અફઘાનિસ્તાન ઐતિહાસિક સેમિ ફાઇનલ જીતીને ફાઇનલમાં પહોંચવાનો વધુ એક નવો ઇતિહાસ રચી શકે એમ છે. બીજી બાજુ, ભારતને 2007ના સૌપ્રથમ ટાઇટલ બાદ બીજું ટાઇટલ જીતવાનો ફરી સારો મોકો મળ્યો છે. એ સાથે, ડિફેન્ડિંગ ચૅમ્પિયન ઇંગ્લૅન્ડને સતત બીજી વાર ફાઇનલમાં જવાની તક છે. જોકે 2022ની સેમિ ફાઇનલમાં ભારતે ઇંગ્લૅન્ડ સામે હાર સહેવી પડી હતી એટલે ગુરુવારે બ્રિટિશર્સ સામે એ પરાજયનો બદલો લેવાનો રોહિત શર્મા ઍન્ડ કંપનીને મોકો છે.
કાગળ પર ઇંગ્લૅન્ડ કરતાં ભારતની ટીમ ચડિયાતી છે. જૉસ બટલરની ટીમ મહા મહેનતે સુપર-એઇટમાં પહોંચી હતી. જોકે સેમિ ફાઇનલમાં પહોંચનારી પહેલી જ ટીમ બની હતી. ભારતની બૅટિંગ-તાકાત ઇંગ્લૅન્ડથી ચડિયાતી છે, પરંતુ ગયાનાના મેદાન પર પેસર્સ કરતાં સ્પિનર્સ વધુ સફળ થઈ રહ્યા છે એ જોતાં ભારતનો રિસ્ટ-સ્પેશિયાલિસ્ટ કુલદીપ યાદવ સુપર-એઇટ રાઉન્ડમાં અફઘાનિસ્તાનને (2/32), બંગલાદેશને (3/19) અને ઑસ્ટ્રેલિયાને (2/24) ભારે પડ્યા બાદ હવે ઇંગ્લૅન્ડને પણ પરાજય તરફ ધકેલશે તો નવાઈ નહીં લાગે. ઇંગ્લૅન્ડ પાસે આદિલ રાશિદ છે જે ભારતીય બૅટિંગ લાઇન-અપને ચિંતામાં મૂકી શકે. યાદ રહે, આદિલ બે વાર વિરાટ કોહલી અને સૂર્યકુમાર યાદવને અને એક વાર રોહિત શર્માને આઉટ કરી ચૂક્યો છે.
ઇંગ્લૅન્ડ પાસે બીજા બે સ્પિનર (મોઇન અલી અને ટૉમ હાર્ટલી) પણ છે.
આ પણ વાંચો : વન-ડે વર્લ્ડ કપ ટ્રોફી પર પગ રાખનાર મિચલ માર્શને પડી લાત: ઓસ્ટ્રેલિયા ટી-20 વર્લ્ડ કપમાંથી નાલેશી સાથે બહાર ફેંકાયું
2024ના ટી-20 વર્લ્ડ કપમાં પાકિસ્તાનને પછડાટ આપનાર અમેરિકાની ટીમ નવી શોધ છે તો અફઘાનિસ્તાનની ટીમ નવી ભેટ સમાન છે.
અફઘાનિસ્તાનની ટીમ લડાયક પર્ફોર્મન્સ માટે જાણીતી છે એટલે સાઉથ આફ્રિકા માટે એનો એ અપ્રોચ ડેન્જરસ બની શકે એમ છે. અફઘાનિસ્તાનની ટીમ પાસે અનેક મૅચ-વિનર્સ છે. જેમ કે ખુદ કૅપ્ટન-સ્પિનર રાશિદ ખાન, ઓપનર રહમનુલ્લા ગુરબાઝ તેમ જ પેસ બોલર્સ ફઝલહક ફારુકી, નવીન-ઉલ-હક તથા રિસ્ટ-સ્પિનર નૂર અહમદ તેમ જ ઑલરાઉન્ડર ગુલબદીન નઇબ, મોહમ્મદ નબી, અઝમતુલ્લા ઓમરઝાઇ વગેરે.
ઇંગ્લૅન્ડનો ભૂતપૂર્વ ઓપનર જોનથન ટ્રૉટ અફઘાની ટીમનો હેડ-કોચ છે અને કૅરિબિયન લેજન્ડ બ્રાયન લારાએ બે મહિના પહેલાં અફઘાનિસ્તાનની સેમિ ફાઇનલના પ્રવેશની જે ભવિષ્યવાણી કરી હતી એ સાચી પડતાં રાશિદ ખાન અને તેની ટીમનો ઉત્સાહ બમણો થઈ ગયો છે.
સાઉથ આફ્રિકા માટે ગુરુવારે કપરી કસોટીનો દિવસ છે. 1991માં સાઉથ આફ્રિકાને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પુન: પ્રવેશ મળ્યો ત્યાર બાદ આ દેશની ટીમ ક્યારેય વન-ડે કે ટી-20 વર્લ્ડ કપના ટાઇટલ રાઉન્ડમાં નથી પહોંચી શકી.
સાઉથ આફ્રિકાની મજબૂત બૅટિંગ લાઇન-અપમાં ક્વિન્ટન ડિકૉક, રીઝા હેન્ડ્રિક્સ, હિન્રિચ ક્લાસેન, ડેવિડ મિલર અને ટ્રિસ્ટેન સ્ટબ્સ તેમ જ ઑલરાઉન્ડર માર્કો યેનસેન અને બોલિંગમાં કૅગિસો રબાડા ઉપરાંત એન્રિક નૉકિયા અને સ્પિનર તબ્રેઝ શમ્ઝી છે.