આમચી મુંબઈમહારાષ્ટ્ર

દારૂમાં નશામાં બેને કચડી નાંખનારી મહિલાની અરજી હાઇ કોર્ટે આ કારણ આપી ફગાવી…

મુંબઈઃ દારૂના નશામાં મોંઘીદાટ મર્સિડિઝ કાર ચલાવીને બે જણને ટક્કર મારી તેમના મોત નિપજાવનારી મહિલાની આગોતરા જામીન અરજી બોમ્બે હાઇ કોટ્રની નાગપુર બેન્ચે બુધવારે ફગાવી દીધી હતી. સમજદાર વ્યક્તિ ક્યારેય પણ દારૂના નશામાં ગાડી ચલાવે નહીં, એમ કહેતા હાઇ કોર્ટે મહિલાની જામીન અરજી ફગાવી હતી.

આ પણ વાંચો: પુણેમાં પોર્શે કાર અકસ્માત: સગીર આરોપીને છોડી મૂકવાનો મુંબઈ હાઇ કોર્ટનો આદેશ

જસ્ટિસ ઊર્મિલા જોશી ફાળકેની સિંગલ બેન્ચે અરજી ફગાવતા જણાવ્યું હતું કે કોઇપણ વ્યક્તિને દારૂ પીધા બાદ ગાડી ચલાવવાની પરવાનગી આપી શકાય નહીં આ આ એક ગંભીર બેદરકારી ગણાય. હાઇ કોર્ટ રિતુ માલુ નામની મહિલાની આગોતરા જામીન અરજીની સુનાવણી હાથ ધરી રહી હતી ત્યારે આ ફેંસલો આપ્યો હતો. ફેબ્રુઆરી મહિનામાં દારૂના નશામાં ગાડી ચલાવતા વખતે નાગપુરના રામ-જુલા બ્રિજ પર રિતુ માલુએ ટુ-વ્હિલરને ટક્કર મારી હતી. આ ઘટનામાં ટુ-વ્હિલર પર સવાર બંને જણના મૃત્યુ થયા હતા. હાઇ કોર્ટે નોંધ્યું હતું કે જ્યારે દારૂના નશામાં વાહન ચલાવાય છે ત્યારે અકસ્માત જેવી ઘટના બનવી અપેક્ષિત હોય છે.

આ પણ વાંચો: મુંબઈ હોર્ડિંગ કેસ: મહારાષ્ટ્ર સરકારે આઈપીએસ ઓફિસર કૈસર ખાલિદને સસ્પેન્ડ કર્યા

હાઇ કોર્ટે ફેંસલો આપતા જણાવ્યું હતું કે આ પ્રકારની ઘટનામાં વાહનચાલકને જાણ હોય છે કે દારૂના નશામાં ગાડી ચલાવવાથી અકસ્માત અને મૃત્યુ જેવી ઘટના બની શકે છે. સમજદાર વ્યક્તિ ક્યારેય પણ દારૂના નશામાં વાહન ચલાવી ન શકાય. આરોપી મહિલા ઉચ્ચ શિક્ષિત છે અને એક ઘણા જ નામી કુટુંબથી સંબંધ ધરાવે છે. ઘટના બાદ મહિલા ઘટનાસ્થળેથી નાસી છૂટી હતી અને પોલીસ સમક્ષ એવો દાવો પણ કર્યો હતો કે તે ગાડી ચલાવી રહી નહોતી, આ વાતની પણ હાઇ કોર્ટે ગંભીર નોંધ લીધી હતી.

આ પણ વાંચો: મુંબઇની કોલેજમાં હિજાબ પર પ્રતિબંધ સામે વિદ્યાર્થિનીઓ હાઇ કોર્ટમાં

માલુએ પોતાના બચાવમાં દલીલ કરી હતી કે તેણે મર્યાદિત પ્રમાણમાં દારૂનું સેવન કર્યું હતું અને આ ફક્ત એક અકસ્માત હતો. આ કેસમાં કસ્ટોડિયલ ઇન્ટરોગેશન એટલે કે પોલીસના તાબામાં પૂછપરછ કે ઉલટતપાસની જરૂર ન હોવાની દલીલ પણ માલુએ કરી હતી. જોકે, હાઇ કોર્ટે આરોપી મહિલા એક્ટિવાને ટક્કર મારીને ઘટનાસ્થળેથી ભાગી છૂટી હતી અને કોઇપણ પ્રકારની દયા કે પસ્તાવો દાખવ્યો નહોતો એ વાતની નોંધ લઇ માલુની અરજી ફગાવી દીધી હતી.

શરૂઆતમાં માલુને જામીન આપી દેવામાં આવ્યા હતા, પરંતુ પોલીસે ફરી તેની કસ્ટડીની માગણી કરતા ધરપકડથી બચવા માટે માલુએ હાઇ કોર્ટમાં અરજી કરી હતી. જોકે, હાઇ કોર્ટે આખરે તેની અરજી અમાન્ય કરી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button