વેપાર

ડૉલર સામે રૂપિયામાં પાંચ પૈસાનો સુધારો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં સુધારાતરફી વલણ અને વિશ્ર્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં નરમાઈનું વલણ રહેતાં આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો પાંચ પૈસાના સુધારા સાથે ૮૩.૪૨ના મથાળે બંધ રહ્યો હતો. જોકે, આજે ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ અને ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં વેચવાલીનું દબાણ રહ્યું હોવાથી રૂપિયામાં સુધારો મર્યાદિત રહ્યો હોવાનું ટ્રેડરોએ જણાવ્યું હતું.

આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના ૮૩.૪૭ના બંધ સામે સાધારણ સુધારા સાથે ૮૩.૪૬ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૮૩.૪૮ અને ઉપરમાં ૮૩.૪૧ની રેન્જમાં અથડાઈને અંતે પાંચ પૈસા વધીને ૮૩.૪૨ની સપાટીએ બંધ રહ્યો હતો.

એકંદરે ટ્રેડરોની નજર આગામી ગુરુવારે જાહેર થનારા અમેરિકાના જીડીપીના અંદાજના ડેટા અને શુક્રવારે જાહેર થનારા ફુગાવાના ડેટા પર હોવાથી પાંખા કામકાજો અને વિશ્ર્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં નરમાઈ રહેતાં રૂપિયાના સુધારાને ટેકો મળ્યો હોવાનું બીએનપી પારિબાસનાં વિશ્ર્લેષક અનુજ ચૌધરીએ જણાવતાં ઉમેર્યું હતું કે આગામી ટૂંકા સમયગાળા દરમિયાન ડૉલર સામે રૂપિયામાં ધીમો સુધારો જળવાઈ રહેશે જોકે, ક્રૂડતેલના ભાવમાં વધારો અને મધ્યપૂર્વના દેશોમાં તણાવ વધે તો રૂપિયો દબાણ હેઠળ આવે તેવી શક્યતા પણ નકારી ન શકાય.

આજે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધ સામે ૦.૦૩ ટકા વધીને ૧૦૫.૫૦ આસપાસ ક્વૉટ થઈ રહ્યો હતો. તેમ જ ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. ૬૫૩.૯૭ કરોડની ચોખ્ખી વેચવાલી રહી હોવા છતાં આજે બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે ૭૧૨.૪૪ પૉઈન્ટનો અને ૧૮૩.૪૫ પૉઈન્ટનો ઉછાળો આવ્યો હોવાથી તેમ જ વિશ્ર્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે ૦.૪૮ ટકા ઘટીને બેરલદીઠ ૮૫.૬૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હોવાથી રૂપિયાના સુધારાને ટેકો મળ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button