ખાંડમાં સાંકડી વધઘટે ટકેલું વલણ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
નવી મુંબઈ: મહારાષ્ટ્રની ખાંડ મિલો પર આજે સ્થાનિક તેમ જ દેશાવરોની માગને ટેકે સ્મોલ ગ્રેડની ખાંડના ટેન્ડરોમાં વેપાર ક્વિન્ટલે રૂ. ૧૦ના સુધારા સાથે રૂ. ૩૫૮૦થી ૩૬૩૦માં થયાના અહેવાલ છતાં આજે સ્થાનિક જથ્થાબંધ ખાંડ બજારમાં હાજરમાં રિટેલ સ્તરની તેમ જ સ્ટોકિસ્ટોની ખપપૂરતી માગ તેમ જ નાકા ડિલિવરી ધોરણે પણ ઔદ્યોગિક વપરાશકારોની માગ ખપપૂરતી રહેતાં ભાવમાં ટકેલું વલણ રહ્યું હતું. આજે સ્થાનિકમાં અંદાજે ૨૮થી ૨૯ ટ્રકની આવક સામે સ્ટોકિસ્ટો તથા રિટેલ સ્તરની માગ ખપપૂરતી મર્યાદિત રહેતાં ઉપાડ લગભગ ૨૭થી ૨૮ ટ્રકનો રહ્યો હતો. આમ મર્યાદિત માગ રહેતાં હાજરમાં સ્મોલ તથા મિડિયમ ગ્રેડની ખાંડના વેપાર અનુક્રમે ક્વિન્ટલે રૂ. ૩૭૦૨થી ૩૭૮૫માં અને રૂ. ૩૭૬૨થી ૩૮૯૨માં ગુણવત્તાનુસાર ટકેલા ધોરણે થયા હતા. વધુમાં આજે નાકા ડિલિવરી ધોરણે ઔદ્યોગિક વપરાશકારો તથા સ્થાનિક ડીલરોની માગ પાંખી રહી હોવા છતાં સ્મોલ ગ્રેડની ખાંડના વેપાર ક્વિન્ટલે રૂ. ૩૬૪૫થી ૩૬૭૫માં અને મિડિયમ ગ્રેડની ખાંડના વેપાર ક્વિન્ટલે રૂ. ૩૭૫૫થી ૩૭૮૫માં ગુણવત્તાનુસાર ટકેલા ધોરણે થયાના અહેવાલ હતા.