ઈન્ટરવલ

તમારું નામ પુલવામા હુમલા કેસમાં હોવાનો ફોન આવે તો?

સાયબર સાવધાની -પ્રફુલ શાહ

તમારું નામ ઓસામા બિન લાદેનની ગુપ્ત ડાયરીમાં નીકળ્યું છે. દાઉદ ઇબ્રાહિમના એક ગેંગસ્ટરે તમારું નામ આપ્યું છે. ટ્રેન બ્લાસ્ટસ કેસના એક આરોપીએ સાથીદાર તરીકે તમારો ઉલ્લેખ કર્યો છે. આઠ કરોડના ડ્રગ્સની હેરાફેરીમાં તમારી સંડોવણી હોવાનો આરોપ થયો છે.

ઉપર લખેલાં દઝાડતાં વાકયો કોઇ રોબદાર અવાજમાં મોબાઇલ ટેલિફોન પર કરે તો તમારી હાલત કેવી થઇ જાય? ભલભલાને પરસેવા વળી જાય, ચક્કર આવી જાય કાં બિચારા બેભાન થઇ જાય કાં બ્લડ પ્રેશર એકદમ ઉપર નીચે થઇ જાય. આમ આદમીને ઉપર લખેલી વ્યક્તિઓ કે ઘટનાઓ સાથે શું કામ કે કેવી રીતે સંબંધ હોઇ શકે. એ તો બાપડો એકદમ ગભરાઇ જાય, ઘાંઘો થઇ જાય. કોઇ પણ કેસમાં નિર્દોષ સાબિત થવામાં નેવાના પાણી મોભે ચડાવવા જેવો ઘાટ થાય જ. એમાંય આ તો મહાભયંકર બાબત.

સામાન્યજનોની આ ગભરાટનો લાભ લેનારા-સેંકડો (હજારો કે લાખો પણ હોઇ શકે) માણસો છે.

આવો એક સાચુકલો કિસ્સો જોઇએ. મુંબઇની નજીક આવેલા નવી મુંબઇના સીવુડમાં એન. આર. આઇ. કોમ્પ્લેક્સમાં ૮૩ વર્ષના વડીલ રહે. નામ શરદ પાટીલ.

આ શરદભાઇને ૨૦૨૩ના મે મહિનાના પહેલા અઠવાડિયામાં ફોન આવ્યો. એ સાંભળીને જ એમના હાંજા ગગડી ગયા. એમને કહેવાયું “પુલવામા હુમલા કેસમાં તમારી સામે ગુનો નોંધાયો છે. સાથોસાથ દેશદ્રોહ અને ડ્રગ્સની દાણચોરીમાંય આપ ફરાર આરોપી છે.

પુલવામા હુમલો ? ૨૦૧૯ની ૧૪મી ફેબ્રુઆરીએ જમ્મુ અને કાશ્મીરમાં થયેલો સૌથી ભયંકર આતંકવાદી હુમલો. આમાં જૈશ-એ-મોહમ્મદના આતંકવાદી સ્યુસાઇડ બૉમ્બર બનીને ૧૦૦ કિલોગ્રામ વિસ્ફોટક સાથે પુલવામામાં એક બસ સાથે અથડાયો હતો. આમાં કેન્દ્રીય અનામત પોલીસ દળ (સી.આર.પી.એફ.)ના ૪૦ જવાનો શહીદ થયા હતા. દેશ અને દુનિયાને આ આક્રમણે હચમચાવી નાખ્યા હતા. આને પગલે શું થયું એ પણ વધુ જાણીતું છે.

પરંતુ ૮૩ વયના નિવૃત્ત શરદભાઉને આવા કરતૂતમાં પોતાની સંડોવણી નીકળ્યાનો આઘાત લાગ્યો. તેમની સ્પષ્ટતા કે દલીલ સાંભળ્યા વગર સામેથી દમદાટીના સ્વરમાં કહેવાયું કે ધરપકડ નિશ્ર્ચિત છે. પણ એનાથી બચવું હશે તો રોકડા ઢીલા કરવા પડશે.

આ ઉંમરે ધરપકડ, જેલવાસ અને સમાજમાં બદનામીના ડરે પાટીલ સાહેબ ઢીલા પડી ગયા. બબ્બે જણે તેમની સાથે એવી રીતે વાત કરી કે આ વડીલનું મગજ બહેર મારી ગયું. આ ખોટા આરોપ અને આફતમાં બચવાની દિશામાં તેમનું મગજ કામે લાગી ગયું.

સામેથી ફોન કરનારાઓએ જ ધરપકડથી બચવા માટે પેમેન્ટ કરવાનો વિકલ્પ આપ્યો હતો. એ જાળમાં શરદ પાટીલ સપડાઇ ગયા. તેઓ જેમ તેમ કરીને રકમ મોકલવા માંડયા એમ સામેથી માંગણી વધતી ગઇ. થોડા દિવસોમાં જ પાટીલ સાહેબ અલગ અલગ બૅન્ક ખાતામાં રૂપિયા ૩૨ લાખ ટ્રાન્સફર કરી દીધા. કલ્પના કરો કે આ સામાન્ય માનવી માટે રૂ. ૩૨ લાખ એટલે શું કહેવાય? આમ છતાં લાલચુ ઠગોને ધરવ ન થયો. પણ હવે વધુ પૈસા કાઢવા કયાંથી?

આ ઉપરાંત હવે શરદ પાટીલને શંકા ય જવા માંડી કે પોતાનું નામ કોઇ ગંભીર કેસમાં આવ્યું જ નથી પણ આ માત્ર છેતરપિંડી કરાતી લાગે છે.

અંતે શરદભાઉએ મુંબઇ પોલીસની સાયબર સેલમાં ફરિયાદ કરી.બે નામ ચહેરા સરનામા વગરના આરોપીઓ સામે પોલીસે તપાસ હાથ ધરી. પોલીસ પાસે એમના મોબાઇલ ફોન નંબર અને જે બૅન્કોમાં રકમ મોકલાઇ એની વિગત સિવાય કંઇ નહોતું.

A.T.P. (ઑલ ટાઇમ પાસવર્ડ)
બને તો અજાણ્યો ફોન ન ઉપાડવો. ઉપાડો તો સામેવાળાની વાત સાંભળીને હસી કાઢવું કાં એને ખખડાવી નાખવો. ૯૯.૯૯ ટકા કેસમાં ફોન ખોટા જ હશે. હિંમત હાર્યા તો ફસાયા સમજો. સાયબર ક્રાઇમની દુનિયામાં એક જ મંત્ર તે ફોર્મ્યુલા છે : અવિશ્ર્વાસ.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત આ કારણોએ સિતારાઓની સ્મોકિંગ છોડાવી, તમે પણ છોડી દો પિતૃ પક્ષ દરમિયાન તુલસી સાથે જોડાયેલી આ ત્રણ ભૂલો ના કરતા નવરાત્રીના નવ રંગોની સૂચિ