કૉંગ્રેસ ઓમ બિરલાની જીતને નહીં રોકી શકે
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ
નવી લોકસભાના પહેલા સત્રનો પ્રારંભ થઈ ગયો છે અને ધારણા પ્રમાણે જ પહેલા સત્રથી જ ભાજપ અને કોંગ્રેસની આગેવાની હેઠળના વિપક્ષો વચ્ચે ઘર્ષણ શરૂ થઈ ગયું છે. લોકસભા સ્પીકરનની ચૂંટણી ઘર્ષણનો પહેલો મુદ્દો બન્યો છે. આઝાદી પછી અત્યાર સુધી દરેક વાર લોકસભાના સ્પીકરની પસંદગી સર્વસંમતિથી થતી પણ ભાજપ અને કોંગ્રેસના ઘર્ષણના કારણે આ વખતે દેશના ઈતિહાસમાં પ્રથમ વખત સ્પીકર પદ માટે ચૂંટણી યોજાશે. આ ચૂંટણીમાં ઓમ બિરલા ભાજપના નેતૃત્વ હેઠળના એનડીએ તરફથી સ્પીકરપદના ઉમેદવાર હશે, જ્યારે કેરળના કોંગ્રેસી સાંસદ કે. સુરેશને ઈન્ડિયા મોરચાના ઉમેદવાર બનાવવામાં
આવ્યા છે.
સુરેશ કેરળમાંથી આઠ વાર લોકસભામાં ચૂંટાયા છે અને સૌથી સીનિયર સાંસદ છે. બિરલા અને સુરેશ બંનેએ ઉમેદવારી નોંધાવી દીધી છે પણ હજુય સર્વસંમતિના પ્રયાસો ચાલુ છે એટલે છેલ્લી ઘડી લગી શું થશે એ કહેવાય નહીં. નક્કી કરેલા કાર્યક્રમ પ્રમાણે બુધવારે લોકસભાના સ્પીકર પદ માટે ચૂંટણી થવાની છે પણ વિપક્ષો અને ભાજપ વચ્ચે સમાધાન થઈ જાય તો લોકસભાના સ્પીકરની વરણી સર્વસંમતિથી થઈ જવાની પરંપરા જળવાઈ જાય એવું પણ બને.
ભાજપ અને કોંગ્રેસની આગેવાની હેઠળના વિપક્ષો વચ્ચે આંટી પડી તેનુ કારણ ડેપ્યુટી સ્પીકરપદ છે. તંદુરસ્ત લોકશાહી પરંપરાના ભાગરૂપે સ્પીકરપદે શાસક પક્ષ કે મોરચાના સાંસદ બેસે અને ડેપ્યુટી સ્પીકરપદ વિપક્ષના નેતાને મળે એવું બનતું પણ છેલ્લાં કેટલાંક વરસોથી આ પરંપરા તૂટી છે. બલકે સ્પષ્ટ રીતે કહીએ તો ભાજપ સત્તામાં આવ્યો અને નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા પછી આ પરંપરા તૂટી. મોદીએ ૨૦૧૪થી ૨૦૧૯ દરમિયાન પોતાના સાથી પક્ષ એઆઈએડીએમકેના થામ્બીદુરાઈને નાયબ સ્પીકર બનાવ્યા હતા. ૨૦૧૯માં તો તેમણે કોઈને ડેપ્યુટી સ્પીકર જ નહોતા બનાવ્યા અને પાંચ વર્ષ લોકસભાએ ડેપ્યુટી સ્પીકર વિના જ કાઢી નાંખ્યા.
કોંગ્રેસે આ વખતે શરત મૂકી છે કે, સ્પીકરપદે ભાજપના કે ભાજપના સાક્ષી પક્ષના કોઈ સાંસદ હોય પણ ડેપ્યુટી સ્પીકરપદ વિપક્ષને મળે તો વિપક્ષ એનડીએના ઉમેદવારને ટેકો આપીને સ્પીકરની બિનહરીફ વરણીની પરંપરાને નિભાવવા તૈયાર છે પણ ભાજપ ડેપ્યુટી સ્પીકરપદ વિપક્ષોને આપવા તૈયાર નથી.
લોકસભાની ચૂંટણીમાં સ્પષ્ટ બહુમતી ના મળતાં ઢીલાઢફ થઈ ગયેલા નરેન્દ્ર મોદી હવે અમિત શાહને બદલે રાજનાથસિંહને બધે આગળ કરે છે. સ્પીકરની વરણી સર્વસંમતિથી કરવા માટે કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેને રાજનાથ સિંહે ફોન કરેલો પણ ખડગેએ સ્પષ્ટ રીતે કે, વિપક્ષને ડેપ્યુટી સ્પીકરનું પદ મળતું હોય તો અમે સ્પીકરપદે ભાજપના ઉમેદવારનું સમર્થન કરવા તૈયાર છીએ. કોંગ્રેસનું કહેવું છે કે, રાજનાથ સિંહે ફરી ફોન કરવાની વાત કરી હતી પણ હજુ સુધી ફોન આવ્યો નથી. કોંગ્રેસના સાંસદ કેસી વેણુગોપાલ અને ડીએમકેના ટીઆર બાલુ રાજનાથને મળ્યા હતા પણ ડેપ્યુટી સ્પીકર મુદ્દે કોઈ જવાબ ન મળતા તેઓ રાજનાથની ઓફિસેથી ધોયેલા મૂળાની જેમ પાછા ફર્યા હતા.
બીજી તરફ રાજનાથ સિંહે દાવો કર્યો છે કે, મેં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને સ્પીકર પદ માટે સમર્થન આપવા માટે ત્રણ વખત ફોન પર વાત કરી પણ વિપક્ષો શરતો મૂકી રહ્યા છે. અમિત શાહ અને જેપી નડ્ડાએ પણ વિપક્ષને સમજાવવાનો પ્રયાસ કર્યો પણ કોઈ ફાયદો થયો નથી. રાજનાથના દાવાના પગલે કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ અને લલન સિંહે કોંગ્રેસ પર શરતો મૂકવાનો આક્ષેપ કર્યો છે. બંનેનો દાવો છે કે, સરકાર ડેપ્યુટી સ્પીકરની ચૂંટણી વખતે વિપક્ષની માંગણીઓ પર ચર્ચા કરવા તૈયાર છે પણ કોંગ્રેસ આ વાત સાંભળવા તૈયાર નથી. ટૂંકમાં કોંગ્રેસ અને ભાજપ બંને મમતે ચડ્યાં છે તેમાં કોકડું ગૂંચવાયું છે અને બુધવાર સવાર સુધીમાં કોઈ સમાધાન ના થાય તો ચૂંટણી થશે એ નક્કી છે.
ચૂંટણી થાય તો ભાજપના ઉમેદવાર ઓમ બિરલાનું પલ્લુ ભારે છે એ પણ સ્પષ્ટ છે ને તેમની જીત સામે ભીંતે લખાયેલી છે. લોકસભાની નંબર ગેમમાં ભાજપ બહુ આગળ છે. ૨૦૧૪ અને ૨૦૧૯ની સરખામણીમાં આ વખતે ભાજપની બેઠકો ઓછી છે. એનડીએની આગેવાની કરી રહેલા ભાજપ ૨૪૦ બેઠકો છે અને સંપૂર્ણ બહુમતી માટે જરૂરી ૨૭૨ના જાદુઈ આંકડામાં ૩૨ મત ઓછા છે પણ સામે લોકસભામાં એનડીએનું સંખ્યાબળ ૨૯૩ છે તેથી ઓમ બિરલા સરળતાથી જીતી જશે.
વિપક્ષમાં કોંગ્રેસે ૯૯ બેઠકો જીતી હતી, પરંતુ રાહુલ ગાંધી બે બેઠકો પરથી જીત્યા હતા તેથી સાંસદોની સંખ્યા ૯૮ હતી. રાહુલે વાયનાડ સીટ છોડી દીધી છે તેથી કોંગ્રેસની બેઠકો હવે ૯૮ થઈ ગઈ છે. કોંગ્રેસના નેતૃત્વ હેઠળના ઈન્ડિયા બ્લોકમાં ૨૩૩ સાંસદો છે. સાત અપક્ષ સહિત અન્ય ૧૬ લોકો પણ ચૂંટણી જીતીને સંસદમાં પહોંચ્યા છે અને એ બધા ટેકો આપે તો પણ વિપક્ષોનો સંઘ ૨૫૦ બેઠકોને પાર કરી શકે તેમ નથી.
વિપક્ષમાં પણ ડખા ઓછા નથી. ડીએમકે, શિવસેના, શરદ પવાર (એનસીપી) સહિતના ઈન્ડિયા મોરચાના મુખ્ય પક્ષોએ કે. સુરેશના ઉમેદવારીને ટેકો આપેલો પણ તૃણમૂલ કોંગ્રેસે સહી નથી કરી. ટીએમસીનું કહેવું છે કે લોકસભા સ્પીકર પદ માટે ઈન્ડિયા મોરચાના ઉમેદવારને મેદાનમાં ઉતારવા અંગે ટીએમસી સાથે કોઈ ચર્ચા કરવામાં આવી નથી કે તેની કોઈ સલાહ લેવામાં આવી નથી. સુરેશના નામની જાહેરાત કરતાં પહેલાં નિવેદન આપતા પહેલા ઈન્ડિયા મોરચા નેતાઓ સાથે કોઇ પરામર્શ કરવામાં આવ્યો ન હતો કે સામૂહિક નિર્ણય લેવામાં આવ્યો નથી. તૃણમૂલનું વલણ જોતાં એ મતદાનથી દૂર રહે એવી શક્યતા નકારી ના શકાય એ જોતાં બિરલાની જીત પાકી છે.
રાજસ્થાનના કોટાના સાંસદ ઓમ બિરલા ૨૦૧૯ થી ૨૦૨૪ સુધી સ્પીકર પાંચ વર્ષ માટે સ્પીકર રહ્યા હત. હવે ફરી જીતશે તો સતત બીજી વખત લોકસભા સ્પીકર પદ સંભાળનારા ભાજપના પ્રથમ સાંસદ બનશે. બિરલા પાંચ વર્ષનો તેમનો કાર્યકાળ પૂરો કરશે તો કોંગ્રેસના બલરામ જાખડના રેકોર્ડની બરાબરી કરશે. બલરામ જાખડ ૧૯૮૦ થી ૧૯૮૫ અને ૧૯૮૫ થી ૧૯૮૯ સુધી સતત બે વાર લોકસભાના સ્પીકર રહી ચુક્યા છે અને પાંચ વર્ષની બંને મુદત પૂરી કરી હતી. જીએમસી બાલયોગી અને પીએ સંગમા પણ બે વખત લોકસભા સ્પીકર બન્યા પણ ૫ વર્ષનો કાર્યકાળ પૂરો કરી શક્યા નહોતા.