મહારાષ્ટ્ર કરશે મધ્ય પ્રદેશનું અનુકરણ,મધ્યપ્રદેશના ધોરણે ગરીબ મહિલાઓને દર મહિને 1500 રૂપિયા આપવાની એકનાથ શિંદેનો વિચાર
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: લોકસભાની ચૂંટણીમાં હાર બાદ રાજ્યમાં મહાયુતિ સરકારે આગામી વિધાનસભાની ચૂંટણીમાં વિજય માટે કમર કસી છે અને તેના ભાગરૂપે મધ્યપ્રદેશની જેમ મહારાષ્ટ્રમાં પણ ગરીબ મહિલાઓ માટે મુખ્યમંત્રી લાડકી બહેન યોજના લાગુ કરવાની હિલચાલ ચાલી રહી છે. આ યોજનામાં ગરીબ મહિલાઓને દર મહિને રૂ. 1500 સુધીની રકમ સીધા તેમના ખાતામાં નાખવામાં આવશે. મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું કે આનાથી સરકારી તિજોરી પર વાર્ષિક 15 થી 20 હજાર કરોડનો આર્થિક બોજ પડશે.
મહાયુતિ સરકાર આગામી વિધાનસભાની ચૂંટણી જીતવા માટે કમર કસી રહી છે. તે માટે સમાજના વિવિધ વર્ગો માટે નવી આકર્ષક યોજનાઓ લાવવાની તૈયારી ચાલી રહી છે. ખાસ કરીને મહિલા અને યુવા વોટ બેંકને આકર્ષવા માટે બે મોટી યોજનાઓ બનાવવામાં આવી રહી છે. રાજ્યમાં મહિલાઓના દિલ અને મત જીતવા માટે મધ્યપ્રદેશના ધોરણે રાજ્યમાં મુખ્યમંત્રી લાડકી બહેન યોજના અમલમાં મૂકવાનો વિચાર છે.
આ પણ વાંચો : ડ્રગ્સને લગતા ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ચલાવો, મુખ્યપ્રધાન એકનાથ શિંદેએ પુણે પોલીસ કમિશનરને આપ્યા નિર્દેશ
અહીં ઉલ્લેખનીય છે કે મધ્ય પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણે આ યોજના અમલમાં મૂકી હતી અને તેને કારણે ભારે નકારાત્મક વાતાવરણ વચ્ચે પણ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની સરકારનું પુનરાવર્તન થયું હતું. આ જ બાબત પરથી પ્રેરણા મેળવીની સરકારે તાજેતરમાં જ આ યોજના અંગે જાણકારી મેળવવા માટે અધિકારીઓની એક ટીમ મધ્યપ્રદેશ મોકલી હતી.
આ ટીમે યોજનાનો અભ્યાસ કર્યા બાદ એવું જાણવા મળ્યું છે કે ‘મુખ્યમંત્રીની લાડકી બહેન’ યોજના તૈયાર કરવાનું કામ ચાલી રહ્યું છે. તેની જાહેરાત વિધાનસભાના ચોમાસુ સત્રમાં કરવામાં આવે એવી પણ શક્યતા વ્યક્ત થઈ રહી છે.
શિવરાજ સિંહની યોજના
ગયા વર્ષે યોજાયેલી વિધાનસભાની ચૂંટણી પહેલા મધ્યપ્રદેશના તત્કાલિન મુખ્ય પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણે મુખ્યમંત્રી લાડલી બહના યોજના રજૂ કરી હતી. તે ચૂંટણીમાં ભાજપે તમામ આગાહીઓને નકારીને રાજ્યમાં ફરીથી બહુમતી મેળવી હતી. તાજેતરમાં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં પણ મધ્યપ્રદેશમાં 29માંથી 29 બેઠકો ભાજપે કબજે કરી હતી. આ બંને જીત પાછળ ‘લાડલી બહના યોજના’ મુખ્ય હોવાનું માનવામાં આવે છે. હવે શિંદે સરકારે રાજ્યમાં આ મોડલ લાગુ કરવાની તૈયારી કરી લીધી છે.
શું છે યોજના?
- મહિલાઓની આર્થિક સ્વતંત્રતા તેમજ તેમના સ્વાસ્થ્યની કાળજી લેતી વખતે ગરીબ મહિલાઓ માટે આર્થિક સ્વાવલંબન યોજના.
- પ્રથમ તબક્કામાં ગરીબી રેખા નીચેની 90 થી 95 લાખ મહિલાઓને દર મહિને 1200 થી 1500 રૂપિયા.
- 21 થી 60 વર્ષની ગરીબી રેખા નીચેની મહિલાઓ તેમજ વિધવાઓ, વિધવાઓ, છૂટાછેડા લેનારને લાભ.
- દર મહિને લાભાર્થીના બેંક ખાતામાં સીધી જમા કરવામાં આવતી રકમ.