અમદવાદમાં બેકાબુ ઈલેક્ટ્રિક કારે પાંચ લોકોને ટક્કર મારી, વ્હીલ નીચે કચડતા એકનું મોત
અમદાવાદ: શહેરના વાડજ વિસ્તારમાં ગઈ કાલે સાંજે એક ગમખ્વાર રોડ અકસ્માત(Accident in Ahmedabad) સર્જાયો હતો. એક કારે પાંચ થી છ લોકોને ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો, આ અકસ્માતમાં એકનું મોત થયું છે, પાંચ લોકો ઘાયલ થયા છે. આ સમગ્ર ઘટનાનો જેનો CCTV વીડિયો પણ સામે આવ્યો છે.
મળતી માહિતી મુજબ શહેરના જુના વાડજ સર્કલ પાસે ગઈ કાલે સોમવારે સાંજે આ અકસ્માત સર્જાયો હતો. એક વૃદ્ધ ઇલેક્ટ્રિક કાર ચલાવી અહીંથી પસાર થઇ રહ્યો હતો ત્યારે, તેમણે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો, ત્યાર બાદ બેકાબુ થયેલી કારે પાંચ થી છ લોકો અડફેટે લીધા હતા. તમામ ઈજાગ્રસ્તોને હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતા, જેમાંથી એકનું મોત નીપજ્યું છે, બે લોકોને ગંભીર ઇજા પહોંચી છે. આ મામલે ટ્રાફિક પોલીસે કાર ચાલક વૃદ્ધની અટકાયત કરીને તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો : ટૂંક સમયમાં ગાંધીનગર અને અમદવાદ વચ્ચે મેટ્રો દોડશે, બીજા તબક્કાની ટ્રાયલ રન શરૂ
પૂરપાર વેગે આવતી કાર ત્રણ ટુવ્હિલર અને એક રીક્ષા સાથે અથડાઈ હતી, ત્યારબાદ કાર થોડી આગળ જઈને ઉભી રહી ગઈ હતી. ટુ વ્હીલર પર સવાર ત્રણ વ્યક્તિઓ અને રીક્ષા ચાલક તથા તેમાં સવાર બે મુસાફરો રોડ પર પટકાયા હતા. એવામ બે લોકો પરથી કારનું ટાયર ફળી વળતા તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. તમામ ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. જેમાં સારવાર દરમિયાન એકનું મોત થયું હતું.
રાહદારીઓએ કાર ચાલકને પકડી લીધો હતો, ત્યાર બાદ તેને પોલીસને સોંપી દેવામાં આવ્યો હતો. 73 વર્ષીય કાર ચાલકની ઓળખ રમણ પટેલ તરીકે થઇ છે. ડ્રાઈવર અમદાવાદના થલતેજથી સોરાબજી મિલ કમ્પાઉન્ડ તરફ જઈ રહ્યો હતો અને સ્પીડ વધુ હોવાને કારણે તે વાહન પર કાબૂ રાખી શક્યો ન હતો.