તરોતાઝા

હાડકાં અને ચામડીનો રક્ષક જળ બ્રાહ્મી

ફોકસ – રેખા દેશરાજ

જલ બ્રાહ્મી કે ગોટુ કોલા એક બારમાસી છોડ છે, જે સુંગધી પાનવાળી એક વિલાયતી વનસ્પતિ પરિવારનો સભ્ય છે. આજકાલ, સમગ્ર વિશ્વમાં ગોટુ કોલા વિશે ખૂબ ચર્ચા થઈ રહી છે કારણ કે હાલના દિવસોમાં, કેટલીક પસંદગીની ઔષધિઓ, જે આંતરરાષ્ટ્રીય સ્તરે તેના ફાયદાઓથી લોકોને આશ્ચર્યચકિત કરી રહી છે, તેમાંની એક છે જલ બ્રાહ્મી અથવા ગોટુ કોલા. તેમાં વિટામિન બી, વિટામિન સી, પ્રોટીન અને ટેનિન જેવા ઘણાં મહત્ત્વપૂર્ણ તત્ત્વો મળી આવે છે.

હર્બલ એક્સપર્ટ્સનું કહેવું છે કે, જો તમે તમારી ત્વચાની કુદરતી રીતે કાળજી લેવા માગતા હોવ તો તમારા સ્કિન કેર રૂટિનમાં ગોટૂ કોલાનો સમાવેશ કરો. કેટલાક લોકો હાડકા સંબંધિત સમસ્યાઓમાં તેને જબરદસ્ત ફાયદાકારક માને છે. કહેવાનો મતલબ એ છે કે ગોટુ કોલાની લોકપ્રિયતા પાછળ માત્ર એક જ નહીં પરંતુ ઘણાં કારણો છે, પરંતુ ગોટુ કોલાના આ ફાયદાઓ જાણતા પહેલા એ જાણવું જરી છે કે ગોટુ કોલા છે શું?

ખૂબ જ ફાયદાકારક ઔષધિ
ગોટુ કોલાના પાંદડા નાના-મોટા પીછાંના આકારના હોય છે અને તેમાં સફેદ અને આછા જાંબલી રંગના ફૂલો આવે છે. તેનું વૈજ્ઞાનિક નામ સેંટેલા એશિયાટિકા છે. તેમાં ખૂબ જ નાના અંડાકાર ફળ આવે છે. જેના સ્વાસ્થ્ય માટે અનેક ઉપયોગો છે.

તળાવના કિનારે, તળાવની અંદર અને અન્ય ઘણી ભેજવાળી જગ્યાઓ પર ગોટુ કોલા હર્બલ જોવા મળે છે. તેનો ઉપયોગ ઘણા રોગોમાં થાય છે, પરંતુ તે વ્યક્તિની બુદ્ધિ વધારવા માટે સૌથી વધુ જાણીતું છે. ભારત, ચીન અને ઇન્ડોનેશિયા જેવા દેશોમાં હજારો વર્ષોથી ગોટુ કોલા કે સેંટેલા એશિયાટિકાનો ઉપયોગ વિવિધ સ્થાનિક ઉપચાર તરીકે કરવામાં આવે છે. તેનો ઉપયોગ મોટે ભાગે ઘાને ઠીક કરવા, માનસિક મંદતા દૂર કરવા, લેપ્રોસી અને સોરાયસિસ જેવા ત્વચા સંબંધી રોગના ઉપચાર માટે થાય છે. તેને દક્ષિણ ભારતની બ્રાહ્મી તરીકે પણ ઓળખવામાં આવે છે.

ત્વચા રક્ષક
ગોટુ કોલા સૌંદર્ય વધારવા માટે ખૂબ ઉપયોગી છે. તે કુદરતી એન્ટી ઇન્ફ્લેમેટ્રી છે. ગોટુ કોલા પર્યાવરણમાં ફેલાયેલા મુક્ત કણોને કારણે થતા નુકસાનથી ત્વચાને રક્ષણ આપે છે. તે ત્વચાનો કુદરતી ભેજ જાળવી રાખે છે અને વધુ પડતી ગરમી કે ઠંડીને કારણે થતો સોજો, લાલાશ, ચકામાં વગેરેને દૂર કરવામાં મદદ કરે છે. તે ત્વચામાં કોલેજનને સાચવે છે, જેના કારણે ત્વચા મુલાયમ રહે છે. ગોટુ કોલાને કરચલીનો દુશ્મન પણ માનવામાં આવે છે. ગોટુ કોલાનો નિયમિત ઉપયોગ કરવાથી ત્વચામાં કરચલીઓ જેવાં લક્ષણો ઓછાં દેખાય છે. તેમજ ગોટુ કોલાનો નિયમિત ઉપયોગ ત્વચામાં કુદરતી મોઇશ્ચર જાળવી રાખે છે.

ઇન્ફેક્શન સામે બચાવ
ગોટુ કોલામાં એન્ટિસેપ્ટિક ગુણ હોય છે. તેથી, તેનો ઉપયોગ ત્વચાને વિવિધ પ્રકારના ચેપથી બચાવે છે. ગોટુ કોલાના નિયમિત ઉપયોગથી
ત્વચામાં થયેલા ઘા ખૂબ જ ઝડપથી રૂઝાય છે.
વાસ્તવમાં, ગોટુ કોલાનો ઉપયોગ ઘામાં રક્ત પરિભ્રમણને વધારે છે, જેને કારણે રૂઝ આવવાની પ્રક્રિયાને ઝડપી બને છે. તેનાથી તણાવ પણ ઓછો થાય છે, કારણ કે તેમાં એન્ટીઓક્સિડેન્ટ ભરપૂર માત્રામાં જોવા મળે છે. આ કારણે, તે ઓક્સિડેટીવ તણાવને પળવારમાં દૂર કરે છે. જે લોકોને અકાળે વૃદ્ધ દેખાવાની સમસ્યા હોય તેમણે હર્બલ એક્સપર્ટની દેખરેખ હેઠળ ગોટુ કોલાનો ઉપયોગ કરવો જોઈએ.

પોર્સ ક્લીનર
ગોટુ કોલા તેના ઉત્કૃષ્ટ ડિટોક્સિફાઇંગ પ્રોપર્ટીઝ માટે પણ જાણીતું છે. તેના ઉપયોગથી ત્વચા સ્વચ્છ થવાની સાથે સાથે ત્વચામાં રહેલા હાનિકારક ઝેરી તત્ત્વો પણ દૂર થાય છે. ગોટુ કોલાની એસ્ટે્રંજમેન્ટ પ્રોપર્ટીઝને કારણે, તે ચહેરા પર હાજર બિનજરૂરી તેલને દૂર કરે છે અને છિદ્રોને સારી રીતે સાફ કરે છે, જેના કારણે ચહેરો ખૂબ જ નિખરી આવે છે. તેનો નિયમિતપણે અને નિષ્ણાતની દેખરેખ હેઠળ કરેલો ઉપયોગ માનસિક સ્પષ્ટતા પણ સુધારે છે. તે આપણી વિચારવાની ક્ષમતાને તાજી કરે છે અને લેપ્રોસીના કિસ્સામાં, તે લેપ્રોસીને વધતા અટકાવાની સાથે તેને દૂર કરવાનું પણ કામ કરે છે.

પરંતુ કેટલાક નિષ્ણાતોના મતે જાણ્યા-સમજ્યા વગર તેનો ઉપયોગ કરવાથી બ્લડપ્રેશર વધે છે. તેને ઘણી જગ્યાએ મંડુકપર્ણી પણ કહેવામાં આવે છે. તે શરીરમાં વધુ પડતો કફ ઓછો કરે છે અને પિત્ત માટે ટોનિક છે.

તે આર્થરાઈટિસમાં પણ અસરકારક છે અને તેની એન્ટીઑકિસડન્ટ અસરને કારણે તેની આપણી રોગપ્રતિકારક શક્તિ પર પણ સકારાત્મક અસર રહે છે, પરંતુ ગોટુ કોલાનો ઉપયોગ હંમેશાં નિષ્ણાતની દેખરેખ હેઠળ કરવો જોઈએ. પુખ્ત વયના લોકો 4 થી 12 મહિના સુધી દરરોજ 60 મિલિગ્રામથી 450 મિલિગ્રામ સુધી તેનો અર્ક લઈ શકે છે. આ ઉપરાંત, તેનો ઉપયોગ ક્રીમ, જેલ અને મલમના રૂપમાં પણ થાય છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button