શેર બજાર

સેન્સેક્સ નીચી સપાટી સામે 600ની જમ્પ સાથે પોઝિટિવ ઝોનમાં આગળ વધ્યો, નિફ્ટી 23,530ની સપાટીએ ગોઠવાયો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: સપ્તાહના પહેલા દિવસે અફડાતફડીમાંથી પસાર થયા બાદ સેન્સેક્સ નીચી સપાટી સામે 600 પોઇન્ટની જમ્પ લગાવીને સાધારણ સુધારા સાથે પોઝિટિવ ઝોનમાં આગળ વધ્યો હતો. બેન્ચમાર્કને યુરોપિયન બજારોમાં મજબૂત શરૂઆતને કારણે સુધરેલા સેન્ટિમેન્ટ વચ્ચે ખાસ કરીને બેન્ક શેરોમાં લેવાલીની બદોલત નીચી સપાટીથી પાછાં ફરવામાં મદદ મળી હતી.

બીએસઇનો 30 શેરવાળો મુખ્ય બેન્ચમાર્ક ઈન્ડેક્સ સેન્સેક્સ 131.18 પોઈન્ટ અથવા 0.17 ટકા વધીને 77,341.08 પોઇન્ટના સ્તર પર સ્થિર થયો છે. પ્રારંભિક સત્રમાં બેન્ચમાર્ક 463.96 પોઈન્ટ અથવા 0.60 ટકા ગબડીને 76,745.94 પોઇન્ટની નીચી સપાટીને અથડાયો હતો. બાદમાં, તે બાઉન્સ બેક થયો અને દિવસ દરમિયાન 213.12 પોઈન્ટ અથવા 0.27 ટકા વધીને 77,423.02 પોઇન્ટ સુધી પહોંચ્યો હતો. જ્યારે નિફ્ટી 36.75 પોઈન્ટ અથવા 0.16 ટકા વધીને 23,537.85 પોઇન્ટ પર સેટલ થયો હતો.

સેન્સેક્સની 30 કંપનીઓમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, પાવર ગ્રીડ, સન ફાર્મા, નેસ્લે, અલ્ટ્રાટેક સિમેન્ટ, એનટીપીસી, આઈટીસી, આઈસીઆઈસીઆઈ બેંક, ટાઈટન, બજાજ ફિનસર્વ, ભારતી એરટેલ અને એચડીએફસી બેંક સૌથી વધુ વધનારા શેરોની યાદીમાં હતા, જ્યારે ઇન્ડસઇન્ડ બેન્ક, અદાણી પોર્ટ્સ, ટાટા સ્ટીલ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, એક્સિસ બેન્ક અને બજાજ ફાઇનાન્સ ટોચના ઘટનારા શેરોમાં હતા.

એસએન્ડપી ગ્લોબલ રેટિગ્સે સોમવારે ચાલુ નાણાકીય વર્ષ માટે ભારતના જીડીપીની વૃદ્ધિના અંદાજને 6.8 ટકા પર જાળવી રાખ્યો હતો અને કહ્યું હતું કે ઊંચા વ્યાજ દરો અને નીચા રાજકોષીય ખર્ચની માગ પર અસર થશે. એશિયા પેસિફિક માટેના તેના આર્થિક દૃષ્ટિકોણમાં, એસએન્ડપી ગ્લોબલ રેટિગ્સે જણાવ્યું હતું કે 2023-24ના નાણાકીય વર્ષમાં અર્થતંત્રની 8.2 ટકા વૃદ્ધિ સાથે ભારતીય અર્થતંત્ર આશ્ચર્ય સર્જી રહ્યું છે.

એશિયન બજારોમાં, સિઓલ, શાંઘાઈ અને હોંગકોંગ નીચા મથાળે સ્થિર થયા હતા, જ્યારે ટોક્યોિ પોઝિટિવ ઝોનમાં બંધ થયું હતું. યુરોપિયન બજારોમાં ખૂલતા સત્રમાં તેજીનો પવન ફૂંકાયો હોવાના અહેવાલ હતા. શુક્રવારે અમરિકાના બજારો મોટાભાગે નીચા માળે બંધ રહ્યા હતા.

એક્સચેન્જ ડેટા અનુસાર, પાછલા સપ્તાહમાં કેટલાક સત્રમાં સારી લેવાલી નોંધાવ્યા બાદ વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઇઆઇ)એ શુક્રવારે રૂ. 1,790.19 કરોડના મૂલ્યની ઇક્વિટી ઓફલોડ કરી હતી. વૈશ્વિક ઓઇલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ 0.41 ટકા વધીને 85.59 ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગયું છે. પાછલા છ દિવસની તેજીને બ્રેક મારીને બીએસઇનો બેન્ચમાર્ક સેન્સેક્સ શુક્રવારે 269.03 પોઈન્ટ અથવા 0.35 ટકા ઘટીને 77,209.90 પર સ્થિર થયો હતો. જ્યારે એનએસઇનો બેન્ચમાર્ક નિફ્ટી 65.90 પોઈન્ટ અથવા 0.28 ટકા ઘટીને 23,501.10 પર બંધ થયો હતો.
સાધનો અનુસાર બજારનો અંડરટોન મજબૂત છે, પરંતુ કોન્સોલિડેશનનો તબક્કો આગળ વધવાની સંભાવના છે.

બજારની નજર અમેરિકાના જીડીપી ડેટા, બેન્ક સ્ટે્રસ ટેસ્ટના પરિણામ અને સ્થાનિક સ્તરે અંદાજપત્રની અટકળો પર રહેશે. લોકસભાના ઇલેકશન પરિણામની અસર ડિસ્કાઉન્ટ થઇ ગઇ છે અને બજારનું ફોકસ હવે અંદાજપત્ર પર છે, પરંતુ ચોમાસાની નબળી પ્રગતિ સાથે હીટવેવ ચાલુ રહેવાને કારણે સેન્ટિમેન્ટ થોડું દબાયેલું રહ્યું છે.

નવી સરકારના સેટલ થવાની સાથે જ ભારતના શેર બજારમાં સતત બીજા સપ્તાહે તેજીનું વલણ ચાલુ રહ્યુ હતું. જો કે, ફ્રન્ટ લાઈન શેરોમાં સુસ્તી રહી હતી. અલબત્ત સ્મોલ અને મિડ કેપ શેરોમાં ફરી તેજીનો માહોલ જોવા મળ્યો હતો.

બજારની આગામી ચાલનો આધાર મિશ્ર વૈશ્વિક સંકેતો, ચોમાસાની ધીમી પ્રગતિ, આગામી કેન્દ્રીય બજેટ અંગેની અપેક્ષાઓ અને વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઈઆઈ)ના વલણ પર રહેશે. 19મી જૂને બીએસઈ સેન્સેક્સે 77,851.63ની નવા રેકોર્ડ હાઈ બનાવી, જ્યારે નિફ્ટી 50 ઇન્ડેક્સ 21મી જૂને 23,667.10 ની રેકોર્ડ હાઈ સપટીએ પહોંચ્યો હતો.

અમેરિકાની ફેડરલ રિઝર્વે વ્યાજદરોમાં કપાતના વિશે કોઈપણ નિર્ણય લેવાનું ટાળ્યું છે અને આ પરિબળ એકંદરે ડિસ્કાઉન્ટ થઇ ગયું છે. ઇન્ફ્લેશનમાં ઘટાડા છતાં ફેડરલ રિઝર્વે સતત સાતમી વાર પોતાની નીતિગત દરોને સ્થિર રાખ્યા છે. નિષ્ણાંતોએ હવે અનુમાન લગાવી રહ્યા છે કે ફેડરલ આ વર્ષ પહેલાના અનુમાનિત ત્રણ દર કપાતની જગ્યાએ ફક્ત એક જ કપાત કરશે.

જોકે, બજારોએ ફેડના આ નિર્ણયને પચાવી લીધો છે.
દરમિયાન, ધી ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (ઇરડાઇ)એ એક માસ્ટર સરક્યુલર બહાર પાડીને યુનીટ લિન્ક્ડ ઇન્સ્યોરન્સ પ્લાન્સ (યુલીપ્સ)ને ઇન્વેસ્ટમેન્ટ પ્રોડ્કટ તરીકે પ્રમોટ કરવા સામે પ્રતિબંધ લાદ્યો છે. ઇરડાઇએ પરિપત્રમાં જણાવ્યું છે કે, યુનીટ આધારિત અથવા તો ઇન્ડેક્સ આધારિત વીમા પ્રોડક્ટની જાહેરાત ઇન્વેસ્ટમેન્ટ પ્રોડક્ટ તરીકે નહીં કરી શકાશે. વીમા કંપનીઓએ એવો સ્પષ્ટ નિર્દેશ કરવો પડશે કે માર્કેટ સાથે સંકળાયેલી વીમા યોજનાઓ પાંરપારિક એન્ડવમેન્ટ પોલિસી કરતા અલગ છે અને તેની સાથે બજાર સંબંધિત જોખમ સંકળાયેલું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button