પુણેમાં વહેલી સવાર સુધી બાર ચાલુ રાખવા , બદલ આઠની ધરપકડ: ચાર પોલીસ સસ્પેન્ડ
પુણે: પુણેમાં વહેલી સવાર સુધી બાર ચાલુ રાખવા બદલ આઠ જણની ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે ચાર પોલીસકર્મીને સસ્પેન્ડ કરાયા હતા.
એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં પુણેના ફર્ગ્યુસન કોલેજ રોડ પર આવેલા બારમાં અમુક લોકો ડ્રગ્સ જેવા પદાર્થનું સેવન કરતા નજરે પડતા હતા. આને આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી. એક સંગઠનના કાર્યકરો દ્વારા સોમવારે બપોરે બાર પર પથ્થમારો કરાયો હતો અને તેના બોર્ડને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. આનો વીડિયો પણ વાયરલ થયો હતો.
પોલીસના જણાવ્યા અનુસાર સોમવારે વહેલી સવારે પાંચ વાગ્યા સુધી બાર ચાલુ હતો અને તેમાં શરાબ પીસરવામાં આવતો હતો. પુણેમાં બાર-પબને મધરાતે 1.30 વાગ્યા સાધી ચાલુ રાખવાની જ પરવાનગી છે.
પુણેના પોલીસ કમિશનર અમિતેશ કુમારે જણાવ્યું હતું કે આ પ્રકરણે લિક્વિડ લીઝલ લાઉન્જ (એલ3)ના માલિકો અને કર્મચારીઓ સહિત આઠની ધરપકડ કરવામાં આવી હતી. એ તમામ સામે ભારતીય દંડસંહિતા, મહારાષ્ટ્ર પોલીસ ધારા, મહારાષ્ટ્ર પ્રતિબંધ ધારા અને સિગારેટ તથા તમાકુ ઉત્પાદન વિરોધી ધારા હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
આ પ્રકરણે શિવાજીનગર પોલીસ સ્ટેશનમાં કાર્યરત પોલીસ ઇન્સ્પેક્ટર, આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર અને બે બીટ માર્શલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. બારમાં ડ્રગ્સ સેવન કરાતું હતું કે કેમ તેની તપાસ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો :પુણેની એક Hotelના Bathroomમાં થઈ રહ્યું હતું એવું કામ કે… વીડિયો થયો વાઈરલ…
દરમિયાન એક સંગઠનના અમુક કાર્યકરોએ સોમવારે બપોરે બાર પર પથ્થરમારો કર્યો હતો અને બોર્ડને નુકસાન પહોંચાડ્યું હતું. પુણેના સાંસદ અને કેન્દ્રીય પ્રધાન મુરલીધર મોહોલે એક્સ પર પોસ્ટ કર્યું હતું કે આ ઘટના ધ્યાનમાં આવતાં દોષી પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ડ્રગ્સ વિરોધી ઝુંબેશ ચલાવવા અને તે માટે અલગ ટીમો તૈયાર કરવા સૂચના આપવામાં આવી છે. કોલેજો, પબ, હોટેલો અને અન્ય સ્થળોએ ડ્રગ્સ ઉપલબ્ધ છે કે કેમ તેની તપાસ આ ટીમો કરશે, એમ તેમણે કહ્યું હતું. (પીટીઆઇ)