T-20 World Cup:શું IPLના પૈસા માટે ભારત સામે હારે છે અફઘાનિસ્તાન! અશ્વિને આપ્યો જડબાતોડ જવાબ

ભારતીય ક્રિકેટર અને ઓલરાઉન્ડર રવિચંદ્રન અશ્વિન વિવિધ મુદ્દાઓ પર તેમના મનની વાત કરવા માટે જાણીતા છે, પછી તે ક્રિકેટ વિશે હોય કે તેની સાથે સંબંધિત અન્ય કંઈપણ મુદ્દો હોય. તેઓ અવારનવાર પોતાના નિવેદનોથી લોકોનું ધ્યાન આકર્ષિત કરે છે. હવે તેમણે પાકિસ્તાની પત્રકાર વજાહત કાઝમી પર નિશાન તાકતા તેમની પર ટિપ્પણી કરી છે. કાઝમીએ એવો દાવો કરીને ભારતને બદનામ કરવાનો પ્રયાસ કર્યો હતો કે અફઘાનિસ્તાન કોઈપણ ટીમ સામે જીતી શકે છે, પરંતુ તેમના IPL કરારને કારણે અને એમાંથી મળતા નાણાને કારણે ભારત સામે નહીં.
રવિચંદ્રન અશ્વિને પાકિસ્તાની પત્રકારને જડબાતોડ જવાબ આપ્યો હતો. પાકિસ્તાની પત્રકાર વજાહત કાઝમીએ અફઘાનિસ્તાન પર ભારત સામે જાણી જોઈને હારવાનો આરોપ લગાવ્યો હતો. હકીકતમાં, રાશિદ ખાનની આગેવાની હેઠળની ટીમે 23 જૂને ICC T20 વર્લ્ડ કપ 2024 સુપર 8માં ઓસ્ટ્રેલિયા સામે સનસનાટીભર્યા વિજય મેળવ્યો હતો. અફઘાનિસ્તાને ક્રિકેટ વિશ્વને સ્તબ્ધ કરી દીધું દુનિયાભરનું ધ્યાન આકર્ષિત કર્યું હતું કારણ કે નબળી ગણાતી અફઘાનિસ્તાનની ટીમે ભૂતપૂર્વ T-20 વર્લ્ડ કપ ચેમ્પિયનને હરાવીને તેમની સેમિફાઇનલમાં પહોંચવાની આશા જીવંત રાખી હતી.
પાકિસ્તાની પત્રકાર ‘વહાજાત કાઝમી’ એ લખ્યું હતું કે, “અફઘાનિસ્તાન સ્પષ્ટ કારણોસર ભારત સિવાય વિશ્વની કોઈપણ ટીમને હરાવી શકે છે. IPL કોન્ટ્રાક્ટ ખૂબ જ મૂલ્યવાન છે.” અશ્વિને તેની ટાઈમલાઈન પર આ પોસ્ટનો જવાબ આપતા એલોન મસ્કને ટેગ કરતા લખ્યું હતું કે, “હું તમને કહી શકતો નથી કે તમારે શું કરવું જોઈએ @elonmusk પણ મારી ટાઇમલાઇન પર કોણ પ્રવેશે છે તે નક્કી કરવાનો મને ચોક્કસ અધિકાર છે. મારી ટાઈમલાઈન મારો નિર્ણય.”

નોંધનીય છે કે ભારતમાં રમાયેલ 50 ઓવરના વર્લ્ડ કપમાં પણ અફઘાનિસ્તાનની ટીમે પાકિસ્તાન, ઈંગ્લેન્ડ અને શ્રીલંકાને હરાવ્યું હતું. તેઓ એક ઉભરતી ટીમ છે, જ્યારે પાકિસ્તાનની ટીમ હાલમાં નબળા દોરમાંથી ગુજરી રહી છે. તેઓ વર્લ્ડ કપ 2023માં સારું પ્રદર્શન કરી શક્યા ન હતા અને T20 વર્લ્ડ કપ 2024માં સુપર 8માં પણ સ્થાન મેળવી શક્યા ન હતા.