સ્પોર્ટસ

Euro-2024 હંગેરીએ સૌથી મોડા વિક્રમજનક ગોલથી સ્કોટલેન્ડને યુરોમાંથી કર્યું આઉટ

સ્વિટઝરલેન્ડ નૉકઆઉટમાં પહોંચનારી ચોથી ટીમ બની

સ્ટટગાર્ટ: જર્મનીમાં રમાઈ રહેલી ફૂટબૉલની યુરો-2024 (યુરોપિયન ચેમ્પિયનશિપ)માં રવિવારે નવો વિક્રમ બન્યો હતો જેમાં સ્કોટલેન્ડ સામે ગ્રૂપ-એના મુકાબલામાં હંગેરીએ છેક 100મી મિનિટમાં ગોલ કરીને આ મૅચ 1-0થી જીતી લીધી હતી. કેવિન સૉબોથ આ મૅચનો સુપરહીરો હતો.

આખી મૅચમાં 90 મિનિટના મુખ્ય સમયમાં તેમ જ ત્યાર પછીના ઈન્જરી ટાઈમની નવ મિનિટમાં (કુલ 99 મિનિટમાં) બંને ટીમ એકેય ગોલ નહોતી કરી શકી અને મુકાબલો 0-0થી ડ્રોમાં જઈ રહ્યો હતો. જોકે અચાનક પેનલ્ટી એરિયામાં સ્કોટલેન્ડના ડિફેન્ડર્સ ભેગા થઈ ગયા હતા અને હંગેરીનો કોઈ ખેલાડી ગોલ ન કરી જાય એ માટે સાવધ થઈ ગયા હતા. મૅચ માટેની ઘડિયાળમાં 99.17નો સમય હતો (મેચ પૂરી થવાને ગણતરીની ક્ષણો બાકી હતી) ત્યારે સૉબોથે બૉલને ગોલપોસ્ટમાં મોકલીને બધાને ચોંકાવી દીધા હતા. તેણે નવો વિક્રમ સર્જી દીધો હતો. તેના એ 100મી મિનિટના અદભુત અને રેકોર્ડ-બ્રેક ગોલથી હંગેરીએ 1-0થી જીત હાંસલ કરી હતી અને નૉકઆઉટમાં જવાની આશા જીવંત રાખી હતી.

બીજી તરફ, સ્કોટલેન્ડની લડાકુ ટીમ જર્મનીના આ યુરો-24માંથી બહાર થઈ ગઈ હતી.
યુરોપિયન ચેમ્પિયનશિપમાં ફાસ્ટેસ્ટ (સૌથી વહેલા) ગોલનો રેકોર્ડ આ જ વખતે નોંધાયો અને સૌથી મોડા ગોલનો વિક્રમ પણ આ જ ટૂર્નામેન્ટમાં જોવા મળ્યો છે. 15મી જૂને અલ્બેનિયાના નદીમ બજરામીએ ઇટલી સામેની મૅચ શરૂ થયા બાદ 23મી જ સેકન્ડમાં ગોલ કર્યો હતો. યુરોપિયન ચેમ્પિયનશિપનો એ ફાસ્ટેસ્ટ ગોલનો રેકોર્ડ છે. ગણતરીના દિવસો બાદ (રવિવારે) સૌથી મોડા ગોલનો રેકોર્ડ રચાઈ ગયો.

રવિવારે અન્ય એક મૅચમાં સ્વિટ્ઝરલેન્ડે યજમાન જર્મની સામેની મૅચ 1-1થી ડ્રો કરીને નૉકઆઉટમાં એન્ટ્રી કરી લીધી હતી.
સ્વિટઝરલેન્ડ 16 ટીમના નૉકઆઉટ રાઉન્ડમાં જનારી જર્મની, સ્પેન અને પોર્ટુગલ પછીની ચોથી ટીમ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button