આપણું ગુજરાત

જામનગરમાં જમાવટઃ બે કલાકમાં અઢી ઈંચથી વધુ વરસાદ, સવારથી 84 તાલુકામાં વરસાદની હાજરી

અમદાવાદઃ દેર આયે દુરસ્ત આયેના ન્યાયે ગુજરાતમાં બે-ત્રણ દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. રવિવારે સૌરાષ્ટ્રમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ બાદ આજે સોમવાર રાજ્યના અમદાવાદ, સુરત, વડોદરા, જામનગર, છોટા ઉદેપુર સહિતમાં સવારથી વરસાદ વરસવાનો શરૂ થયો છે. આજે સવારે છ વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં રાજ્યના 84 તાલુકામાં મેઘરાજાની એન્ટ્રી થઈ છે. જેમાં સૌથી વધુ જામનગરના લાલપુરમાં અઢી ઈંચથી વધુ વરસાદ વરસી વરસ્યાના અહેવાલો છે. તો બીજી તરફ જામનગરના કાલાવડમાં પૂલ તૂટવાના સમાચાર છે. રાજ્યામાં સવારે છ વાગે પુરા થતા છેલ્લા 24 કલાકમાં 130 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં મેંદરડામાં સૌથી વધુ સાડા ત્રણ ઇંચ ખાબક્યો હતો.

જોકે વરસાદ સાથે વરસાદી આફત પણ આવી છે. જામનગરના કાલાવાડમાં એક પૂલ તુટવાને કારણે એક સ્કૂલ બસ અટવાઈ હતી. જેને પગલે બાળકો ફસાઈ ગયા હતા. ગ્રામજનોએ બાળકોનું રેસ્ક્યૂ કર્યુ હતું. જ્યારે ઉપરવાસમાં ભારે વરસાદને પગલે કવાંટની કરા અને અશ્વિન નદી બે કાંઠે વહેતી થઈ હતી. બીજી બાજુ બરવાળાના ચોકડી ગામે વીજળી પડતાં યુવાનનું મોત થયું હતું. અમદાવાદમાં વહેલી સવારથી અંધારપટ વચ્ચે કેટલાક વિસ્તારમાં વરસાદ વરસયો હતો.

આજે સવારથી ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં સારો એવો વરસાદ પડી રહ્યો છે. સવારે 6થી 10 વાગ્યા સુધીમાં રાજ્યના 84 તાલુકામાં વરસાદની એન્ટ્રી થઈ છે. જેમાં સૌથી વધુ જામનગરના લાલપુર તાલુકામાં 2.5 ઈંચ વરસાદ વરસી ગયો હતો. આ ઉપરાંત સુરતના ઓલપાડમાં 47 મીમી, છોટાઉદેપુરના સંખેડામાં 34 મીમી, વડોદરાના કરજણમાં 33 દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડમાં 31 મીમી, ખંભાળિયામાં 21 મીમી, ભરૂચના અંકલેશ્વરમાં 24 મીમી, વાગરામાં 22 મીમી, પંચમહાલ ના હાલોલમાં 26 મીમી, સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં 23 મીમી જેટલો વરસાદ નોંધાયો છે.

આ પણ વાંચો : ગુજરાતમાં આજથી ધોરણ 10-12ની પૂરક પરીક્ષાનો પ્રારંભ, 6ઠ્ઠી જુલાઈ સુધી પરીક્ષા ચાલશે

આ ઉપરાંત રાજ્યના અન્ય તાલુકામાં બરવાળામાં 16 મીમી, હાંસોટમાં 12 મીમી, વલ્લભીપુરમાં 12 મીમી, જોટાણામાં 11 મીમી જાંબુઘોડામાં 22 મીમી, ડભોઈમાં 25 મીમી અને ભરૂચના નેત્રંગમાં 30 મીમી, નાંદોદમાં 28 મીમી, વાઘોડિયામાં 23 મીમી, રાજકોટમાં 18 મીમી, તિલકવાડામાં 22 મીમી, વડોદરામાં 17 મીમી, બોડેલીમાં 15 મીમી, જામનગરમાં 14 મીમી, માણસા અને ક્વાંટમાં 13-13 મીમી, જંબુસરમાં 18 મીમી, પાદરા અને ભરૂચમાં 10-10 મીમી વરસાદ નોંધાયો છે. અમદાવાદમાં વહેલી સવારથી અંધારપટ છવાયો હતો. એસ જી હાઇવે, રાણીપ, ઘાટલોડિયા, ગોતા, ઘુમા સહિતના વિસ્તારોમાં હળવો વરસાદ વરસયો હતો. વાતાવરણમાં આજે વહેલી સવારથી જ બદલાવ આવતા આજે દિવસ દરમિયાન અમદાવાદમાં ધોધમાર વરસાદ પડે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.

દરમિયાન સોમવારે સવારે છ વાગ્યે પુરા થતાં છેલ્લા 24 કલાકમાં રાજ્યના 130 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. જેમાં 30 તાલુકામાં એકથી લઈ સાડા ત્રણ ઈંચ વરસાદ ખાબક્યો હતો. સૌથી વધું જૂનાગઢના મેંદરડા તાલુકામાં 88 મિમી, દ્વારકાના ખંભાળિયામાં 71 મિમી, છોટા ઉદેપુરના સંખેડામાં 64 મિમી, સુબિરમાં 63 મિમી અને તલાલામાં 62 મિમી સહિત રાજ્યના અન્ય તાલુકામાં પણ વરસાદ જામ્યો હતો. બોટાદ જિલ્લાના બરવાળા પંથકમાં વીજળી વેરણ થઈ હતી. બરવાળા તાલુકાના ચોકડી ગામમાં રહેતા જીવરાજભાઈ હનુભાઈ નામનાં વ્યક્તિનું મોત નિપજ્યું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button