નવી દિલ્હી: 18મી લોકસભાના પ્રથમ સત્ર(Loksabha Session)ની શરૂઆત થઇ ચુકી છે, આ લોકસભામાં એવા 280 સાંસદો ચૂંટાઈને આવ્યા છે, જેઓ પહેલીવાર લોકસભાના સાંસદ તરીકે સપથ ગ્રહણ કરશે. નવા સાંસદોની કુલ ચુનાયેલા સાંસદોના 52 ટકા છે, એટલે કે ગૃહના અડધાથી વધુ સાંસદો નવા છે. ગત લોકસભામાં પહેલીવાર ચૂંટાઈને આવેલા સાંસદોની સંખ્યા 267 હતી, જયારે 2014 માં જ્યારે સરકાર બદલાઈ, ત્યારે 314 સાંસદો પ્રથમ વખત ચૂંટાઈને આવ્યા હતા, જે ગૃહની કુલ સંખ્યાના 58.8 ટકા હતા.
નિષ્ણાતોના જણાવ્યા મુજબ કે લોકસભાની ચૂંટણી બાદ ગૃહમાં સરેરાશ 50 ટકા ફેરફાર થતો હોય છે. વિપક્ષ નવા ચહેરાઓને મેદાનમાં ઉતારીને લોકોનો વિશ્વાસ જીતવા પ્રયત્ન કરે છે, જયારે સત્તા પક્ષ સત્તા વિરોધી લહેરનો ખાળવાનો પ્રયાસ કરતો હોય છે.
પાર્લામેન્ટરી રિસર્ચ સર્વિસ દ્વારા કરવામાં આવેલા એક અભ્યાસ મુજબ ભાજપના 45 ટકા સાંસદો પહેલીવાર લોકસભામાં પહોંચ્યા છે, કોંગ્રેસના 60 ટકા સાંસદો નવા છે. તેલુગુ દેશમ પાર્ટી અને શરદ પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી બંને પાસે ત્રણ-ચતુર્થાં સાંસદો છે જે નવા છે. સમાજવાદી પાર્ટીની પણ આવી જ હાલત છે.
એક અહેવાલ મુજબ કે વિવિધ પૃષ્ઠભૂમિના અને રાજકીય અનુભવના ધરાવતા સાંસદો પ્રથમ વખતના ચૂંટાયા છે. મનોરંજન ક્ષેત્રમાં કામ કરતા કંગના રનૌત અને અરુણ ગોવિલ પ્રથમ વાર ચૂંટાયા છે, એજ રીતે ક્રિકેટરમાંથી રાજકારણી બનેલા યુસુફ પઠાણ અને હાઈકોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ અભિજીત ગંગોપાધ્યાય પહેલીવાર સંસદ પહોંચ્યા છે. એવા લોકો પણ છે કે જેમણે પાયાના રાજકારણથી શરૂઆત કરી હતી અને હવે સંસદના દરવાજે પહોંચ્યા છે, જેમ કે મિતાલી બાગ, જેઓ જિલ્લા પરિષદના સભ્ય હતા અને પશ્ચિમ બંગાળના આરામબાગમાંથી જીત્યા હતા. તેમાંથી એક છે ભારતી પારધી, જે મધ્યપ્રદેશની બાલાઘાટ બેઠક પરથી લોકસભામાં ચૂંટાયા પહેલા સરપંચ અને પછી સિટી કાઉન્સિલના સભ્ય હતા.
બીજી તરફ એવા ઘણા યુવા સાંસદો છે જેઓ તેમના માતા-પિતાના રાજકીય વારસાને આગળ વધારતા લોકસભામાં પહોંચ્યા છે. તેમાં ભાજપના દિવંગત નેતા સુષ્મા સ્વરાજની પુત્રી બાંસુરી સ્વરાજ અથવા ઉત્તર પ્રદેશના મચ્છીશહરથી પિતા તુફાની સરોજની હારનો બદલો લેનાર પ્રિયા સરોજ અથવા દિવંગત દલિત નેતા રામ વિલાસના પુત્ર ચિરાગ પાસવાનનો સમાવેશ થાય છે. ચિરાગ પાસવાનને કેન્દ્રીય કેબિનેટમાં સ્થાન મળ્યું છે.
આ ઉપરાંત નવા આવનારાઓમાં દલિત નેતા ચંદ્રશેખર આઝાદ જેવા સામાજિક કાર્યકર્તાનો પણ સમાવેશ થાય છે, અથવા કોંગ્રેસના ગેનીબેન નાગાજી ઠાકોર પણ પહેલીવાર સંસદમાં પહોંચ્યા, જેમણે ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટીને એક બેઠક અપાવી છે. ભારત આદિવાસી પાર્ટીના રાજકુમાર રોટ રાજસ્થાનના બાંસવાડામાંથી જીતી લોકસભા પહોંચ્યા છે.
પહેલીવાર લોકસભામાં પહોંચેલા સાંસદોમાં ઘણા યુવા સાંસદો છે, જેમાંથી સાતની ઉંમર 30 વર્ષથી ઓછી છે, જ્યારે ઘણા કેટલાક દિગ્ગજ નેતા છે જેઓ પહેલીવાર લોકસભામાં પહોંચ્યા છે, જેમ કે પીયૂષ ગોયલ અને ભૂપેન્દ્ર યાદવ.