કોંગ્રેસ ભવનમાં ધમાલ, ધક્કામુક્કી; નાના પટોલેએ પાર્ટી વિરોધી કામ કરનારાને કાર્યવાહીની ચેતવણી આપી
પુણે: પુણેમાં ભાજપના ઘણા નેતાઓ મારા સંપર્કમાં હતા. સર્વે રિપોર્ટ આપણી તરફેણમાં હતો. જોકે, ચૂંટણીના થોડા દિવસો પહેલા મને પોલીસનો રિપોર્ટ મળ્યો હતો. કોણ કોનું કામ કરે છે તેની વાત એમાં છે, એમ જણાવતાં કોંગ્રેસના મહારાષ્ટ્ર પ્રદેશ પ્રમુખ નાના પટોલેએ શનિવારે પુણે કોંગ્રેસના હોદ્દેદારો અને નેતાઓને ચેતવણી આપી હતી કે પક્ષમાં રહીને ગદ્દારી કરનારાઓનો બરાબર હિસાબ કરશે. લોકસભાની ચૂંટણીમાં પુણેની હાર મારા દિલ પર લાગી છે અને મને ખબર નથી કે પૂણે માટે કેવા પ્રકારની પૂજા-પાઠ કરવા.
લોકસભા ચૂંટણીમાં પુણેમાં કોંગ્રેસની હારને પગલે પટોલેએ કોંગ્રેસ ભવન ખાતે શહેર કોંગ્રેસની સમીક્ષા બેઠક યોજી હતી. એમાં પટોલેએ નારાજી દેખાડી હતી.
પટોલેએ કહ્યું હતું કે મને દુ:ખ છે કે પૂણે અને અકોલા હાથમાંથી ગયા છે. ઉમેદવાર ચૂંટણી લડતો નથી, પક્ષ લડે છે. અકોલા અને પુણેના પક્ષના કાર્યકરો રાજ્યનું નેતૃત્વ કરવાની ક્ષમતા ધરાવે છે. હું જાણું છું કે લોકસભા ચૂંટણીમાં પાર્ટીના જ કોઈએ ગદ્દારી કરી હતી. હું તેની ખબર લઈશ. જો કોઈ એવું વિચારે છે કે મારા વગર પાર્ટી ચાલી શકે તેમ નથી તો તેણે આવા વિચારો મનમાંથી કાઢી નાખવાની આવશ્યકતા છે. પુણેમાં સ્થિતિ એવી છે કે લોકો કોંગ્રેસને વોટ આપવા તૈયાર છે અને આપણે વોટ લેવા તૈયાર નથી.