આપણું ગુજરાત

ધો 12ની પાઠ્યપુસ્તકમાં બૌદ્ધ ધર્મને લઈને એવું શું છપાયું કે વિવાદ થયો?

ગાંધીનગર: બૌદ્ધોનું કહેવું છે કે ગુજરાત પાઠ્ય પુસ્તક મંડળ દ્વારા પ્રકાશિત પુસ્તકમાં બૌદ્ધ ધર્મ વિશે ગેરમાન્યતાઓ ફેલાય છે અને લખાણમાં ઘણી ભૂલો છે. બૌદ્ધોએ ગુજરાત પાઠ્ય પુસ્તક મંડળના ડિરેક્ટરને મળીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. વિરોધમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને પણ આવેદનપત્ર મોકલવામાં આવ્યા છે. આ મામલે ખુદ ગુજરાત રાજ્ય પાઠ્ય પુસ્તક મંડળે પોતાની ભૂલ સ્વીકારી છે.

શું છે સમગ્ર મામલો?
ગુજરાત સરકારના પાઠ્ય પુસ્તક મંડળ દ્વારા ધોરણ 12 ના સમાજશાસ્ત્ર પુસ્તકના બીજા પ્રકરણના 16મા પેજ પર બૌદ્ધ ધર્મ પરનો પાઠ પ્રકાશિત કરવામાં આવ્યો છે. જેમાં લખ્યું છે કે, ‘બૌદ્ધ ધર્મના બે સ્તર છે. બૌદ્ધોની ઉચ્ચ શ્રેણીમાં બ્રાહ્મણો, ક્ષત્રિયો અને કેટલાક ગૃહસ્થોનો સમાવેશ થાય છે, જ્યારે નીચલા વર્ગમાં આદિવાસી અને ઉપેક્ષિત લોકોનો સમાવેશ થાય છે જેમણે બૌદ્ધ ધર્મ અપનાવ્યો છે.”

બૌદ્ધોએ આ લખાણ સામે વાંધો ઉઠાવતા કહ્યું છે કે બૌદ્ધ ધર્મ જાતિમુક્ત છે, જ્યારે આ લખાણ જાતિવાદને પ્રોત્સાહન આપે છે.

આ પણ વાંચો : ગુજરાતમાં રાષ્ટ્રીય Lok Adalat યોજાઇ, 4.37 લાખ પેન્ડિંગ કેસમાંથી 2.51 લાખ કેસમાં સમાધાન

પત્રકારો સાથે વાત કરતાં, ગુજરાત બૌદ્ધ એકેડમીના સેક્રેટરી રમેશ બેંકર કહે છે, “બૌદ્ધ ધર્મ વર્ણની બહાર છે. આમાં કોઈ ઊંચું કે નીચું નથી. આ તમામ જાણકારી ખોટી અને ભ્રામક છે. બેંકર સવાલ કરે છે ગુજરાતમાં આદિવાસીઓએ ક્યા બૌદ્ધ ધર્મ અપનાવ્યો ?

ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનના ભૂતપૂર્વ સભ્ય મૂળચંદ રાણાએ કહ્યું, “બૌદ્ધ ધર્મ સામાજિક મર્યાદાઓથી પર છે. પાઠ્ય પુસ્તકમાં લખેલું છે કે બૌદ્ધ પૂજારીને લામા કહેવામાં આવે છે, જે તદ્દન ખોટી માહિતી છે. “ફક્ત તિબેટીયન પ્રદેશમાં જ બૌદ્ધ પૂજારીને લામા તરીકે ઓળખવામાં આવે છે”

મૂળચંદ રાણા કહે છે, “આ પુસ્તકમાં બીજી ખોટી માહિતી એ છે કે બૌદ્ધ ધર્મ કર્મ અને પુનર્જન્મમાં માને છે. જે એક તદ્દન જૂઠ છે.”

પાઠ્ય પુસ્તક મંડળ પર આરોપ લગાવતા મૂળચંદ રાણાએ જણાવ્યું હતું કે આવા વિવાદાસ્પદ લેખો બૌદ્ધ ધર્મ પ્રત્યેના સન્માનને નબળો પાડે છે અને તેથી આવા લેખોને પાઠ્ય પુસ્તકોમાંથી તાત્કાલિક દૂર કરવા જોઈએ.

રમેશ બેંકર કહે છે, “આ પુસ્તકમાં લખેલું છે કે બૌદ્ધો પુનર્જન્મમાં માને છે પણ બૌદ્ધો પુનર્જન્મમાં માનતા નથી. ચેતના એ શક્તિ છે. આત્મામાં માનતા નથી. બૌદ્ધ ધર્મ એક વૈમનસ્યવાદી ધર્મ છે. આત્મા અને પુનર્જન્મ એ હિંદુ ધર્મની વિભાવનાઓ છે, બૌદ્ધ ધર્મની નહીં.” તેમનું કહેવું છે કે આ પાઠ્ય પુસ્તકમાં લખેલું છે કે બૌદ્ધ પૂજારી લામા છે પરંતુ વાસ્તવમાં બૌદ્ધ પૂજારીને ભીખ્ખુ કહેવામાં આવે છે.

બીજી તરફ ગુજરાત રાજ્ય પાઠ્ય પુસ્તક મંડળના નિયામક વી.આર. ગોસાઈએ પણ આ મામલે પોતાની ભૂલ સ્વીકારી છે. ગોસાઈએ મીડિયા સાથે વાત કરતાં કહ્યું, “આ પાઠ્યપુસ્તક 2017માં પ્રકાશિત થયું હતું અને પહેલીવાર અમને એવા અહેવાલો મળ્યા છે કે બૌદ્ધ ધર્મ વિશેની કેટલીક વિગતો સત્યથી દૂર છે.”

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button