માયાવતીએ પોતાના ભત્રીજાને રાજકીય ઉતરાધિકારી જાહેર કર્યો, આકાશનું કદ વધ્યું
બહુજન સમાજ પાર્ટી (BSP)ના વડા માયાવતીએ ફરી એકવાર તેમના ભત્રીજા આકાશ આનંદ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને તેમને રાષ્ટ્રીય સંયોજકનું પદ સોંપ્યું છે. આટલું જ નહીં, તેમને ફરીથી તેમના રાજકીય ઉત્તરાધિકારી તરીકે જાહેર કર્યા છે. માયાવતીએ રવિવારે પાર્ટીના રાષ્ટ્રીય અધિકારીઓની બેઠક બોલાવી હતી. મીટિંગની શરૂઆતમાં, બસપા સુપ્રીમોએ તેના ભત્રીજાના માથા પર પોતાનો હાથ રાખ્યો હતો, ત્યારબાદ અટકળો શરૂ થઈ હતી કે તેઓ કોઈ મોટો નિર્ણય લેવા જઈ રહ્યા છે. તેમણે પોતાના ભત્રીજાને પહેલા કરતા વધુ મજબૂત બનાવ્યો છે.
એક દિવસ પહેલા જ આકાશને ઉત્તરાખંડ પેટાચૂંટણી માટે પાર્ટીના સ્ટાર પ્રચારક બનાવવામાં આવ્યા હતા. આ બેઠકમાં દરેક રાજ્યના પાર્ટી અધ્યક્ષોએ ભાગ લીધો હતો. આ યાદીમાં માયાવતી પછી તેમનું નામ બીજા ક્રમે હતું. માયાવતીએ રવિવારે લખનઊમાં બસપાના તમામ પ્રદેશ પ્રમુખો સાથે સમીક્ષા બેઠક યોજી હતી, જેમાં આકાશ આનંદ પણ હાજર હતા. મીટિંગ દરમિયાન આકાશ આનંદે માયાવતીના ચરણ સ્પર્શ કર્યા હતા અને આશીર્વાદ લીધા હતા. યુપીના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન માયાવતીએ તેમના ભત્રીજાના માથા પર પ્રેમથી હાથ મૂક્યો અને તેની પીઠ થપથપાવી હતી.
આ પણ વાંચો : Swati Maliwal મુદ્દે પ્રિયંકા ગાંધી, માયાવતી અને ભાજપનાં નેતાએ આપી આકરી પ્રતિક્રિયા
અગાઉ માયાવતીએ 7 મેના રોજ લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કા બાદ આકાશ આનંદ અપરિપક્વ હોવાનું કારણ આગળ ધરીને તેમને પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક પદ પરથી હટાવી દીધા હતા. તેમના ચૂંટણી પ્રચાર કાર્યક્રમો રદ કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ જ્યારે ચૂંટણીના પરિણામ આવ્યા ત્યારે બસપાનું પ્રદર્શન અત્યંત નિરાશાજનક જોવા મળ્યું હતું. માયાવતીની પાર્ટી એક પણ સીટ જીતી શકી નહોતી. નિષ્ફળતાની સમીક્ષામાં એવું સામે આવ્યું હતું કે લોકસભાની ચૂંટણીમાં આકાશને પ્રચાર કરતા અટકાવવામાં આવ્યા હતા, જેના કારણે પાર્ટીનું પ્રદર્શન બગડી ગયું હતું.