સેલિબ્રિટીઝનું રિપોર્ટ કાર્ડ શું સૂચવે છે ?
બ્રાન્ડિંગ -સમીર જોશી
હાલમાં ‘ધ ક્રોલ’ નામક વૈશ્ર્વિક સ્તરની રિસ્ક અને ફાઇનાન્સિયલ એડવાઈઝરી કંપનીએ સેલિબ્રિટી બ્રાન્ડ વેલ્યુએશનનો રિપોર્ટ જાહેર કર્યો. આ રિપોર્ટ અનુસાર સેલિબ્રિટી બ્રાન્ડ વેલ્યુએશનમાં ક્રિકેટ સુપરસ્ટાર વિરાટ કોહલી ટોચના સ્થાને છે અને એની વેલ્યુ ૨૨૭.૯ મિલિયન છે. એણે બોલીવૂડ અભિનેતા રણવીરસિંહને પાછળ છોડી દીધો, જે ગયા વર્ષના રેન્કિંગમાં કોહલીથી આગળ હતો, રણવીર હવે ૨૦૩.૧ મિલિયન સાથે બીજા સ્થાને છે. આ રિપોર્ટમાં કયો સેલિબ્રિટી કયા સ્થાને છે તે જોઈએ. ગયા વર્ષે દસમા સ્થાન પર શાહરૂખ ખાન હતો , જે આ વર્ષે ૧૨૦.૭ મિલિયનના વેલ્યુએશન સાથે ત્રીજા સ્થાન પર પહોંચી ગયો છે. આનું શ્રેય એની સુપરહિટ ફિલ્મ ‘પઠાણ’ અને ‘જવાન’ને જાય છે. જોવાની ખૂબી તે છે કે બીજા અને ત્રીજા સ્થાન વચ્ચે વેલ્યુએશનના આંકડામાં મોટો તફાવત છે અને ૨૫માં સ્થાને ૨૭.૧ મિલિયનના વેલ્યુએશન સાથે કેટરિના કૈફ છે. ટોચની ૨૫ ભારતીય સેલિબ્રિટીસની સંયુક્ત બ્રાન્ડ વેલ્યુ ૨૦૨૩માં વધીને ૧.૯ બિલિયન થઈ ગઈ છે, જે પાછલા વર્ષ કરતાં ૧૮% વધારે છે. આના પરથી આપણને ખ્યાલ આવશે કે બ્રાન્ડના પ્રમોશનમાં સેલિબ્રિટીનો પાવર શું છે. આ વાત ફક્ત આપણા દેશ પૂરતી નથી, વૈશ્ર્વિક સ્તરે સેલિબ્રિટીસ રાજ કરે છે. ફિલ્મી સિતારાઓ અને ક્રિકેટરો અથવા બીજા સ્પોર્ટ્સ સ્ટારો માટે સતત સારું પ્રદર્શન કરીને પોતાનું કેરિયર ટકાવવા જરૂરી છે, પણ એની સાથે પોતાની બ્રાન્ડ વેલ્યુ પણ આના આધારે ઉપર અને નીચે જઈ શકે છે. સચિન, ધોની જેવા જૂજ હશે જે રિટાયરમેન્ટ પછી પણ પોતાનું સ્થાન પહેલા દસમા ટકાવી શકે છે. કેટલા ફિલ્મ સિતારાઓ આવું કાયમ રાખી શકશે એ કહી ના શકાય.
સેલિબ્રિટીસનું સોશિયલ મીડિયા ફોલોઇંગ પણ એમની બ્રાન્ડ વેલ્યુમાં મહત્ત્વનું યોગદાન આપે છે. તે સાબિત કરે છે. સાઉથ અને બોલીવૂડ સાથે મળીને ઘણી ફિલ્મ બનાવી રહ્યા છે. સાઉથના ડિરેક્ટર, બોલિવૂડના એક્ટર, સાઉથની એકટ્રેસ વગેરે. આના કારણે બીજી રસપ્રદ વાત આ રિપોર્ટથી જાણવા મળી કે બ્રાન્ડ પહેલાં એક જ સેલિબ્રિટી સાથે નેશનલ લેવલ પર કામ કરતી હતી તે હવે રિજન સ્પેસિફિક સેલિબ્રિટી પોતાની બ્રાન્ડ માટે લે છે.
એક જ બ્રાન્ડ સાઉથ માટે ત્યાંના સુપર સ્ટાર અને બાકી જગ્યાઓએ બોલીવૂડ સ્ટાર. ૨૦૨૨માં ૨૦ બ્રાન્ડ હતી જેમણે આ વ્યૂહરચના અપનાવી હતી તેની સામે ૨૦૨૩માં ૩૬ આવી બ્રાન્ડ જોવામાં આવી. સાઉથના કલાકારો પણ હવે બીજા રાજ્યોમાં અર્થાત્ સાઉથ ઉપરાંતના રાજ્યોમાં પોતાનું સ્થાન બનાવી રહ્યા છે. આના થકી આવનારા સમયમાં એ બોલીવૂડના સ્ટારોને ખરી ટક્કર આપશે અને બ્રાન્ડ આના પર ચાંપતી નજર રાખી રહી છે.
આપણે જાણીયે છીએ કે આજે ડિજિટલ માધ્યમ બીજા માધ્યમોને ટક્કર આપી રહ્યું છે. આ રિપોર્ટના એક વિશ્ર્લેષણ પ્રમાણે ટોચના ૨૫ સેલિબ્રિટી દ્વારા ૩૧૧ પ્રોડક્ટ બ્રાન્ડ્સનું એેન્ડોરસેમેન્ટ થયું, જેમાં ૨૨ વિવિધ ઇન્ડ્સ્ટ્રીયનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ટીવી પર હાર્પિક, લક્સ સાબુ અને વિટ આ ત્રણ બ્રાન્ડ મોખરે હતી તો ડિજિટલ પર પેપ્સી, લિવ સ્પેસ અને જીઓ સિનેમા બ્રાન્ડ્સ મોખરે હતી. આ વિશ્ર્લેષણ આપણને જણાવે છે કે ફક્ત ઋખઈૠ કે ઓટો કે પછી ફાઇનાન્સિયલ કેટેગરીઓ જ નહિ, પણ બીજા એવા ઘણા ઉદ્યોગ છે, જે સેલિબ્રિટીનો સહારો લે છે. હોઈ શકે કે તેમાં ઇ૨ઇ, સ્ટાર્ટઅપ્સ, મેન્યુફેક્ચરિંગ વગેરે પણ આવી શકે.
બીજા શબ્દોમાં કહીએ તો વેપારીઓ હવે નવા જમાના સાથે તાલ મેળવી આગળ વધી રહ્યા છે. નવા તરીકા અપનાવી રહ્યા છે વેપાર કરવાના. બીજુ, ટીવી અને ડિજિટલ પરની ત્રણ મોખરાની બ્રાન્ડ જોશું તો સમજાશે કે કઈ પ્રકારની બ્રાન્ડ્સ ત્યાં છે. ટીવી પર માસ બ્રાન્ડ છે તો ડિજિટલ પર યૂથફુલ, ન્યૂ એજ બ્રાન્ડ છે. આ આપણને દર્શાવે છે કે પોતાની બ્રાન્ડ અને ટાર્ગેટ ઑડિયન્સને જાણી પોતાનું માધ્યમ નક્કી કરવું.
બીજી કેટલીક મહત્ત્વની વાત આ રિપોર્ટમાં જોવા મળી કે ઇન્ડિયન બ્રાન્ડ ગ્લોબલ સેલિબ્રિટીઓને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે લઇ રહી છે. આનું કારણ ક્ધઝ્યુમર ગ્લોબલ થઇ રહ્યો છે અને એ ગ્લોબલ સેલિબ્રિટીઓને ઓળખતો થયો છે. બીજી મોટી વાત એટલે આપણા સેલિબ્રિટીસ ઇન્ટરનેશનલ બ્રાન્ડ્સ માટે ગ્લોબલ બ્રાન્ડ એમ્બેસડર બની રહ્યા છે.
આમ આપણા લોકો જેમ ગ્લોબલ સેલેબ્રીટીને ઓળખે છે તેમ ત્યાંના લોકો પણ આપણા સેલિબ્રિટીઓને ઓળખતા થયા છે. ત્રીજી મહત્ત્વની વાત એટલે સેલિબ્રિટીસ ખુદ સ્ટાર્ટઅપ્સમા રોકાણ કરી રહ્યા છે – ઇક્વિટી ખરીદી રહ્યા છે. આજનો સેલિબ્રિટી સજાગ છે પોતાના ભવિષ્ય માટે અને તેથી એ વિવિધ વેપારોમાં માત્ર નિવેશ જ્ નથી કરતો, પરંતુ એ પોતાની બ્રાન્ડ પણ બનાવી રહ્યો છે.
ટૂંકમાં સેલિબ્રિટી ખુદ પોતે બિઝનેસમેન, બ્રાન્ડ ઓનર બની રહ્યો છે. આનાથી એક વાત નક્કી છે કે જેવી રીતે સેલિબ્રિટીસ બ્રાન્ડ ઓનર બની રહ્યા છે, વૈશ્ર્વિક સ્તરે એમની ખ્યાતિ વધી રહી છે અને બોલિવૂડનું જે રીતે પુર્નરુથાન થઇ રહ્યું છે એનાથી એન્ટરટેઇન્મેન્ટ અને વિવિધ ઉદ્યોગનું ગણિત બદલાશે.
આ રિપોર્ટની વાત આજે કરવાનું કારણ તે કે જો વ્યવસ્થિત રીતે પ્લાન કરવામાં આવે તો સેલિબ્રિટી એન્ડોરસમેન્ટ એક સશક્ત એડવર્ટાઇઝિંગ વ્યૂહરચના છે. આવા રિપોર્ટ શું ચાલી રહ્યું છે તેનો ખ્યાલ આપે છે, જે બ્રાન્ડને નિર્ણયો લેવામાં મદદરૂપ થાય છે.
અંતે, સેલિબ્રિટી તમારી સેલ્ફી માટે નથી પણ બ્રાન્ડની સેલ્ફ ઇમેજ સ્થાપિત કરવા માટે છે અને જો બ્રાન્ડ સેલીબ્રિટી એન્ડોરસમેન્ટને વ્યવસ્થિત રીતે પ્લાન કરશે તો તે બ્રાન્ડ પોતાની સફળતાને સારી રીતે સેલિબ્રેટ કરી શકશે.