૧૯૧૧ ચીનની ક્રાંતિ કુઓમિન્તાંગ પક્ષ ને ડો. સુનયાત સેન
*પાપ અને દુરાચારની સ્થિતિમાં પુત્રની ફરજ છે પિતાનો વિરોધ કરવો અને મંત્રીની ફરજ રાજાનો વિરો કરવાનો છે. – ક્ધફ્યુશિયસ
*”જેમ ભારતમાં મહાત્મા ગાંધી અને રશિયામાં લેનિનને સન્માનની નજરે જોવામાં આવે છે તેવી જ રીતે ચીનના લોકો પણ ડો. સેન પ્રત્યે આદર અને સત્કાર દર્શાવે છે. – ડો. સત્યકેતુ વિદ્યાલંકાર
ભારતીય દૃષ્ટિએ ઈતિહાસ -ડૉ. રાજેશ ચૌહાણ
૧૯૧૧ની ચીની ક્રાંતિ, ક્રાંતિના ઈતિહાસમાં એક અનોખું સ્થાન ધરાવે છે. આ ક્રાંતિ સ્વયં એક એવી ક્રાંતિ હતી જે ઈતિહાસના વૈચારિક સમર્થન અને ચીનના રાષ્ટ્રીય નાયક સુનયાત સેનના સંગઠનાત્મક સમર્થનમાંથી ઉપજી હતી બીજા શબ્દોમાં કહીએ તો ચીની દાર્શનિક ક્ધફ્યુશિયસે’ કહ્યું હતું કે, પાપ અને દુરાચારની સ્થિતિમાં પુત્રની ફરજ છે પિતાનો વિરોધ કરવો અને મંત્રીની ફરજ રાજાનો વિરોધ કરવાનો છે. ક્ધફ્યુશિયસની આ ભાવનાથી ચીની જનતા પરિચિત હતી. બીજી તરફ રાષ્ટ્રીય નાયક સુનાયત સેને પોતાની સંગઠન શક્તિના બળ પર ચીની પ્રજાને એક જુથ કરતા લોકોમાં વિશ્ર્વાસ વધ્યો કે, વર્તમાન સંજોગોમાં ક્રાંતિ વાજબી છે તે કરવી જોઈએ. ૧૯૧૧ની ચીની ક્રાંતિને આ વૈચારિક પરિપ્રેક્ષ્યમાં જોવી જોઈએ.
શ્રી સત્યનારાયણ એશિયા કી ક્રાંતિ નામના પોતાના પુસ્તકમાં લખે છે કે, રાજ શક્તિ હંમેશા અલ્પસંખ્યકોના હાથમાં રહી છે. અલ્પસંખ્યકમાં લોકો કુશળતા પૂર્વક તે કાર્ય-સંપાદન કરે છે કે અન્ય લોકો તેમનો વિરોધ કરી શકતા નથી. રશિયામાં કોમ્યુનિસ્ટ પાર્ટી (સામ્યવાદી પાર્ટી) ઓછી સંખ્યામાં છે તેમ છતાં તે પોતાના બલિદાન અને આદર્શોના બળ પર રાજ્યનું કાર્ય ચલાવતી આવી છે. બહુ સંખ્યક લોકો તેનો વિરોધ કરતા નથી કારણ કે અલ્પસંખ્યકના હાથમાંથી રાજ શક્તિ હટાવવામાં આવશે તો તેમની હાલત વધુ ખરાબ થશે તેવું માનતા હતા.
રશિયાની આ વિચારધારા એશિયન દેશો પર ઊંડી અસર કરી. દરેક વ્યક્તિએ રશિયાની નકલ કરવાનો પ્રયાસ કર્યો છે અને રશિયાને અનુસર્યું એટલું જ નહી અનુકરણ પણ કર્યું પરંતુ પરિસ્થિતિ અનુસાર રશિયન સિસ્ટમથી તેમની કામગીરીમાં થોડો તફાવત જોવા મળ્યો છે. રશિયાની આ પ્રકારની નકલ ચીનમાં ખૂબ જ સ્પષ્ટપણે જોવા મળે છે. ડો. સેનને ૧૯૧૧ની ક્રાંતિમાં સફળતા મળી; તે સમયે રાજ શક્તિ પર લોકોનો નકારાત્મક દૃષ્ટિકોણ હતો તેથી વિદ્યાર્થીઓ વિદેશથી પાછા ફર્યા અને અન્ય વિદ્યાર્થીઓએ તેને સત્તાથી દૂર તો કર્યા પરંતુ પક્ષ કાયમ ટકી શક્યો નહીં. યુવાનશિકાઈની અધ્યક્ષતામાં ચીનની સ્થિતિ મંચુ રાજાઓ જેવી હતી. સુનયાત સેન ૧૯૧૧ની ક્રાંતિમાં સફળતા હાંસલ કર્યા પછી પણ નિષ્ફળ ગયો. તેણે અહીં-તહીં ભટકતા રહેવું પડ્યું. તેઓ ચીનને જે સ્થિતિમાં લાવવા ઈચ્છતા તેમાં સફળ થઇ શક્યા નહીં.
ડો. સુનયાત સેન ચીનની રાષ્ટ્રીય ચળવળનો મુખ્ય નેતા હતો. તેનો જન્મ ૧૮૬૬માં કેન્ટન નજીકના એક ગામમાં ખેડૂત પરિવારમાં થયો હતો. ૧૩ વર્ષની ઉંમરે તે હોનોલુલુમાં તેના મોટા ભાઈ પાસે ગયો. તેનું ચાર વર્ષનું શિક્ષણ મિશન સ્કૂલમાં થયા બાદ હોંગકોંગની મેડિકલ કોલેજમાંથી ૧૮૯૨માં દવા અને સર્જરીમાં સ્નાતકની ડિગ્રી મેળવી મેડીકલની પ્રેક્ટિસ શરુ કરી પરંતુ થોડા સમય પછી તબીબી વ્યવસાય છોડી એક ગુપ્ત સંગઠનનો નેતા બન્યો જેનો ઉદ્દેશ્ય મંચુ શાસનને ઉથલાવીને ચીનમાં પ્રજાસત્તાક શાસન સ્થાપિત કરવું.
૧૯૧૧ ચીનની ક્રાંતિના કારણો : ચીનની ક્રાંતિના અનેક કારણો છે પરંતુ અહી આપણે બે અગત્યના કારણોની ચર્ચા કરીશું. ૧) વિદેશી શોષણ વિરોધી અવાજ : ૧૯મી સદીના મધ્યમાં બે અફીણ યુધ્ધમાં તેના હોશ ઉડી ગયા તેમ છતા તે પરાજિત, અપમાનિત તથા વિદેશીઓનો પ્રભાવ સ્વીકાર કરવા મજબુર હતું. આ પરાજયના કારણે વિદેશી દેશોમાં તેનો બહુ ઉપહાસ થયો જેના કારણે ચીની પ્રજા વિદેશી લોકો પ્રત્યે ધૃણા કરવા લાગ્યા. જેના આવાજને ચીનમાં તાઈપીંગ વિદ્રોહ’ અને બોક્સર બળવો’ ના નામે ઓળખાય છે. આ વિદ્રોહને મંચુ સરકાર દ્વારા વિદેશી મદદ વડે કચડી નાખવામાં આવ્યો. ૨) નવી સંસ્થાઓ અને નવીન વિચાર : ઈ.સ. ૧૯૦૫માં ચીનની શાહી સરકારે પ્રાચીન પરીક્ષા પદ્ધતિ સમાપ્ત કરી. સરકારી સેવામાં પાશ્ર્ચાત્ય પદ્ધતિ પ્રમાણે શિક્ષિત હોય તેની પસંદગી થતા જેની સામે વિદ્યાર્થીઓ વિદેશમાં ભાગવા લાગ્યા. અમેરિકા-જાપાનમાં ચીની વિધાર્થીઓનું ક્રાંતિકારીઓનું એક સંગઠન બન્યું અને કામ કરતું. તે વિદ્યાર્થીઓ ચીનમાં પરત ફરતા ડો. સેનના સંપર્ક આવ્યા. આ જ ક્રમમાં ઈ.સ. ૧૯૦૫ તેમણે જાપાનમાં ’યુંગ-મેંગ-હુઈ’ નામના રાષ્ટ્રીય ક્રાંતિકારી પક્ષની સ્થાપના કરી. ’યુંગ-મેંગ-હુઈ’ એ મિન પાઓ’ નામથી એક પત્રિકા પણ પ્રકાશિત કરતું. આ પાર્ટી પાછળથી કુઓમિન્તાંગ પાર્ટી’ તરીકે જાણીતી બની. સુનયાત સેન ચીનની એકતા, સમૃદ્ધિ અને શક્તિ વધારવા માંગતા હતા જેના માટે તેમણે રાષ્ટ્રવાદ, લોકશાહી અને સમાજવાદના આ ત્રણ સિદ્ધાંતો અપનાવ્યા.
૧૯૧૧ ની ક્રાંતિના પરિણામો : ’યુંગ-મેંગ-હુઈ’ પક્ષના ક્રાંતિકારીઓએ ઈ.સ. ૧૯૧૧ રાજ્ય ક્રાંતિમાં સક્રિયપણે ભાગ લીધો અને મંચુ વંશના સમ્રાટને સિંહાસન છોડવા માટે દબાણ કર્યું. ડો. સેનને આ ક્રાંતિની માહિતી મળતા જ અમેરિકાથી ચીન પરત ફર્યા અને ૧ જાન્યુઆરી, ૧૯૧૨ના રોજ તેમને નાનકિંગ ચીની રાષ્ટ્રના અસ્થાયી રાષ્ટ્રપતિ બનાવવામાં આવ્યા. પરંતુ ડો. સેને રાષ્ટ્રીય એકતા જાળવવા માટે તેમના પદ પરથી રાજીનામું આપ્યું અને ૧૨ ફેબ્રુઆરી, ૧૯૧૨ના રોજ યુઆંશી-કાઈને ચીનના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટ્યા.
યુઆંશી-કાઈને તદ્દન તકવાદી સત્તામાં આવતાની સાથે જ તેણે ફરીથી ચીનમાં મંચુ સમ્રાટોની જેમ નિરંકુશ શાસન સ્થાપિત કરવાનો પ્રયાસ શરૂ કર્યો. ૪ નવેમ્બર, ૧૯૧૩ ના રોજ તેમણે કુઓમિન્તાંગ પાર્ટીને ગેરકાયદેસર જાહેર કરી.
ચીનની નબળાઈનો લાભ લઈને જાપાને ઈ.સ. ૧૯૧૩ ચીનની સામે ૨૧ માંગણીઓ મૂકી. ઈ.સ. ૧૯૧૪ માં પ્રથમ વિશ્ર્વ યુદ્ધ શરૂ થયું ચીનને ઘણી શરતો સ્વીકારવાની ફરજ પડી હતી. ૧૯૧૬ માં યુઆન્સી-કાઈએ ચીનમાં રાજાશાહી જાહેર કરી પરંતુ સમગ્ર દેશમાં તેનો ઉગ્ર વિરોધ થયો હતો. આ કારણે ચીનમાં યુઆનસીકાઈનું નિરંકુશ શાસન લાંબો સમય ટકી શક્યું નહીં. જૂન, ૧૯૧૬ માં તેમનું અવસાન થયું.
કુઓમિન્તાંગ પાર્ટીનું સંગઠન યુઆન-શી-કાઈના મૃત્યુ પછી ચીનમાં ફરીથી અરાજકતાનો માહોલ બની ગયો. કેન્દ્ર સરકાર નામમાત્રની રહી ગઈ અને વિવિધ પ્રાંતીય શાસકો પોતપોતાના પ્રદેશોમાં સ્વતંત્ર શાસકોની જેમ વર્તવા લાગ્યા. આ પરિસ્થિતિનો લાભ લેતા ડો. સુને કુઓમિન્તાંગ પાર્ટીનું પુન: આયોજન શરૂ કર્યું. ઈ.સ. ૧૯૨૧માં ડો. સેને કેન્ટનની રાષ્ટ્રીય સરકારના પ્રમુખ બન્યા.
ડો. સેને કુઓમિન્તાંગ પક્ષને મજબૂત કરવા રશિયા પાસેથી મદદ લેવાનું નક્કી કર્યું. તેથી ઈ.સ. ૧૯૨૩માં માઇકલ અને મોડિન નામના રશિયન સલાહકારો ચીન આવ્યા. તેણે કુઓમિન્તાંગ પાર્ટીનું નવેસરથી આયોજન કરવાનું શરૂ કર્યું. આ પક્ષની પ્રથમ રાષ્ટ્રીય પરિષદ જાન્યુઆરી, ૧૯૨૪માં કેન્ટનમાં યોજાઈ હતી. ડો. સેનને આજીવન પક્ષના અધ્યક્ષ બનાવવામાં આવ્યા. પેકિંગના લશ્કરી નેતાઓને દબાવવા માટે કેન્ટન નજીક એક લશ્કરી શાળા ખોલવામાં આવી હતી અને ચાંગ-કાઈ-શેકને લશ્કરી શાળાના પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
ડો. સુનયાત સેનના સિદ્ધાંતો ઈ.સ. ૧૯૨૪માં કુઓમિન્તાંગ પાર્ટીની પ્રથમ સામાન્ય સભા યોજાઈ, ત્યારે તેમાં પક્ષના સિદ્ધાંતો અને આદર્શોને સ્વીકારવામાં આવ્યા. ડો.સનાયત સેનના મંતવ્યો આ સિદ્ધાંતો પર આધારિત હતા. જે સિદ્ધાંતો નીચે મુજબ હતા-
૧. રાષ્ટ્રીયતા- ડો. સેનનો પ્રથમ અને મુખ્ય સિદ્ધાંત રાષ્ટ્રવાદનો હતો. તેની ધારણા અનુસાર ચીનમાં સાંસ્કૃતિક એકતા હતી પરંતુ રાષ્ટ્રીય એકતાનો અભાવ હતો. ચીની સમાજની તુલના બાલુ પરત સાથે કરી હતી જેને સુદ્રઠ કરવા માટે સિમેન્ટની જરૂર હતી. ઇતિહાસકાર પામરે લખ્યું કે, ડો. સેનની સિમેન્ટ રાષ્ટ્રીયતા હતી જે સાંસ્કૃતિક સમાજમાં વૃદ્ધિ સાથે રાજનૈતિક સમાજમાં પરિવર્તન કરવા સક્ષમ હતો.
ડો. સેન કહેતા હતા કે, વિદેશી રાજ્યો ચીનને સંસ્થાનવાદી રાજ્યો કરતા પણ ખરાબ સ્થિતિ તરફ લઇ જઈ રહ્યા છે. તેથી ચીનને વિદેશી સામ્રાજ્યવાદથી ત્યારે જ બચાવી શકાય જ્યારે ચીનના લોકોને તેમના દેશ પ્રત્યે રાષ્ટ્રભાવના જાગે. રાષ્ટ્રીયતાની ભાવનાના વિકાસ માટે દેશ પ્રત્યે ભક્તિ, કર્તવ્યનિષ્ઠા, પરોપકાર, શાંતિપ્રિયતા અને ઈમાનદારી – આ પાંચ ગુણોની સ્પષ્ટતા કરી.
લોકશાહી : લોકશાહીની સ્થાપના એ કિઓમિન્તાંગ પાર્ટીનો બીજો સિદ્ધાંત હતો. ડો. સેન લોકશાહીમાં અપાર શ્રદ્ધા ધરાવતા હતા. તેમણે ચીનના વિકાસ માટે લોકશાહી પ્રણાલીને અગત્યનું માનતા તેમજ ચીનની સરકાર ખૂબ જ મજબૂત હોવી જોઈએ. તેઓ કહેતા કે, પ્રજાની સંપ્રભુતા’ અને સરકારની શાસન શક્તિ’માં પર્યાપ્ત અંતર છે. સરકાર ત્યારે જ સારું/વ્યવસ્થિત કાર્ય કરી શકે જયારે શાસનનું સંચાલન યોગ્ય વ્યક્તિના હાથમાં હોય.
ડો. સેનનું માનવું હતું કે, ચીનમાં સંપૂર્ણ લોકશાહી શાસન સ્થાપિત થાય તે પહેલાં ચીને ત્રણ તબક્કામાંથી પસાર થવું પડશે. સૌ પ્રથમ, કેન્દ્રીય ચીની સરકારની સૈન્ય શક્તિ એટલી મજબૂત બનાવવી પડશે કે તે વિવિધ પ્રાંતીય લશ્કરી વડાઓ તેના નિયંત્રણમાં લાવી શકે. બીજું, ચીન સૈન્ય શક્તિનો ઉપયોગ કરીને કેન્દ્ર સરકારના નિયંત્રણમાં આવશે ત્યારે ધીમે ધીમે જનતાને લોકશાહી શાસન શીખવવું પડશે. ત્રીજો તબક્કો બંધારણીય તબક્કો હતો જેમાં પ્રજાના લોકો શિક્ષિત થયા પછી પોતે જ કામકાજ ચાલવતા. ડો. સેન લોક અભિપ્રાયને સર્વોચ્ચ મહત્વ આપતા હતા. ચીનના લોકો શાસનના કાર્યમાં મહત્તમ ભાગ લે તેવું ઇચ્છતા હતા. ડો. સેન લોકશાહીના સિદ્ધાંત પ્રજાતંત્ર પર સરકારની શક્તિનું અધ્યારોપણ’ કહી શકાય.
૩. સામાજિક ન્યાય અને આર્થિક પ્રગતિ-: લોકોની આજીવિકા, લોકોની આર્થિક પ્રગતિ એ ડો.સનાયત સેનનો ત્રીજો સિદ્ધાંત હતો. ચીનના મોટા ભાગના લોકો ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હતા અને ખેતી પર નિર્ભર હતા તેથી ડો. સેનનો અભિપ્રાય હતો કે, ગ્રામ્ય વિસ્તારના જમીનદારો અને ખેડૂતો વચ્ચેની વિશાળ આર્થિક અસમાનતાને દૂર કરવી જોઈએ અને જમીનની માલિકીના સંબંધમાં સમાનતા સ્થાપિત કરવી જોઈએ. ડો. સુન યાત સેનનું માનવું હતું કે, કિઓમિન્તાંગ પાર્ટીએ ગ્રામીણ ખેડૂતોની આર્થિક પ્રગતિ પર વિશેષ ધ્યાન આપવું જોઈએ. ડો. સેને માર્કસના ભૌતિકવાદી સિદ્ધાંતની ટીકા કરી એટલું જ નહીં વિદેશી ઉદ્યોગપતિઓનો જોરદાર વિરોધ કર્યો.
કુઓમિન્તાંગ પક્ષે ડો. સનયાત સેનના નેતૃત્વમાં ખૂબ પ્રગતિ કરી. ઈ.સ. ૧૯૨૦ માં પાર્ટીએ કેન્ટનમાં તેની સરકારની સ્થાપના કરી. તેમણે પેકિંગ સરકાર સાથે સમાધાન કરીને ચીનમાં રાષ્ટ્રીય એકતા સ્થાપવાનું નક્કી કર્યું. આ ઉદ્દેશ્યને પરિપૂર્ણ કરવા તેઓ ૧૯૨૫માં પેકિંગ ગયા પરંતુ ત્યાં તેમને ભારે નિરાશાનો સામનો કરવો પડ્યો. ૧ માર્ચ, ૧૯૨૫ ના રોજ પેકિંગમાં તેમનું અવસાન થયું.
ડો. સત્યકેતુ વિદ્યાલંકાર કહે છે કે “જેમ ભારતમાં મહાત્મા ગાંધી અને રશિયામાં લેનિનને સન્માનની નજરે જોવામાં આવે છે તેવી જ રીતે ચીનના લોકો પણ ડો. સેન પ્રત્યે આદર અને સત્કાર દર્શાવે છે. તેમના ચિત્રો, પ્રતિમાઓ શાળા- જાહેર સ્થળો અને સરકારી ઑફિસોમાં સ્થાપિત કરવામાં આવી” લોકો ડો. સનયાત સેનના પુસ્તકોને ધાર્મિક પુસ્તકોની જેમ માન આપવા લાગ્યા હતા.