મોટાં ઘર – નાનાં ઘર
શરદ જોશી સ્પીકિંગ -ભાવાનુવાદ: સંજય છેલ
મુંબઈમાં એક વાવાઝોડાની રાહ જોવાઈ રહી છે. આ વાવાઝોડું મહાનગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ લાવશે અને આ વાવાઝોડાની દિશા મુંબઈમાં ફેલાયેલી ઝૂંપડપટ્ટીઓ તરફ હશે. કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. વાવાઝોડું કેવા આકારનું અને કેવા સ્વરૂપનું હશે એ વિશે અટકળો અને અનુમાન લગાડવાના ચાલુ છે. એ બધાં હથિયારોને તૈયાર કરવામાં આવી રહ્યાં છે, જેને કારણે ગરીબોના ઘર ઉખેડી શકાય. પૈસાવિહીનોને પકડવા માટે પંજાઓને મજબૂત અને ધારદાર કરવામાં આવી રહ્યા છે. બસ, હવે આક્રમણ કરવાનું જ બાકી છે.
આ મોટાં ઘરોનું નાનાં ઘરો પર આ એક જાતનું આક્રમણ છે. અમીરોનું ગરીબો પર આક્રમણ છે. જેણે ગઈકાલે મતદાન કરીને સરકાર બનાવવામાં મદદ કરી હતી આજે એમને એમની વાસ્તવિક પરિસ્થિતિ દેખાડવામાં આવી રહી છે. મહાનગરનો અર્થ જ ગગનચુંબી ઇમારતો છે, નહીં કે ઝૂંપડીઓ. અમીરોને નોકરોની જરૂર હોય છે, પણ નોકરોને ઘર આપવું જોઈએ એ અર્થશાસ્ત્રના નફા વિરુદ્ધની વાત છે. માણસ કરતાં જમીનની કિંમત વધુ છે.
ઈમારતનું મૂલ્ય માનવતા કરતાં વધારે છે. એટલે કોઈ પણ વિકલ્પ શોધ્યા વિના બુલડોઝર ફેરવવામાં આવશે, ઝૂંપડાઓ તોડી પાડવામાં આવશે. ગરીબ પરિવારો માંસના ટુકડા જેવા છે. એને ઉપાડીને ફેંકી શકાય છે. ઝૂંપડાં તોડી પાડવાની જોરદાર તૈયારીઓ ચાલી રહી છે.
બધાં તૈયાર થઈ ગયા છે, આક્રમણ કરવાનો સમય આવી ગયો છે. મહાનગરપાલિકાવાળા જાણે છે કે અંતિમ જીત આપણી જ થશે.
મુંબઈનો શોષણ કરનાર વર્ગ જાગી ગયો છે. એ લોકો ગરીબોનાં ગંદાં ઝૂંપડાઓ સહન કરશે નહીં. મુંબઈ બિલ્ડરો, માલિકો અને ઉદ્યોગપતિઓનું શહેર છે. દરેક ઓફિસ એમની એજન્સી છે.
અમીરોનો સ્વાર્થ હોય ત્યારે જ એ બધા શહેરની સુંદરતાની વાત કરે છે. એ શહેરનાં પાપોને ઘટાડવા માટે કોઈ લડાઈ નથી કરતો, પણ શહેરની સુંદરતા માટે લડાઈ કરે છે. ગરીબ માણસોનાં ઝૂંપડાં સુંદર નથી હોતાં, કારણ કે એ ગરીબ માણસનાં ઝૂંપડાં છે. એને હટાવો, જમીન ખાલી કરો, જેથી બિલ્ડરો ઊંચી ઊંચી ઇમારતો બનાવી શકે, જેને અનૈતિક લોકો ખરીદી શકે અને એમના કિંમતી કચરા સાથે વૈભવી જીવન જીવી શકે!
આમ લડાઈની તૈયારીઓ થઈ ગઈ છે. બસ, શંખનાદ થાય એટલી વાર છે. રોટરી ક્લબ, લાયન્સ ક્લબના આશીર્વાદથી સમાચાર માધ્યમોએ તટસ્થતા અપનાવી છે. આ આક્રમણ ગેરકાયદેસર છે એવા મહાન સિદ્ધાંતને થોપવામાં આવી રહ્યો છે. ગરીબને પૂરા આત્મવિશ્ર્વાસથી રડાવવામાં અને હેરાન કરવામાં આવી રહ્યો છે. મહાનગરને સુંદર બનાવવા માટે નિ:સાસા, અપશબ્દો અને શ્રાપોનું સંગીત જરૂરી છે.
અમીર અને ગરીબ વચ્ચેની લડાઈમાં આખી સરકાર-સિસ્ટમ અમીરોની સાથે છે. જે કોઈ સરકારી સિસ્ટમ, અમીરની ગેરકાયદેસર ફેક્ટરીને દૂર કરી શકતી નથી, જે બિલ્ડરોને સરકારી બગીચાઓ અને રમતનાં મેદાનો વેચી દે છે એ હજારો ઝૂંપડીઓનો નાશ કરવા પુરજોશ અને ઉત્સાહથી આગળ વધી રહી છે.
જ્યારે બધું બરબાદ થઈ જશે, ત્યારે નેતાઓ સાપની જેમ એમના દરમાંથી બહાર આવશે, ગરીબોનું દુ:ખ સાંભળશે અને એમના પર થતાં જુલમ પર આશ્ર્ચર્ય વ્યક્ત કરશે, થોડું આશ્ર્વાસન આપશે અને પછી રાજકારણ શરૂ થશે. ગરીબોની સહાનુભૂતિ ભેગી કરવામાં આવશે જેથી મતની ફસલ ત્યાંથી મેળવી શકાય જ્યાં એક સમયે ઝૂંપડીઓ હતી.
હવે ઊંચા ટાવર છે.