વાત નગ્નતાના દંભની છે, તસવીરની નહીં!
કેનવાસ -અભિમન્યુ મોદી
આજથી આઠ વર્ષ પહેલા મે, ૨૦૧૬માં અમેરિકાના કેલિફોર્નિયાના સાન ડિયાગો શહેરના નેવલ મેડિક સેન્ટરમાં ડોક્ટર નેથન ઉબેલ્હોરની મહિલા પેશન્ટ એડમિટ થઇ. આ એમની પાંચમી સર્જરી છે. આખી પીઠ અને ડાબો હાથ ચીમળાયેલો છે. જોવી ન ગમે એવી ચામડી ધરાવતી તે મહિલાની ઉમર ત્રેપન વર્ષ છે. ડોક્ટર નેથન ચામડીના નિષ્ણાત છે, પરંતુ આટલા દાયકાઓ પછી પણ આ મહિલા નોર્મલ નથી થઇ શક્યાં. ઓપરેશન માટે જતા પહેલાં હજુ એમને ૮ જૂન, ૧૯૭૨ ની તે સવાર ભૂતાવળની જેમ યાદ આવી જતી હશે, પણ હવે આ મહિલા ડરતી નથી. કારણ કે કદાચ એના જખ્મો માનવતાની પડતીના વીસમી સદીના સૌથી મોટા નિશાન છે. આ એ મહિલા છે, જેને વિશ્ર્વ ‘નેપામ ગર્લ’ના નામે ઓળખે છે. નેપામ એટલે સળગી શકે એવું રાસાયણ જેનો યુદ્ધમાં તારાજી ફેલાવવા બોમ્બ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે.
ફેન થી કીમ ફૂક એમનું આખું નામ. ટૂંકમાં કહીએ તો કીમ ફૂક. એ નવ વર્ષની હશે ત્યારે એક મંદિરમાં આશરો લીધેલો. કુટુંબ પણ સાથે હતું. દક્ષિણ વિયેતનામ અને ઉત્તર વિયેતનામના લશ્કર વચ્ચે લોહિયાળ જંગ ચાલુ હતો. અમેરિકાએ વિયેતનામ યુદ્ધમાં ઝંપલાવ્યું હતું. આપણા ઇન્દિરા ગાંધી માટે હંમેશાં અપશબ્દો વાપરનાર રિચાર્ડ નિકસન ત્યારે અમેરિકાના પ્રમુખ હતા. બીજા વિશ્ર્વયુદ્ધમાં જાપાનને હરાવનાર અમેરિકાની હાલત વિયેતનામના ગોરિલા સૈનિકોએ પતલી કરી નાખી હતી. યુદ્ધની આ તીવ્રતાનો અનુભવ અમેરિકા માટે નવો હતો. કાઓડાઈ એક ધર્મનું નામ છે તેના મંદિરમાં કીમ ફુકે તેના પરિવારજનો સાથે આશરો લીધો હતો. બોમ્બના ધડાકા કે ફાઈટર પ્લેનની બિહામણી ચિચિયારીઓ વિયેતનામી પ્રજા માટે નવી ન હતી. ટ્રેગં બેંગ નામના ગામના મંદિરની ઉપરથી દક્ષિણ વિયેતનામનું કોઈ પ્લેન નીકળ્યું અને તે પ્લેનના પાઈલટને ભૂલથી એવું લાગ્યું કે આ વિસ્તાર ઉપર તો ઉત્તરના જૂથે કબજો કરી લીધો છે એટલે એમણે નેપામ બોમ્બ ફેંક્યા. વાતાવરણ પહેલાં બોમ્બ ધડાકાથી અને પછી ચીસોથી ગાજી ઉઠ્યું. ફોટોગ્રાફર્સની ટીમ ત્યાં મોજૂદ હતી. ધુમાડામાંથી બહાર આવતા એમણે અમુક બાળકોને જોયા. નિક ઉટ તરીકે ઓળખાતા સાવ નાની ઉમરના ફોટોગ્રાફર ત્યાં હાજર હતા. એમણે જોયું કે ઘણા બાળકો રડતા રડતા દોડીને આવી રહ્યાં હતાં એમાં વચ્ચે એક નાની બાળકી હતી, જે સંપૂર્ણ નિર્વસ્ત્ર હતી. પેલા તસવીરકારે એ ક્ષણ કેમેરામાં કેદ કરી લીધી. વીસમી સદીના સૌથી મહત્ત્વના ફોટોગ્રાફ તરીકે તે ક્ષણ અમર થઇ જવાની હતી. બાળકો જયારે નિક ઉટ પાસેથી પસાર થયા ત્યારે નિકનું ધ્યાન ગયું કે પેલી છોકરીનો ડાબો હાથ અને આખી પીઠ ખુબ ખરાબ રીતે દાઝી ગઈ છે અને બળી ગયેલી ચામડી તેમાંથી ખરે છે. આ જોઈને એ હેબતાઈ ગયો. કેમેરા મૂકી દીધો અને પેલી બાળકીના દાઝેલા ભાગો ઉપર ઠંડુ
પાણી રેડ્યું. એને હોસ્પિટલ લઇ જવામાં મદદ કરી. તે છોકરી બોલી રહેલી: ગજ્ઞક્ષલ િીફ.. ગજ્ઞક્ષલ ચીફ..એટલે કે બહુ ગરમ, બહુ ગરમ. આ છોકરી એટલે કીમ ફૂક વારંવાર પોતાની સર્જરી કરાવવી પડી.
આઠ જૂને આ તસ્વીર ખેંચવામાં આવી અને પછી ન્યૂયોર્ક ટાઈમ્સમાં છપાવવા માટે મોકલવામાં આવી પરંતુ તે અખબારની પોલિસી મુજબ આ ફોટો છાપવા માગતા ન હતા. બાળકીની ફ્રન્ટલ ન્યુડિટી-નગ્નતાને તંત્રીઓએ આ ફોટોને પ્રગટ કરવાનો ઇનકાર કર્યો, પણ નિક ઉટએ દલીલ કરી : ‘આ તસવીર ક્લોઝ અપ નથી ઉપરાંત યુદ્ધની ભયાનકતાને તાદૃશ રજૂ કરે છે’ એની આ દલીલ માન્ય રાખવામાં આવી અને ૧૨ જૂન, ૧૯૭૨ના અખબારમાં આ તસ્વીર પહેલા પાન ઉપર પ્રગટ થઇ. ત્યારે આખું જગત સ્તબ્ધ થઇ ગયેલું. અમેરિકા-વિયેતનામ વોરની ભયાનકતા વિષે લોકો માહિતગાર હતા પણ ત્યાંની દોજખ સમાન સ્થિતિનો અહેસાસ ન હતો, જે આ તસ્વીરે કરાવ્યો. વિયેતનામ
યુદ્ધમાં ડૂબેલા નિકસનને તો આ ફોટો જ ખોટો લાગ્યો! ઈતિહાસકારોના માટે આ એક તસ્વીરે વિયેતનામ યુદ્ધની સમાપ્તિ આણવામાં ઝડપ કરાવી!
કીમ ફૂકનું ત્રીસ ટકા શરીર બળી ગયેલું. એણે મહિનાઓ સુધી હોસ્પિટલમાં રહેવું પડ્યું તો પણ શરીર કે એની લાઈફ નોર્મલ ન થઇ શકી. પત્રકારો માટે તે ફક્ત ‘સ્ટોરી’ બની ગયેલી તો ખુદ માટે બોજ. એને ખુદને ડોક્ટર બનવું હતું પણ ન બની શકાયું. પણ એની જિંદગીમાં નોર્મલ માણસોની લાઈફમાં આવે એવી સારી પળો પણ આવી. એનાં પ્રેમલગ્ન થયાં. કેનેડા સ્થાયી થયાં. ‘યુનેસ્કો’ સાથે પણ એ પાછળથી સંકળાયાં. અત્યારે એ યુદ્ધથી શોષિત બાળકો માટે ચેરિટી ચલાવે છે, વિશ્ર્વમાં ફરીને લોકોને જાગૃત કરે છે ખાસ તો શાંતિ રહે અને યુદ્ધ ન થાય તેવો સંદેશો ફેલાવવાનો પ્રયાસ કરે છે. ફોટોગ્રાફર નિક ઉટ અને એ બહુ સારા મિત્ર છે અને અવારનવાર મળતા રહે છે. એક કપરી ક્ષણે એ બંનેની જિંદગી બદલી નાખી હતી.