સપનાંનાં વાવેતરના સિંચનની શરૂઆત
મહેશ્ર્વરી
ત્રણેક મહિનાનો ગુજરાત પ્રવાસ કરી હું સ્વગૃહે – શ્રી દેશી નાટક સમાજમાં પાછી ફરી અને બહુ જલદી રૂટિનમાં ગોઠવાઈ ગઈ. વાસ્તવિક જીવન અને રંગભૂમિના જીવન વચ્ચે મેળ બેસે એ જરૂરી નથી. ફિલ્મ ઈન્ડસ્ટ્રી વિશે કહેવાય છે ને કે ‘રીલ અને રિયલ લાઈફ’ વચ્ચે ઘણીવાર મોટી ખાઈ છે. નાટકની દુનિયામાં પણ આ શિરસ્તો અનેકવાર જોવા મળ્યો છે. અગાઉ હું જણાવી ગઈ છું કે મુંબઈમાં નાટક કરી અભિનેત્રી તરીકે મારે નામના તો મેળવવી જ હતી, પણ સાથે સાથે અંગત જીવનમાં પણ સમૃદ્ધ થવું હતું. મુંબઈમાં ઘણાં વર્ષો માસ્તર સાથે સિંગલ રૂમમાં રહ્યા પછી હું મોટા ફ્લેટમાં રહેવાના સપનાં જોવા લાગી હતી. પણ સપનાંનાં વાવેતરને ફળ ક્યારેક જલદી આવે, બહુ વાર પણ લાગી શકે અને ઘણી વાર તો ફળ આવ્યા પહેલા જ વાવેતર સુકાઈ જાય. મોટા ઘરનું મારું સપનું ક્યારે સાકાર થશે એ હું ત્યારે નહોતી જાણતી, પણ એક આનંદ આપનારી વાત એ હતી કે મારા સપનાંનાં વાવેતરને કૂંપળો ફૂટી જ્યારે પાડોશીની મદદથી મારા ઘરની જગ્યાનો વિસ્તાર થયો અને મારી અલાયદી રૂમ તૈયાર થઈ ગઈ. મનુષ્ય જીવનમાં કલાત્મક વિસ્તારની સાથે ભૌતિક વિસ્તારની પણ ઝંખના કરતો હોય છે. મહેશ્ર્વરી વસઈ – વિરારના નાનકડા ગણેશ મંડળોમાં નાટકો કરી ગુજરાતની નાટક કંપનીઓમાં અભિનયના અજવાળા પાથરી એ જમાનામાં રંગભૂમિ સાથે સંકળાયેલા કલાકારો માટે શિરમોર ગણાતી શ્રી દેશી નાટક સમાજ કંપનીમાં જોડાઈ પાંચમા પૂછાવા લાગી હતી. એ જ મહેશ્ર્વરી ભૌતિક સુખ પણ ઝંખતી હતી અને એ દિશામાં પહેલું કદમ મંડાઈ ગયું એનો હરખ હતો. વધુ કદમ આગળ માંડી શકાય એ માટે થિયેટરની નોકરીની સાથે સાથે ગણેશ મંડળોનાં નાટકો પણ કરતી હતી જેથી મારી આવક વધારવામાં મદદ થઈ રહી હતી.
જોગેશ્ર્વરીના જીવનની કેટલીક વાતો મારે શેર કરવી છે જેના પરથી કલાકારે કેવા વિરોધાભાસી વાતાવરણમાં રહેવું પડે છે એનો ખ્યાલ આવશે. હું નાટકની કલાકાર, મારા પતિ માસ્તર પણ સંગીતના જાણકાર. ટૂંકમાં કલારસિક દંપતી, પણ અમે રહેતાં હતાં એ વિસ્તારમાં મુંબઈની ભાષામાં કહીએ તો ‘તડીપાર’ લોકો ઘણા હતા. નાના મોટા ગુના કરી, પોલીસથી નાસતા ફરતા આ લોકો માટે જોગેશ્ર્વરી સંતાઈ રહેવાનું આશ્રયસ્થાન હતું. એ સમયે જોગેશ્ર્વરીની ઝૂંપડપટ્ટી ધારાવી પછી બીજા નંબરની તરીકે જાણીતી હતી. વાત એ હદ સુધી હતી કે દક્ષિણ મુંબઈના લોકો તો જોગેશ્ર્વરીનું નામ સાંભળી મોઢું બગાડતા. જોકે, મારે કહેવું જોઈએ કે ‘તડીપાર’ તત્ત્વ સિવાયના જે લોકો હતા એ ખૂબ પ્રેમાળ હતા. એમની પાસે મૂડીની અછત હતી, એમના ખિસ્સા સાંકડા હતા, પણ એમના દિલ વિશાળ હતા. પ્રસંગ – ઉત્સવની ઉજવણી હોંશથી કરતા. એ વસ્તીમાં નાટ્ય કલાકાર તરીકે મને લોકો બહુ માન આપતા અને મને કોઈ તકલીફ ન પડે એનું ખાસ ધ્યાન રાખતા હતા. મારા ઘરની આસપાસ માલવણ – કોંકણ વિસ્તારના લોકોની મુખ્ય વસ્તી હતી. મુંબઈની મિલો બંધ પડી ગયા પછી બેરોજગાર બની ગયેલા ‘ગિરણી કામગાર’ (મિલ મજદૂર માટે મરાઠી શબ્દ) મોટી સંખ્યામાં જોગેશ્ર્વરીમાં રહેતા હતા. આ લોકો પાસે ઝાઝું ભણતર નહીં, પણ કલા રુચિ ખરી અને એટલે નાટકના કલાકાર માટે મનમાં આદર ભાવના રહેતી. મને ક્યારેક રાત્રે ઘરે પાછા ફરતા રાતના દોઢ બે વાગી જાય તો મારી કોઈ છેડતી ન કરે અને હું હેમખેમ ઘરે પહોંચું એની દરકાર આ લોકો રાખતા. પાણી ભરવાના નળ પર નંબર માટે હુંસાતુંસી થાય પણ જ્યારે ખબર પડે કે કોઈ ઘરમાં બાળકો માટે પાણીની તીવ્ર તંગી છે તો જેની સાથે ઝઘડો કર્યો હોય એ જ ઘરમાં પાણી પણ પોતે જ પહોંચાડી આવે. કમાલની એ દુનિયા હતી. આર્થિક પરિસ્થિતિમાં તળેટીમાં વસવાટ કરતા આ લોકો આંતરિક ભાવનામાં ઊંચા શિખર પર બિરાજમાન હતા.
જીવન કેવા કેવા વળાંક લેતું હોય છે એ જોવા જેવું છે. પહેલી વાર જોગેશ્ર્વરી માસ્તરને મળવા આવી હતી ત્યારે મને મારા સિવાય કોઈ નહોતું ઓળખાતું અને માસ્તરની નામના એક કુશળ સંગીતકાર તરીકેની, એક કાબેલ કલાકાર તરીકે હતી. કોઈને પણ મીઠી ઈર્ષા થાય. શ્રી દેશી નાટક સમાજમાં હું જોડાઈ ગઈ એ પછી મારી ખ્યાતિ ધીમે ધીમે વધવા લાગી અને મારે કમને કહેવું પડે છે કે માસ્તરના મનમાં ઈર્ષા વધવા લાગી હતી. પુરુષ સહજ અહંકાર બીજું શું? તેમના રોજિંદા વ્યવહારમાં આ બધું હું સાફ જોઈ શકતી હતી. જોકે, મેં એની સામે આંખ આડા કાન કરી માત્ર મારી નાટ્ય સફર બહેતર બનાવવા પર લક્ષ કેન્દ્રિત કર્યું. ‘મહાભારત’નો એક પ્રસંગ છે ને કે ગુરુ દ્રોણ પાંડવો અને કૌરવોને તીરંદાજી શીખવવા એક મોટા
ઉદ્યાનમાં લઈ ગયા. તીર – કામઠું આપી તેમણે દુર્યોધનને પૂછ્યું કે ‘તારી આસપાસ તને શું દેખાય છે?’ દુર્યોધને જવાબ આપ્યો, ‘આકાશ, વાદળો, ઉડતાં પંખીઓ અને ચારે બાજુ લીલાછમ વૃક્ષો દેખાય છે.’ પછી ભીમ, યુધિષ્ઠિર અને અન્યોને પણ એ જ સવાલ કરવામાં આવ્યો ત્યારે એ બધાએ પણ દુર્યોધનના જવાબને મળતી જ વાત કરી. પછી આ જ સવાલ જ્યારે તીર – કામઠા સાથે સજ્જ અર્જુનને પૂછવામાં આવ્યો ત્યારે તેણે એટલું જ કહ્યું કે ‘મને તો માત્ર માછલીની આંખ જ દેખાય છે’. જીવનના લક્ષ પર જ સમગ્ર ધ્યાન કેન્દ્રિત કરવાની આ વાત મારા હૈયામાં કોતરાઈ ગઈ હતી અને એટલે જ માસ્તરની ઈર્ષા હોય કે કંપનીની કે બીજી કોઈ ખટપટ હોય, એની અવગણના કરી કલાકાર તરીકે આગળ વધવાના મારા લક્ષ્ય પર જ મેં ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. મારા સપનાંનાં વાવેતરનું સિંચન મારે જ કરવાનું હતું. નાટ્ય પ્રવૃત્તિ વેગ પકડી રહી હતી ત્યાં એક દિવસ એવી ઓફર આવી કે…
પુરૂષ કલાકારને સ્ત્રી ભેટ
જૂની રંગભૂમિના પટારામાં એવી એવી વાતો ધરબાઈ પડી છે કે આંખોને અચરજથી પહોળી થવા માટે જગ્યા ઓછી પડે. ધોતિયાની કિનાર પર નાટકના ગીતનો એક મજેદાર કિસ્સો ગયા હપ્તામાં આપણે માણ્યો. આજે બીજો એક હેરત પમાડનારા કિસ્સાથી વાકેફ થઈએ. મહેસાણા તાલુકામાં જન્મેલા કચરાલાલ શિવલાલ નાયકનો જન્મ રંગભૂમિના ક્ષેત્ર સાથે સંકળાયેલા પરિવારમાં થયો હતો. આઠ વર્ષની ઉંમરે જ સ્ટેજ પર એન્ટ્રી મારી લીધી. તેમણે શરૂઆત ‘મુંબઈ ગુજરાતી નાટક મંડળી’થી કરી હતી. થોડો સમય શ્રી દેશી નાટક સમાજમાં પણ કાર્યરત હતા. આ કંપનીમાં કેટલાંક નાટકોનું દિગ્દર્શન તેમણે કર્યું હતું. નામાંકિત ફિલ્મ દિગ્દર્શક વિજય ભટ્ટના ‘લાખો ફુલાણી’ નાટકનું દિગ્દર્શન કચરાલાલે કર્યું હતું. અભિનયનો શોખ હોવાથી સદાબહાર નાટક ‘વડીલોના વાંકે’માં તેમણે ગોપાલ શેઠની ભૂમિકા પણ કરી હતી. ‘માલતી માધવ’ નાટકમાં એમની સ્ત્રી ભૂમિકાથી કદરદાન શેઠે તેમને સ્ત્રીઓમાં પસંદગી ધરાવતો એ સમયે ખૂબ મોંઘો ગણાતો મખમલનો પોશાક ભેટ આપ્યો હતો. (સંકલિત)