ઉત્સવ

વીસ રૂપિયાની વોટર બોટલ અમેરિકાના કેન્ટુકીની કમ્બરલેન્ડ યુનિવર્સિટીને કેટલામાં પડી?

વ્યંગ -ભરત વૈષ્ણવ

પાણી પીવું એ ઐહિક -દૈહિક જરૂરિયાત છે. શરીરમાં ૭૦ ટકા પાણી હોય છે. પાણી પીધા વિના માણસ લાંબો સમય ટકી શકે નહીં. રણમાં દિશા ભટકેલો માણસ રાણી વિના રઝળીને મરી જાય છે ઝાકળને મૃગજળ ઘૂંટડે ધૂઠડે કે ધધૂડે ધધૂડે પી શકાતા નથી!એટલે જ જળ એ જીવન કહેવાય છે.

માણસે કેટલું પાણી પીવું તે અંગે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર એટલે એસઓપી કે નોર્મ્સ નિયત કરેલ નથી.દિવસમાં માણસે કેટલા લિટર પાણી પીવું તે નકરી કરી શકાય નહીં. ઓછું પાણી પીવાથી સમયાંતરે હોજરી સંકોચીને જાય તેવી સંભાવના રહેલી છે. વધારે માત્રામાં પાણી પીવાથી જળોદર નામનો રોગ થઇ જાય છે. જળોદરનો લોકભાષામાં હાથ પગ દોરડી અને પેટ ગાગરડી થઇ જાય છે!એક અનુમાન મુજબ ભેંસ એકવાર જેટલું પાણી પીવે તેટલું પાણી માણસે ચોવીસ કલાકમાં પીવું જોઇએ.

કેટલીક વ્યક્તિઓ પાણી પીવડાવાના બદલે ભલભલાને ભૂ પીવડાવવામાં પાવરધી હોય છે. કેટલીક વ્યક્તિને કર્યા કારવ્યા પર પાણી ફેરવવાની મહારત હોય છે. કેટલીક વ્યક્તિ તમારા તનસૂબા, મનસૂબા અને ધનસૂબાપર પાણીઢાળ કરવાનો મહાન સિદ્ધિ માનતા હોય છે! પાણી એવું પ્રવાહી છે કે પાણી પાસે મહિલાના દુપટ્ટા તે નેઇલ પોલિશના મેચિંગનો કલર કમનસીબે હોતો નથી.
એક ફિલ્મમાં ફિલ્મનો હીરો ‘પાની રે પાની તેરા રંગ કૈસા?’નો કુટિલ કોયડો પૂછે છે! માણસના અતલ મનનો તાગ પામવો વિકટતમ હોય છે. કોણ કેટલા પાણીમાં છે તેનું સમુદ્રમંથન કરવા છતાં જાણી શકાતું નથી.

પાણી માણસના જીવનમાં કેટલું બધું ઓતપ્રોત થઇ ગયું છે.? તેના કેટલાક ઉદાહરણો તપાસીએ તો તેનો અંદાજ આવે છે.હોશિયાર માણસ મે ઘાટ ધાટના પાણી પીધા છે તેવો દાવો કરતો હોય છે.જે ઘરમાં કંકાસ થતો હોય તેના ઘરના ગોળાના પાણી સૂકાઇ જાય છે તેવું કહેવાય છે. કોઇની ખબર પૂછતી વખતે તબિયત પાણી કેવા છે તેમ પૂછવામાં આવે છે.

બિમાર વ્યક્તિને સાજો કરવા પાણી ફેર કરવા એટલે બીજા ગામ કે શહેરમાં જવાની તબીબી ભલામણ કરવામાં આવે છે.બેભાન થયેલ વ્યક્તિને ભાનમાં લાવવા પાણી છાંટવામાં આવે છે.ક્યારેક પાણી હથેળીમાં લઇ પ્રતિજ્ઞા કરવામાં આવે છે. ક્યારેક કોઇ વાતે વાંધો પડે તો વ્યક્તિ, ઘર, ગામનું પાણી અગરાજ કરવામાં આવે છે.યુવક-યુવતીની સગાઇ કરતા સમયે જળ ઝીલ્યા કે જળ દીધા તેમ કહેવાય છે! કોઇ વ્યક્તિનું જનોઇવઢ જેવું અપમાન કરીએ એટલે તેને પાણીથી પાતળો કર્યો કહી શકાય.

જ્યારે કોઇને ગામ કે શહેર છોડવાની નોબત આવે એટલે એના અન્નજળ ખૂટી ગયા છે તેમ કહેવાય છે. માણસ ભયની સ્થિતિમાં હોય ત્યારે તેના પગ પાણી પાણી થતા હોય છે. જો કે ઘરવાળી સામે નોર્મલ કે ઍબનોર્મલ સિચ્યુએશનમાં ગોરધનના પગ પાણી પાણી થતા હોય છે.

કોઇ વ્યક્તિ નાલેશીભર્યું વર્તન કરે તો તેને નદી,કૂવો કે વાવ નહીં, પરંતુ ચુલ્લુભર પાણી લઇને કે ઢાંકણીમાં પાણી ભરી ડૂબી મરવાનું ઉપાલંભ આપવામાં આવે છે!

ગામડાની એક વ્યક્તિ વિદેશમાં ઉછરેલી.ઘણા વરસો પછી વતન આવેલ. તેને ભયંકર તરસ લાગેલ. તેણે આદતવશ સૌને વોટર આપવાનું વિનંતી કરી. ગામડિયા સમજી શકયા નહીં કે વિલાયતી બાબુને શું જોઇએ છે.

ખાટલાની નીચે પાણીનો કળશિયો એટલે કે કોટો હતો. છતાં પણ માત્ર ભાષાના રમખાણ કે કમઠાણને લીધે તે વ્યક્તિને જીવ બચાવવા જીવનરક્ષક એવું પાણી મળ્યું નહીં અને વિલાયતી બાબુ વોટર વોટર કરતા વિશ્ર્વનો ત્યાગ કરી ગયેલ.

એક કથા મુજબ એક ઋષિમુનિ વનમાં વિચરણ કરતા હતા. સૂરજ મહારાજનો તીખો તડકો ઋષિને વ્યગ્ર કરતો હતો. ભૂખથી આકળવિકળ હતા. ભૂખથી જીવ હતો. સામેથી એક માણસ મળ્યો. ઋષિએ તેને કંઇક ખાવાનું આપવા વિનંતી કરી. પેલી વ્યક્તિએ બાફેલા અડદ આપ્યા.

અડદ ખાધા પછી ઋષિના જીવમાં જીવ આવ્યો. પેલી વ્યક્તિએ પીવાનું પાણી ઋષિને ધર્યું. ઋષિએ તેની જ્ઞાતિ પૂછી. તે વ્યક્તિ શુદ્ર હતો. તેથી ઋષિએ પાણી સ્વીકારવાનો ઇન્કાર કર્યો. તે વ્યક્તિએ બાફેલા અડદ જમતી વખતે સામેની વ્યક્તિની જાતિ કેમ ન પૂછી તેવો સવિનય સવાલ પૂછયો. ઋષિએ કહું કે ત્યારે મારો જીવ જતો જતો રહે એવું થતું હતું. આપદ ધર્મ સમયે સામેનાની જાત ન પૂછાય બાકીના સમયે જાતિના આધારે વ્યવહાર કરવો પડે. રાશ મણિયાર ભલે ફરમાવે કે પૂછીને થાય નહીં પ્રેમ. પરંતુ જાત પૂછીને ન પીવાય પાણી!

અતિની ગતિ સારી હોતી નથી એવું જ્ઞાની લોકો અજ્ઞાનીને કહે છે. અતિ સર્વત્ર વર્જયતે સુભાષિત પાણી પીવાના કિસ્સાને પણ લાગુ પડે છે. કરાટે કિંગ બ્રુસલી વધારે માત્રામાં પાણી પીવાના કારણે મૃત્યુ પામ્યો હોવાનું કહેવાય છે. વધુ પાણી પીવાના કારણે હાઇ પોનેનેટ્રિયા નામનો રોગ થાય છે.

શરીરમાં સોડિયમની ઊણપ ઊભી થવાના કારણે કિડની પાણી ફિલ્ટર કરી શકતી નથી. જેથી પાણી લોહીનાં મિકસ થઇ જવાના કારણે ઇશુનામ સત્ય હૈ મતલબ માણસ મરણ પામે છે. પાંત્રીસ વર્ષીય અમેરિકન એશલ સમર્સનું અત્યાધિક માત્રામાં પાણી પીવાના લીધે મૃત્યુ થયેલ. આ સંદર્ભમાં થોડા હૈ થોડી પાણી કી જરૂરત હૈ એમ ગાવું રહ્યું!

તમે કોઇને હમણાં પાણી ન પીવા સલાહ આપો કે હુકમ કરો તો તમારે તમારી સલાહ બદલ નાણાં ચૂકવવા પડે? તમે કહો કે યાર કેવી વાત કરો છો? કોઇને પાણી પીતા રોકવા માટે થોડું વળતર ચૂકવવું પડે? જો તમે તમારી માન્યતાનાં દ્રઢ વિશ્ર્વાસ રાખતા હોઇ તો તેને તિલાંજલિ આપી દેજો. નહીંતર કરોડો રૂપિયાનું વળતર આપવા ગજવું ઢીલું રાખજો અને મોઢું હસતું રાખજો.

હમણાં એક કિસ્સો બની ગયો. અમેરિકાના કેન્ટુકીની કમ્બરલેન્ડ યુનિવર્સિટીએ એક વિદ્યાર્થીના પરિવારને ૧૧,૫૦૦,૦૦,૦૦૦ રૂપિયા એટલે માત્ર એકસો પંદર કરોડ
રૂપિયાનું ચણામમરા જેવું મામૂલી વળતર આપવા સંમતિ આપી. વીસ વર્ષીય ગ્રાન્ટ બ્રશન કુશ્તીનો ખેલાડી હતો. પ્રેક્ટિસ દરમિયાન દોડતા દોડતા બ્રેશન થાકી ગયો અને કોચ જોર્જન કન્ટ્રિમેન પાસે આરામ કરવા અને પાણી પીવા માટે પરમિશન માંગી. કોચ કન્ટ્રિમેન અંગ્રેજ કે જમાને કે કોચ થા. તેને લાગ્યું કે બ્રેશન
પ્રેક્ટિસ ન કરવા બહાનાબાજી કરે છે. કન્ટ્રિમેને પાણી પીવા માટે બ્રેશનને મનાઇ ફરમાવી. થોડા કલાકમાં બ્રેશન ઇશુ ખ્રિસ્તને પ્યારો થઇ ગયો. બ્રેશનના પરિવારે કમ્બરલેન્ડ યુનિવર્સિટી સામે વળતરનો દાવો કર્યો. અંતે કમ્બરલેન્ડ યુનિવર્સિટી ૧૧,૫૦૦,૦૦,૦૦૦ રૂપિયા ચૂકવવા જખ મારીને તૈયાર થઇ. વીસ રૂપિયાની વોટર બોટલ કમ્બરલેન્ડ યુનિવર્સિટીને ૧૧,૫૦૦,૦૦,૦૦૦ રૂપિયા પડી! પાણી પીવા દેવાનો સોદો સસ્તામાં પડ્યો હોત. વળતરના રૂપિયામાં પાંચ કરોડ પંચોતેર લાખ વોટર બોટલ મળે એ વાત અલગ છે. એટલા પાણીમાંથી પાણીનો હોજ ભરીને બ્રેસનને પાણી પીવા છોડી શકાત. જ્યારે પાણી ન પીવા દેવાનો સોદા બબુચક મહંગા હુઆ કન્ટ્રિમેન સાહેબ!જો કે વીસ રૂપિયાની વોટર બોટલ અમેરિકાના કેન્ટુકીની કમ્બરલેન્ડ યુનિવર્સિટીને કેટલામાં પડી? જો કે,યુનિવર્સિટીએ કન્ટ્રિમેનને ગડગડિયું પકડાવી દીધું છે, મતલબ કે કેન્ટુકીમેનને નોકરીમાંથી હાથ વગર પાણીએ ધોવા પડયા છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત આ કારણોએ સિતારાઓની સ્મોકિંગ છોડાવી, તમે પણ છોડી દો પિતૃ પક્ષ દરમિયાન તુલસી સાથે જોડાયેલી આ ત્રણ ભૂલો ના કરતા નવરાત્રીના નવ રંગોની સૂચિ