કેન્દ્ર સરકારની લાલઆંખ : સરકારી અધિકારી હવે મોડા આવશે તો કપાશે અડધા દિવસનો પગાર
નવી દિલ્હી: સરકારી કચેરીઓમાં ફરજના સમયે અધિકારીઓની હાજર થવાની લાલિયાવાડી સામે હવે કેન્દ્ર સરકારે લાલ આંખ કરી છે. કેન્દ્ર સરકાર હવે મોડા આવતા કર્મચારીઓ સામે કાર્યવાહી કરવાની છે. આ બાબતે સરકાર દ્વારા નવી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે, જેમાં કર્મચારીઓને સમયસર પહોંચવાની સૂચના આપવામાં આવી છે. આ માર્ગદર્શિકા મુજબ જો કોઈ સરકારી કર્મચારી 15 મિનિટથી વધુ મોડો આવશે તો તેનો પગાર કાપવામાં આવશે.
ડિપાર્ટમેન્ટ ઓફ પર્સોનેલ એન્ડ ટ્રેનિંગ (DoPT) દ્વારા સરકારી કર્મચારીઓને સમયસર કચેરી પહોંચી જવા માટે ચેતવણી આપી છે. કેન્દ્ર સરકારના કર્મચારીઓને માત્ર 15 મિનિટ મોડા આવવાની છૂટ છે. 9 વાગ્યે ઓફિસ ખૂલતી હોય તેવા કર્મચારીઓએ મોડામાં મોડું 9:15 સુધીમાં ઓફિસ પહોંચી જવું પડશે નહિતર તેમની અડધા દિવસની કેઝ્યુઅલ લીવ કાપવામાં આવશે. આ આદેશ સિનિયર અધિકારીઓ સહિત તમામ કર્મચારીઓને લાગુ પડે છે.
કોરોના બાદ ઘણી સરકારી કચેરીઓમાં બાયોમેટ્રિક અટેન્ડન્સ સિસ્ટમનો ઉપયોગ બંધ થઈ ગયો છે. કેન્દ્ર સરકારે હવે બાયોમેટ્રિક હાજરી સિસ્ટમનો ઉપયોગ ફરી શરૂ કરવા સૂચના આપી છે. જો કોઈ કર્મચારી ચોક્કસ દિવસે ઓફિસમાં સમયસર પહોંચી શકતો નથી, તો તેણે તેના ઉપરી અધિકારીને અગાઉથી જાણ કરવી પડશે અને આકસ્મિક રજા માટે અરજી કરવી પડશે.