ઉત્સવ

આત્મશક્તિ જાગે ત્યારે

આકાશ મારી પાંખમાં -ડૉ. કલ્પના દવે

આઈ.ટી. સેકટરનું મુખ્ય સેન્ટર ગણાતા પૂનાના કોમર્શિયલ વિસ્તારમાં આદિત્ય કપૂરે ગ્લોબલ ટ્રેડ નામે એક માર્કેટિંગ એજન્સી પાંચ વર્ષ પહેલા શરૂ કરી હતી. અને આજે ૧૨૫ના સ્ટાફ સાથે બે શિફ્ટમાં કામ કરતી આ એક મોટી કંપની બની ગઈ છે. યુ.કે.માં એમ.બી.એ.નો કોર્સ કરીને આદિત્યે બે વર્ષ યુ,કે.માં મોટી કંપનીમાં કામ કર્યું હવે પોતાની સ્વતંત્ર એજન્સી શરૂ કરી. આદિત્ય માનતો હતો કે વિદેશની કાર્યપદ્ધતિ અને નૈતિક મૂલ્યો જાળવીએ તો ગમે ત્યાં, ગમે તે ક્ષેત્રે કામ કરો સફળતા મળે.

આદિત્ય કપૂરને તેના સ્ટાફમાં બધા એ.કે. સરના નામે બોલાવતા. માર્કેટિંગ ઈનચાર્જ સુભાષ દેસાઈ હોય કે બિઝનેસ ડેવલોપમેન્ટનો ઈન્ચાર્જ નિપુણ ચૌધરી હોય કે એકાઉન્ટંટ રૂચિરા જોષી હોય એ.કે. સર બધાને માનથી જ બોલાવે. સમયની ચોક્સાઈ, કામમાં ઈમાનદારી, નિષ્ઠા અને સૌજન્યપૂર્ણ વ્યવહાર એ કંપનીનો મુદ્રાલેખ ગણાય છે. કોમ્પ્યુટર ડેટા ઓપરેટર, સર્વિસમેન, કેન્ટીન સ્ટાફ બધાને એ.કે. માટે માન હતું. દરેકને શ્રેષ્ઠ કામ કરવાનું પ્રોત્સાહન મળે એટલે એ.કે. સર દર વર્ષે જુદા જુદા ક્ષેત્રનું કામ જોઈને શ્રેષ્ઠતાના ત્રણ પુરસ્કાર આપતા.

ગયા વર્ષે જ રૂચિરા જોષીને શ્રેષ્ઠતા- એવોર્ડ મળ્યો હતો, તેણે પાંચ દિવસ માટે સિંગાપુરની ટૂર માણી હતી. એટલે આ વર્ષે નિપુણ ચૌધરી અને સુભાષ દેસાઈ વચ્ચે સ્પર્ધા હતી. સુભાષ અને રૂચિરા કોલેજકાળના મિત્રો અને એક જ સોસાયટીમાં રહેતાં હતાં તેથી તેમની મૈત્રી ગાઢ છે. માર્કેટિંગ ઈનચાર્જ સુભાષ એ.કે સરનો રાઈટ હેન્ડ ગણાતો. જ્યારે નિપુણ ચૌધરી ત્રણ વર્ષ પહેલાં જ કંપનીમાં જોડાયો હતો. તે એ.કે. સરના પિતા કનુભાઈના મિત્રનો દીકરો હતો અને અમદાવાદમાં રહેતો હતો.

એ.કે. સરે નિપુણને અહીં ભાડેથી ફલેટ અપાવ્યો હતો, એ એકલો જ રહેતો હતો. બિઝનેસ ડેવલોપમેન્ટનો ઈનચાર્જ હોવાથી કંપનીના અગત્યના નિર્ણયોમાં એ.કે. સરની સાથે જ રહેતો.. નિપુણના મનમાં હતું કે આ વર્ષે એક્ષલંસી એવોર્ડ મને જ મળશે. જાણે એ.કે. પછી કંપનીનો બોસ પોતે જ હોય તેમ વર્તતો. પણ, ખરેખર કોર્પોરેટ વર્લ્ડમાં બેસ્ટ પરફોર્મન્સ જ મહત્ત્વનું છે.

મિસ.રુચિરા તમારા એકાઉન્ટનું ઓડિટિંગ થઈ ગયું કે બાકી છે? નિપુણે રુચિરાના ટેબલ પાસે આવીને કડક અવાજે પૂછ્યું.

હું એ.કે. સરની સાથે વાત કરીશ. બાય ધ વે તું શા માટે પૂછે છે, રુચિરાએ કહ્યું.

આય જસ્ટ વોન્ટ ટુ કીપ ઈટ રેડી. નિપુણે કહ્યું.

નો આય કેન મેનેજ. રુચિરાએ ટૂંકમાં જ પતાવ્યું, અને બાજુમાં બેઠેલા સુભાષ સામું જોયું.

સુભાષે ટોણો મારતાં કહ્યું- રુચિરા, એને પણ એક્ષલંસ એવોર્ડ જોઈએ કે નહીં?

નિપુણ એ બન્ને તરફ ગુસ્સામાં જોઈ રહ્યો.

રુચિરા આ વર્ષે તો ખરી સ્પર્ધા માર્કેટિંગ અને બિઝનેસ વચ્ચે લાગે છે.સુભાષના આ શબ્દો સાંભળીને અકળાયેલો નિપુણ મનોમન બબડ્યો- મારી પહોંચ તમે જાણતા નથી.

રુચિરાએ કહ્યું- સુભાષ એને મારા બોસ થવું છે, પણ એ રુચિરા જોષીને ઓળખતો નથી. આ એવોર્ડ આપણી કાર્યદક્ષતા અને નિષ્ઠા માટે છે. આપણું કાર્ય શ્રેષ્ઠ હોવું જોઈએ. ઈટ્સ હેલ્ધી કોમ્પિટીશન. આ વર્ષે તો માર્કેટિંગ ગ્રાફ ઊંચો છે, સુભાષ આય નો યુ આર વર્કીંગ હાર્ડ.

રુચિરા, આપણે આ કંપનીમાં સિનિયર છીએ. એ.કે. સર હંમેશાં કહે છે- તમે જે કામ કરો, શ્રેષ્ઠ કરો, આગળ વધવું હોય તો લક્ષ્ય ઊંચું રાખો. સુભાષે કહ્યું.

મને તો ખબર જ નહીં કે એ.કે. સર મને એવોર્ડ આપશે. મિત્રભાવે કહું તો એવોર્ડ મળે તો આનંદ થાય પણ એ મેળવવા ખોટી સ્પર્ધા કે કાવાદાવાથી દૂર રહેવું જોઈએ. રુચિરાએ કહ્યું. પછી નિપુણ તરફ નજર કરતાં બોલી- અહીં તો તૈયારી શરૂ થઈ ગઈ.

ઉપરની વાતને પંદરેક દિવસ થયા હશે. સુભાષ યુ.કે.ના ક્લાયન્ટ સાથે વાત કરતો હતો , ત્યાં જ મોબાઈલ પર તેના ભાઈ પ્રશાંતનો ફોન આવ્યો.સુભાષે રુચિરાને બિઝનેસ લાઈન આપી. પ્રશાંતે ગભરાતા અવાજે કહ્યું- ભાઈ જલદી આવ. પપ્પાને એટેક આવ્યો છે, અમે સિવિલ હોસ્પિટલમાં લઈ જઈએ છીએ, ડો. કાંબળેએ એમ્બ્યુલંસ મોકલી છે. હું અને મમ્મી જઈએ છીએ.

ઓ.કે ગુડ હું પણ પંદર મિનિટમાં આવું છું, સુભાષે ગંભીર થતાં કહ્યું.

રુચિરાએ સુભાષને હિંમત બંધાવતા કહ્યું- જરાય ચિંતા ન કર. તારા પપ્પાને સારું થઈ જશે.

એ.કે. સરે કહ્યું- સુભાષ હું તારી સાથે જ છું. યુ ટેક કેર ઓફ યોર પપ્પા. તારા અરજંટ ડિલિંગ હોય તો નિપુણને જણાવ, એ સંભાળશે.

સુભાષે નિપુણ અને રુચિરાને કામની ફાઈલ સોંપી.

ચાર દિવસ પછી ખબર પડી કે ઓપરેશન ક્રિટિકલ છે માટે સુભાષ તેના પપ્પાને મુંબઈની હોસ્પિટલમાં લઈ જાય છે.

તે દિવસે સાંજે એ.કે. સર ઘરે જવા નીકળ્યા, સાંજે સાત વાગી ગયા હતા. નિપુણ અને રુચિરા હજુ કામ કરી રહ્યાં હતાં.

નિપુણ, રુચિરા, હજુ કેટલો સમય છો? એ.કે. સરે પૂછ્યું.

સર, ૧૦-૧૫મિનિટમાં જ નીકળું છું. રુચિરાએ કહ્યું.

સર, હું સુભાષની બે ફાઈલ કંપલીટ કરું, જેથી કલાયંટ સાથે ડિલ કરી શકાય, નિપુણે રુચિરા સામું જોતાં ગર્વભેર કહ્યું.

ઓ.કે. કહેતાં એ.કે. સર ગયા.

રુચિરા આજના ટ્રાન્ઝેકશન પર ફાઈનલ નજર નાખી રહી હતી. ત્યાં એની નજર પડી કે નિપુણ સુભાષની ડિલિંગ ફાઈલમાંથી પોતાના મોબાઈલમાં કશુંક નોંધી રહ્યો હતો, અને સુભાષની ડિલિંગમાં કંઈક લખી રહ્યો હતો.

રુચિરા તરત એના ટેબલ પાસે
ગઈ અને પૂછયું-. નિપુણ, આ તું શું કરે છે, સુભાષની ડિલિંગમાં તું ચેન્જ કરે છે, ધીસ ઈસ નોટ ફેર. યુ કાન્ટ ડુ.
આ સાંભળતા જ નિપુણનો પિત્તો જતાં તે બોલ્યો- તું મને સલાહ આપનારી કોણ? કહેતા એણે હાથ ઉગામ્યો.

પણ, નિપુણ, સુભાષની એબસન્ટમાં તું કોઈ ચેન્જ ન કરી શકે. રુચિએ નિર્ભિકતાથી કહ્યું.

કેમ તને આટલું બધું લાગી આવ્યું, સમથિંગ સ્પેશિયલ? નિપુણે આંખ નચાવતાં કહ્યું.

નિપુણ, બિહેવ યોર સેલ્ફ. બિઝનેસ એથિકસ છે કે નહીં. રુચિનો ચહેરો તમતમી ગયો.

તું મને એથિક્સ શીખવાડે છે કહેતાં નિપુણનો સાદ ફાટી ગયો.

નિપુણ, તારા બરાડાથી હું ગભરાઈ નહીં જઉં.

એ.કે. સરના પપ્પા મારા પપ્પાના ખાસ મિત્ર છે. હું ધારુંને તો તને કાલે જ રસ્તે રખડતી કરી દઉં, સમજી.
અને તું જે કરે છે, એ એ.કે. સરને કહું તો તને કાલે જ છૂટો કરી દેશે.

રુચિરા, તું અને સુભાષ જોતા રહેજો, આ વર્ષે એક્ષલંસ એવોર્ડ મને જ
મળશે, અને એ.કે. સાથે બિઝનેસ ટૂરમાં પણ હું જ જઈશ. નિપુણે કહ્યું.

એવા ખોટાં સપનાં જોતો નહીં, સુભાષ એ.કે સરનો રાઈટહેન્ડ છે.આ કંપની શરૂ થઈ ત્યારથી અમે એ.કે સર સાથે છીએ.
એ.કે.નો રાઈટ હેન્ડ એ તારો કોણ છે?

એ મારે તને કહેવાની જરૂર નથી, મારી સામે આટલી જબાન કોઈએ ચલાવી નથી. તારે પંગો લેવો છે- કહેતાં એણે રુચિરાને બે હાથે જકડી પોતાની પાસે ખેંચી. ભીંત તરફ ઘસડી, પીઠ પર ધુંબા માર્યા.

અચાનક થયેલા પ્રહારથી રુચિરા હેબતાઈ ગઈ. એનું માથું ચકરાવા લાગ્યું. હિંમત એકઠી કરીને તેણે બૂમ પાડી- સિકયોરિટી, સિક્યોરિટી. એનો હાથ ભીંત પરની એલાર્મ પર દબાઈ ગયો અને ઓફિસની બહાર ઊભેલો વોચમેન રામસિંગ ઓફિસમાં ધસી આવ્યો.

રામસિંગે બે હાથે નિપુણને પકડી લીધો અને એ.કે.સરની ઓફિસમાં ધસડી ગયો. ઓફિસ બહારથી લોક કરી દીધી. એનો બબડાટ ચાલુ જ હતો.

મેડમ તુમ ગભરાના નહીં. અભી સાહબ કો ફોન કરતા હૂં.

એ.કે. સાહેબ હાંફળા-ફાંફળા થઈને પંદર મિનિટમાં જ પોલીસને લઈને આવ્યા. એક્ષલંસી એવોર્ડના સપના જોઈ રહેલા નિપુણને એ.કે. સરે નોકરીમાંથી કાઢી મૂકયો. અને રુચિરાનું યંગબ્રેવ વુમન તરીકે સન્માન કર્યું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button