કાયદો બનાવવાથી પેપર ફૂટતાં બંધ ના થાય
આપણે ત્યાં રાષ્ટ્રીય કક્ષાની પરીક્ષાનાં પેપર્સ તો છાશવારે પોપકોર્ન- ધાણીની જેમ ફૂટે છે અને આનું અપરાધ કેન્દ્ર ગુજરાત છે. આવાં કૌભાડ પછી સત્તાધીશો પોતાને જ ક્લિન ચીટ આપી ‘નિર્દોષ’ જાહેર કરે એ બેશરમીની પરાકાષ્ઠા છે. હકીકતમાં આપણે ત્યાં પરીક્ષાનાં પેપર્સ નથી ફૂટતાં - મહેનતુ વિદ્યાર્થીઓના નસીબ ફૂટે છે..!
કવર સ્ટોરી -વિજય વ્યાસ
દેશભરની મેડિકલ કોલેજોમાં એમબીબીએસ સહિતના અંડર ગ્રેજ્યુએટ કોર્સિસ માટે લેવાતી ‘નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ એક્ઝામિનેશન’ (NEET) ના પરિણામમાં ગરબડ થઈ અને પછી પેપર ફૂટ્યું હોવાનું બહાર આવ્યું. આ ઓછું હોય તેમ દેશભરની કોલેજોમાં અંડર ગ્રેજ્યુએટ કોર્સિસમાં અલગ અલગ વિષયો ભણાવવા માટેની લાયકાત માટેની યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન-નેશનલ એલિજિબિલિટી ટેસ્ટ (UGC-NET) પણ રદ કરવાની ફરજ પડી.
૧૮જૂન, ૨૦૨૪થી યુજીસી-નેટ પરક્ષા શરૂ થયેલી. એક દિવસ પરીક્ષા લેવાઈ પણ બીજા દિવસે એટલે કે,૧૯જૂન ને બુધવારે અચાનક પરીક્ષા રદ કરવાની જાહેરાત કરવામાં આવી. આ બંને પરીક્ષા કેન્દ્ર સરકારના તાબા હેઠળની ‘નેશનલ ટેસ્ટિંગ એજન્સી’ (એનટીએ) લે છે. આ બંને પરીક્ષામાં ૩૦ લાખ કરતાં વધારે વિદ્યાર્થીઓ બેસે છે ત્યારે તેમાં નાની સરખી પણ ગરબડ ના થાય એ જોવાની જવાબદારી ‘એનટીએની’ ગણાય પણ એનટીએ પોતે જ ભ્રષ્ટાચારમાં સંડાવાયેલી હોવાનું બહાર આવ્યું છે . એ જોતાં વાડ જ ચિભડાં ગળે એવો ઘાટ છે.
NEET પેપર લીક કેસના માસ્ટરમાઇન્ડ અમિત આનંદે કબૂલાત કરી છે કે, પરીક્ષાના એક દિવસ પૂર્વે પેપર લીક થયું હતું. વિદ્યાર્થીઓને પરીક્ષાના એક દિવસ પહેલા જવાબો યાદ કરાવવામાં આવ્યા હતા અને તેના બદલામાં દરેક વિદ્યાર્થી પાસેથી ૩૦થી૩૨ લાખ રૂપિયા લેવામાં આવ્યા હતા..! આમ આ પેપર લીકનો રેલો ‘એનટીએ’ સુધી પહોંચે છે.
NEET અને UGC-NET ના કારણે પેપર લીકના મુદ્દે રાષ્ટ્રીય સ્તરે હોબાળો થયો, પણ વાસ્તવમાં આપણે ત્યાં પેપર લીકનો સિલસિલો લાંબા સમયથી ચાલે છે.૨૦૧૮ના માર્ચમાં સીબીએસઈનું ધોરણ ૧૦નું ગણિત ને ધોરણ ૧૨નું અર્થશાસ્ત્રનું પેપર ફૂટી ગયું ત્યારે વીસ લાખ વિદ્યાર્થીઓની મહેનત પાણીમાં ગઈ હતી. એ વખતે પણ ભારે હોબાળો થયેલો, પણ પાછું બધું રાબેતા મુજબ ભૂલાઈ ગયેલું. હવે પાછું પેપર ફૂટ્યું તેમાં લોકો પાછા જાગ્યા છે.
પેપર લીક કૌભાંડોનું એપીસેન્ટર-કેન્દ્ર ગુજરાત છે. ગુજરાતમાં છેલ્લા એક દાયકામાં ૧૫ સ્પર્ધાત્મક પરીક્ષા સહિતની ૨૦ જેટલી પરીક્ષાનાં પેપર ફૂટ્યાં છે એના કારણે લાખો વિદ્યાર્થીઓને અસર થઈ છે. કોલેજોથી માંડીને સ્કૂલની પરીક્ષા સુધીનાં પેપર ગુજરાતમાં ફૂટ્યા જ કરે છે. ઉત્તર પ્રદેશ, હરિયાણા, ઉત્તરાખંડ સહિતનાં રાજ્યોનાં પેપર પણ ગુજરાતમાં ફૂટે છે. ગઊઊઝ પેપર લીકના છેડા પણ ગુજરાત સુધી પહોંચે છે, કેમ કે પરીક્ષા લેવાની જવાબદારી ગુજરાતની એજ્યુસ્ટેટ કંપની પાસે હતી.
‘એનટીએ’ના ભ્રષ્ટાચારના કારણે દેશભરનાં લાખો વિદ્યાર્થીઓના ભાવિ સામે પ્રશ્ર્ચનાર્થચિહ્ન મુકાઈ ગયું છે ત્યારે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે ઘોડા છૂટ્યા પછી તબેલાંને તાળા મારવાનો કાર્યક્રમ શરૂ કરીને તાત્કાલિકદેશમાં પેપર લીક કાયદો અમલમાં લાવી દીધો છે.
કેન્દ્ર સરકારે શુક્રવારે- ૨૧ જૂન -૨૪ની મોડી રાત્રે નોટિફિકેશન બહાર પાડીને પબ્લિક એક્ઝામિનેશન (પ્રિવેન્શન ઓફ અનફેર મીન્સ) એક્ટ૨૦૨૪ની જોગવાઈઓ દેશભરમાં અમલી બનાવી દીધી છે.
હકીકતમાં આ કાયદો તો આ વર્ષે ફેબ્રુઆરીમાં જ સંસદમાં રજૂ કરવામાં આવ્યો હતો. હવે જાહેરનામું બહાર પાડીને લાગુ કરી દીધો છે. આ કાયદા હેઠળ પેપર લીકના આરોપીને
ત્રણથી પાંચ વર્ષની જેલ અને ૧૦લાખ રૂપિયા સુધીના દંડની સજા થઈ શકે છે. પેપર લીકને ‘ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ’ -સુવ્યવસ્થિત અપરાધ તરીકે સ્વીકારીને પેપર લીક નેટવર્કમાં સક્રિય આરોપી કે પહેલાં સજા થઈ હોય એવા ગુનેગારોને ૧૦ વર્ષ સુધીની સજા થઈ અને ૧કરોડ રૂપિયા સુધીનો જંગી દંડ થઈ શકે છે. આ કાયદા હેઠળ દોષિત ઠરનાર આરોપીની સંપત્તિ જપ્ત કરી શકાય છે.
આ કાયદા હેઠળ તમામ મહત્ત્વપૂર્ણ પરીક્ષાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. યુનિયન સર્વિસ પબ્લિક કમિશન (UPSC), શોર્ટ સર્વિસ કમિશન (SSC), રેલવે દ્વારા લેવામાં આવતી સ્પર્ધાત્મક પરીક્ષાઓ,બેંકિંગ ભરતી પરીક્ષાઓ અને નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)) દ્વારા લેવામાં આવતી તમામ કમ્પ્યુટર આધારિત પરીક્ષાઓને આ કાયદા હેઠળ આવરી લેવામાં આવી છે. આ કાયદા હેઠળ ઉચ્ચ સ્તરીય રાષ્ટ્રીય ટેકનિકલ સમિતિની રચના કરવામાં આવશે અને પરીક્ષા દરમિયાન ઈલેક્ટ્રોનિક સર્વેલન્સ અને ફૂલપ્રૂફ આઈટી સુરક્ષા વ્યવસ્થા પણ કરાશે. અલબત્ત, પેપર લીકમાં સંડોવાયેલા વિદ્યાર્થીઓને આરોપી નહીં બનાવાય.
કેન્દ્ર સરકારે કાયદો બનાવીને સારું કર્યું, પણ આપણો અનુભવ છે કે, કાયદો બનાવવાથી અપરાધ રોકાતા નથી. તેમાં પણ સરકારી તંત્ર જ ભ્રષ્ટ હોય ને પેપરો લીક કરતું હોય ત્યારે તો કશું ના બદલાય. સૌપ્રથમ તો આ ભ્રષ્ટાચાર રોકવો પડે, સરકારી તંત્રમાં મોટા પાયે સાફસૂફી કરવી પડે ને પેપર ફૂટે તેના માટે સરકારી તંત્રમાં બેઠેલા લોકોને જ જવાબદાર ગણી સજા કરવી પડે તો જ આ બધું રોકાય, બાકી ખાલી કાયદો બનાવી દેવાથી કશું ના રોકાય.
લાલ બહાદુર શાસ્ત્રી રેલવે પ્રધાન હતા ત્યારે એક અકસ્માતની નૈતિક જવાબદારી સ્વીકારીને એમણે રાજીનામું ધરી દીધું હતું. રેલવે અકસ્માત માટે સીધી રીતે રેલવે પ્રધાન જવાબદાર ના હોય, પણ પોતાના મંત્રાલયની અણઆવડતના કારણે લોકોના જીવ ગયા તેથી પોતાને રેલવે મંત્રી તરીકે રહેવાનો કોઈ અધિકાર નથી એવો શાસ્ત્રીજીનો મત હતો.
અત્યાર સ્થિતિ તો બિલકુલ ઊલટી છે.
કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારના શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન પોતાની તો કોઈ નૈતિક જવાબદારી છે એવું માનતા જ નથી, પણ પોતાનો વિભાગ પણ ‘દૂધે ધોયેલા છે’ એવા દાવો કરીને એમણે તેનો સાવ ખોટો બચાવ કર્યો.નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ એક્ઝામિનેશન (NEET)માં ગેરરીતિ થઈ હોવાનું પહેલી વાર બહાર આવ્યું ત્યારે ધર્મેન્દ્ર પ્રધાને આ પરીક્ષા લેનારી શિક્ષણ મંત્રાલયની નેશનલ ટેસ્ટિંગ એજન્સીને ક્લિન્ ચીટ આપીને છાતી ઠોકીને કહેલું કે, આ ગેરીરીતિમાં ‘એનટીએ’ ની કોઈ ભૂમિકા નથી અને નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ એક્ઝામિનેશન (NEET)નું પેપર ફૂટ્યું જ નથી!
જો કે, ધર્મેન્દ્ર પ્રધાને ૪૮ કલાકમાં જ થૂંકેલું ચાટવું પડ્યું કેમ કે NEET નું પેપર ફૂટી ગયું હોવાનું પુરાવા સાથે સાબિત થઈ ગયું. પ્રધાને પોતાની આબરૂ બચાવવા માટે સ્વીકારવું પડ્યું કે, પોતે ‘એનટીએ’ ને ક્લિન ચીટ આપવામાં ઉતાવળ કરી હતી. હવે એમણે કોઈ ચમરબંધીને પણ છોડવામાં નહીં આવે અને આ કેસની સંપૂર્ણ તપાસ કરાવવાની જવાબદારી પોતાની છે ’ એવી રેકર્ડ વગાડવા માંડી છે.
પ્રધાન ભલે કહે છે એ રીતે ખરેખર સંપૂર્ણ તપાસ થવા વિશે શંકા છે, પણ એ અલગ મુદ્દો છે. અહીં મૂળ મુદ્દો ધર્મેન્દ્ર પ્રધાનની ફિશિયારીઓનો છે. શિક્ષણ મંત્રી જેવા જવાબદાર હોદ્દા પર બેઠેલી વ્યક્તિ આ રીતે કોઈ પણ તપાસ વિના કોઈને પગ ક્લિન ચીટ આપીને બેસી જાય તેનો મતલબ એ થયો કે, ધર્મેન્દ્ર પ્રધાનને પોતાનું લશ્કર ક્યાં સરહદે લડે છે તેની ખબર જ નથી. ધર્મેન્દ્ર પ્રધાને કોઈ પણ પુરાવા વિના પોતે સુપ્રીમ કોર્ટના જજ હોય એમ ‘એનટીએ’ને નિર્દોષ કરાર આપી દીધો ને હવે પેલી ‘એનટીએ’ જ શંકાના દાયરામાં છે ત્યારે ધર્મેન્દ્ર પ્રધાનને શિક્ષણ મંત્રીપદે રહેવાનો કોઈ અધિકાર નથી. ધર્મેન્દ્ર પ્રધાનમાં શરમનો છાંટો પણ હોય તો એમણે આ ભવાડાની નૈતિક જવાબદારી સ્વીકારીને શિક્ષણ મંત્રીપદેથી રાજીનામું ધરી દેવું જોઈએ.