બાપ્પાની કૃપાથી જળસંકટ ટળ્યું
મુંબઈને પાણી પુરું પાડતા તળાવોમાં ૯૮ ટકા પાણી
મુંબઈ: દેશની આર્થિક રાજધાની મુંબઈમાં જળસંકટ સમાપ્ત થઈ ગયું છે. મહાનગરને પાણી પૂરું પાડતા સાત તળાવોમાં ૯૮ ટકાથી વધુ પાણી એકઠું થયું છે, જે વર્ષના ક્વોટા માટે પૂરતું છે. તેમ જ ભવિષ્યમાં વધતી જતી વસ્તીની વધતી પાણીની માગને પહોંચી વળવા માટે પાલિકા વહીવટીતંત્રે ઘણા પ્રોજેક્ટ્સને ઝડપી બનાવવાનો નિર્ણય કર્યો છે. આ વર્ષ ચોમાસાને જોતા એવું લાગતું હતું કે સાત તળાવોમાં પાણીનો ઓછો સંગ્રહ હોવાથી આ વર્ષે મુંબઈમાં જળસંકટની સમસ્યા સર્જાઈ શકે છે. જુલાઈ મહિનામાં સારો વરસાદ થયો હતો પરંતુ ઑગસ્ટ મહિનામાં વરસાદ થયો ન હતો, જેના કારણે મુંબઈમાં પાણી કાપની સમસ્યા વધુ ઘેરી બનવા લાગી હતી. હવે મુંબઈ મહાનગરપાલિકાએ કહ્યું છે કે સપ્ટેમ્બરના બીજા સપ્તાહમાં જળાશયોના સંગ્રહ વિસ્તારમાં સંતોષકારક વરસાદ થયો છે. ધીમે ધીમે જળાશયોમાં ૯૮ ટકાથી વધુ પાણીનો સંગ્રહ થયો છે, જે મુંબઈને પાણી પહોંચાડવા માટે પૂરતું છે.
આગામી કેટલાક દિવસો સુધી વધુ વરસાદની સંભાવના છે, જેના કારણે તળાવોના જળસંગ્રહમાં વધુ વધારો થશે. સાત તળાવોમાંથી મુંબઈને દરરોજ ૩,૯૦૦ મિલિયન લિટર પાણી પૂરું પાડવામાં આવે છે. સાત તળાવો વિહાર, તુલસી, તાનસા, અપર વૈતરણા, લોઅર વૈતરણા, ભાતસા, મધ્ય વૈતરણાની કુલ સંગ્રહ ક્ષમતા ૧૪,૪૭,૩૬૩ મિલિયન લિટર છે. ઉ
હાલમાં આ પ્રોજેક્ટ્સ પર કામ ચાલી રહ્યું છે
મુંબઈ શહેરના પાણી પુરવઠામાં કોઈ વિક્ષેપ ન પડે તે માટે લગભગ ૧,૧૫૦ એન્જિનિયરો અને ૮,૯૫૦ મજૂરો અને અન્ય કર્મચારીઓ કામે લાગ્યા છે. મુંબઈની વસ્તી દિવસેને દિવસે વધી રહી છે. એવો અંદાજ છે કે વર્ષ ૨૦૪૧ સુધીમાં મુંબઈની વસ્તી વધીને એક કરોડ ૭૨ લાખ થઈ જશે અને પાણીની માગ ૬૫૩૫ મિલિયન લીટર સુધી પહોંચી જશે.
પાણીની માગને પહોંચી વળવા માટે, ગરગાઈ, પિંજલ અને દમણગંગા પિંજલ નદી લિંકિંગ પ્રોજેક્ટમાંથી પાણીનું સંચાલન કરવાનું કામ ચાલી રહ્યું છે.
તેવી જ રીતે મલબાર જળાશયની જળ સંગ્રહ ક્ષમતા વિસ્તરણની કામગીરી પર ભાર મૂકવામાં આવ્યો છે. ૬૦૦ કરોડના ખર્ચે હેંગિંગ ગાર્ડન સ્થિત મલબાર જળાશયની સંગ્રહ ક્ષમતા ૧,૫૯૦થી વધારીને ૧,૯૫૦ મિલિયન લિટર કરવાના પ્રોજેક્ટ પર કામ શરૂ કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટનું કામ પાંચ તબક્કામાં કરવામાં આવશે. આનાથી દક્ષિણ મુંબઈના મલબાર હિલ, ગ્રાન્ટ રોડ, ચર્ની રોડ, નરીમાન પોઈન્ટ જેવા ઘણા વિસ્તારોને મદદ મળશે. ઉ